રિબડા નજીકથી લોહીલુહાણ હાલતમાં યુવતીની લાશ મળી

જીન્સ પેન્ટ અને ટીશર્ટ પહેરેલી યુવતીનું પર્સ અને મોબાઇલ ગુમ: હત્યા થયાની શંકા: મૃતદેહને ગોંડલ ખસેડાયો

રાજકોટથી ગોંડલ તરફ જતા નેશનલ હાઇ-વે પર રિબડા નજીકથી જીન્સ પેન્ટ અને ટીશર્ટ પહેરેલી અજાણી યુવતીની લોહીલુહાણા હાલતમાં લાશ મળી આવતા યુવતીનું મોત કંઇ રીતે થયુ અને મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રિબડા નજીક હાઇ-વેથી ચારેક ફુટ દુરના અંતરે અજાણી યુવતીની લોહીથી ખરડાયેલી હાલતમાં લાશ પડી હોવાની બીટ જમાદાર ધમભા જેઠવાને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

મૃતક યુવતી આશરે 20 થી 25 વર્ષની હોવાનું તેના બંને હાથમાં મહેંદી મુકેલી તેમજ તેણીએ પીળા કલરનું ટીશર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલી હાલતમાં લાશ મળી આવી હતી મૃતકના ચહેરા પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. પરંતુ તેની કોઇ ઓળખ મળે તેવી કોઇ ચિજ વસ્તુ મળી ન હતી. મૃતક યુવતીનું પર્સ અને મોબાઇલ ગુમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

મૃતકની ઓળખ થયા બાદ જ તેણીની હત્યા થઇ છે કે, આકસ્મિક રીતે મોત થયુ છે તે અંગેની વિગતો સ્પષ્ટ થઇ શકે તેમ હોવાનું મોતનું સાચુ કારણ પોસ્ટમોર્ટમ થયા બાદ જ બહાર આવે તેમ હોવાથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડયો છે. રાજકોટથી ગોંડલ તરફ જતા ટ્રેક સાઇડથી યુવતીની લાશ મળી હોવાથી તેણીને ચાલુ વાહને ફેંકી દેવામાં આવ્યાની શંકા વ્યક્ત થઇ રહી છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે આશરે 20 થી 25 વર્ષની ગુમ થયેલી યુવતીઓની યાદી પરથી તપાસ હાથધરી છે.