પોળો ફોરેસ્ટમાં એન્ટ્રી ફીના નામે પૈસા પડાવવાનો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં

હિતેશ રાવલ, સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોળો ફોરેસ્ટમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ માંથી પ્રવાસીઓ કુદરતી પ્રકૃતિ સૌંદર્ય નિહાળવા મોટી સંખ્યામાં આવતા હોય છે. પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસીઓ કેટલાક ખાનગી તેમજ ફોરેસ્ટ ગાઈડ દ્વારા પ્રવાસીઓને આસપાસના પ્રવાસન સ્થળો બતાવવા માટે ગાઈડ રાખતા હોય છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈને કેટલાક લોકો દ્વારા ઓફિસ ખોલીને એન્ટ્રી ફીના નામે રૂ. ૫૦ વસૂલાતા હોવાના અહેવાલને પગલે પ્રવાસીઓને જંગલ દર્શન કરાવતા હોવા અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં વહીવટી તંત્ર અને ફોરેસ્ટ વિભાગ એક્શનમાં આવ્યું છે.

આ અંગે જિલ્લા કલેકટર હિતેષ કોયા દ્વારા તાત્કાલિક બેઠક બોલાવીને તપાસ શરૂ કરી હતી. ફોરેસ્ટ વિભાગનો ગાઈડ કેટલાક લોકોને એન્ટ્રી ફીના નામે વધારાના પૈસા લઈને પોળો ફોરેસ્ટમાં એન્ટ્રી ફીના નામે પૈસા ઉઘરાવતો હોવાની હકીકત સામે આવતા ગાઇડને તાત્કાલિક ધોરણે ત્યાંથી છુટા કરાયા છે. અને તેમના ઉપર પોલીસ ફરિયાદ કરવાની સૂચના આપી છે, તથા એન્ટ્રી ફીના નામે પ્રવાસીઓ પાસેથી જે પૈસા ઉઘરાવેલા તે પરત કરવા પણ સૂચના અપાઇ છે.

આ એન્ટ્રી પ્રવાસીઓ માટે વિનામૂલ્યે છે, છતાં ફી વસુલાત ગેરકાયદેસર છે અને ભવિષ્યમાં આવું ન બને તે બાબતની કાળજી રાખવા કડક સૂચના આપી તાકીદ કરાઈ છે. કોઇપણ પ્રવાસી સાથે આવું થાય તો વહીવટીતંત્ર અને ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક તથા અન્ય અધિકારીઓનું ધ્યાન દોરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ પ્રવાસન સ્થળ જિલ્લાની એક આગવી ઓળખ છે જે કાયમ લોકોમાં બની રહે તેવા પ્રયત્નો કરવા જણાવાયું હતું.