- કૌભાંડીઓએ પરિચિતોના ખોટા ડોક્યુમેન્ટ, આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલિસી, કોટેશન રજૂ કરી 10 લોન મંજુર કરાવી લીધી
- જૈન સાયન્ટિફિક ઉદ્યોગ પેઢીના એકાઉન્ટમાં સાત કારના રૂ.64.45 લાખ અને મહાકાલ એન્ટરપ્રાઈઝના ખાતામાં ત્રણ કારના રૂ.28.70 લાખ જમા થયાનો ધડાકો
ભેજાબાજો આર્થિક છેતરપિંડી આચરવા નવા નવા કિમીયા અજમાવતા હોય છે ત્યારે ભેજાબાજોએ બેંકમાં ખોટા કાગળો રજુ કરી દસ કારની લોન મેળવી લીધાનો ઘટસ્ફોટ થયો છે. વિજય કોમર્શિયલ બેંકમાં રૂ.93.15 લાખનું દસ કાર લોનનું મસમોટુ કૌભાંડ સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. મંગળા રોડ પર આવેલ શાખાના બ્રાન્ચ મેનેજરએ તેના મળતીયા ઓટો બ્રોકર શ્રુજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણી સાથે મળી કારસ્તાન રચ્યું અને આરોપીએ પરિચિતોના ખોટા ડોક્યુમેન્ટ, આરસી બુક, ઇન્સ્યોરન્સ પોલિસી, કોટેશન રજૂ કરી 10 લોન મંજુર કરાવી લીધી હતી.
છેતરપિંડીના મામલામાં શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટની સામે પેન્ટાગોન ટાવરમાં રહેતાં દુર્ગેશભાઇ વ્રજલાલભાઈ આચાર્ય (ઉ.વ.47) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે શ્રુજય સંજય વોરા, લક્ષ્યાંક શૈલેષ વિઠલાણી, જૈન સાયન્ટિફિક ઉદ્યોગના ભાગીદારી પેઢીના જવાબદાર વ્યક્તિઓ, મહાકાલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઇટર મીત મહેશ પરમાર, વિજય કોમર્શિયલ કો. ઓપરેટિવ બેંકના મંગળા રોડ શાખાના મેનેજરનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપીંડી અને ખોટા કાગળો બનાવવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ 23 વર્ષથી કનક રોડ ફાયર બ્રિગેડ પાસે આવેલ વિજય કોમર્શીયલ કો. ઓપરેટીવ બેન્કની મેઇન બ્રાન્ચમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. બેંકની રાજકોટ શહેર ખાતે જુદી જુદી 7 બ્રાન્ચ આવેલ છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આશરે ચારેક માસ પહેલા વિરેન મુકુદરાય પાંઉ તથા સમીરભાઈ સુરેશભાઈ અઢીયાએ એક લેખીત અરજી કરેલ જેની જાણ માટે બેંકને અરજી આપતા જે મેઇન બ્રાન્ચ ખાતે આવેલ જેમા શ્રુજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણીના સામાવાળા તરીકે નામ હતા. બેંક લોન બાબતેની અરજી આવેલ હતી. જે બાબતે બેંક મારફતે તપાસ કરતા મંગળા રોડ શાખામાથી વિરેન મુકુદરાય પાંઉ તથા સમીરભાઈ સુરેશભાઇ અઢીયાએ કાર લોન મેળવેલ હતી.જે કાર લોન બાબતે શાખા મેનેજરને પુછતા તેઓએ જણાવેલ કે, લોન બ્રોકર શ્રુજય વોરા અને લક્ષ્યાંક વિઠલાણીએ બે કાર લોન કરાવેલ છે અને આ સિવાયની અન્ય 8 કાર લોન પણ તેઓએ કરાવેલ છે.
બાદમાં મંગળા રોડ શાખા ખાતે તપાસ કરતા મંગળા રોડ શાખાના મેનેજરએ જુદી જુદી કાર ઉપર લોન આપેલ હોય જેમાં બહારના લોન બ્રોકર તરીકેના પરીચીત શ્રુજય સંજયભાઇ વોરા અને લક્ષ્યાંક વિઠલાણી લોન બ્રોકરનુ કામ કરતાં હતાં. જેથી મંગળારોડ શાખામાંથી રાઠોડ રવજીભાઈ નાથાભાઈએ અલ્ટ્રોઝ સી.એન.જી. કાર રૂ.10 લાખની લોન લીધેલ હતી અને જે તે વખતે આ લોન લગત બેન્ક લોન પોલીસી મુજબના જરૂરી તમામ કાગળો રજુ કરેલ અને જે આધારે લોન ધારકને લોન મંજુર કરવામાં આવેલ હતી.
તેમજ ઘંટેશ્વરમાં રહેતાં ગૌસ્વામી દીવ્યાબેનએ અલ્ટ્રોઝ કાર રૂ.9.70 લાખની લોન લીધેલ હતી. નાનામવા મેઈન રોડ પર રહેતાં વિઠલાણી દીપાબેન શૈલેષભાઇએ અલ્ટ્રોઝ કાર રૂ.9 લાખની લોન લીધેલ હતી. તેમજ મવડી પ્લોટમાં રહેતાં બધેકા ઉદય મનીષભાઇએ અલ્ટ્રોઝ કારની કુલ રૂ.9.70 લાખની લોન લીધેલ, નાનામવા મેઈન રોડ પર રહેતાં વીઠલાણી વિક્રમ શૈલેષભાઇએ અલટ્રોઝ કારની કુલ રૂ.9.30 લાખની લોન લીધેલ હતી.ઉપરાંત મવડી પ્લોટમાં રહેતાં બધેકા નીકીતાબેન મનીષભાઈએ અલ્ટ્રોઝ કારની કુલ રૂ.9 લાખની લોન લીધેલ હતી. ભોમેશ્વર પ્લોટમાં રહેતાં વેકરીયા દીવાન રાજેશભાઇએ અલ્ટ્રોઝ કારની રૂ.9 લાખની લોન લીધેલ, કોઠારીયા રોડ પર રણુંજા મંદિર પાછળ રહેતાં અઢીયા સમીર સુરેશભાઇએ અલ્ટ્રોઝ કારની રૂ.9.45 લાખની લોન લીધેલ હતી. તેમજ અંબીકા ટાઉનશીપમાં રહેતાં પાઉ વિરેન મુકુંદરાયએ અલ્ટ્રોઝ કારની રૂ.9.50 લાખની લોન લીધેલ અને જામનગર રોડ પર રહેતાં ભોજાણી સોનુબેન મહેશભાઇએ અલ્ટ્રોઝ કારની રૂ.8.50 લાખની લોન લીધેલ હતી.
તમામ 10 લોન મંગળા રોડ શાખાના મેનેજરએ મંજુર કરેલ હતી. જે ખરાઇ કરતા 10 લોન ધારકોના કોટેશન મહાકાલ એન્ટરપ્રાઇઝના નામે રૂ.93.15 લાખ બેંક મારફતે મહાકાલ એન્ટરપ્રાઇઝ મોરબીને આરટીજીએસ મારફતે ચુકવાયેલ હોવાનુ લોન ફાઇલો ઉપરથી જણાય આવેલ છે.બાદમાં ફરિયાદીએ વધું તપાસ કરતા દશ લોકોની કાર લોન પૈકીના 03 લોન ધારકોના રૂ.28.70 લાખ જે રૂપીયા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની રેસકોર્સ બ્રાંચમાં મહાકાલ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર મીત મહેશભાઇ પરમારના ખાતામાં જમા થયેલ હતા. તેમજ દશ લોકોની કાર લોન પૈકીના 07 લોન ધારકોના રૂ.64.45 લાખ યશ બેન્ક મોરબી બ્રાંચમાં જૈન સાઇન્ટીફીક ઉદ્યોગના પ્રોપરાઈટર દીપક ચંદુલાલ દોશીના ખાતામાં જમા થયેલ હતા.
જે બાદ આરટીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીમાં તપાસ કરતા આરસી બુક અને વીમાના કાગળો પણ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું. મંજુર થયેલ 10 કાર લોનની ખરાઇ કરાવતા તેમાથી ધણી કાર લોનના હપ્તા સમયસર ભરેલ ન હતા તેમજ મંજુર થયેલ 10 કાર લોનના ડોકયુમેન્ટ ચેક કરતા તે પૈકી કાર ખરીદીના કોટેશનો ચકાસતા તેમા પેમેન્ટ માટેની કોઇપણ બેન્કની માહીતી દર્શાવેલ ન હતી તે કોટેશન ચેક કરવાની જવાબદારી શાખા મેનેજર ની હોય છે.જે ચકાસણી થયેલ નથી તેમ છતા ઓનલાઇન પેમેન્ટ/આર.ટી.જી.એસ.થી ભળતા નામમા કોઇપણ કાર લોન ખાતદારની લેખીત પરવાનગી લીધા વગર શાખા મેનેજરએ અન્ય આરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી 10 કાર લોનની રકમ રૂ.93.15 લાખ બે પેઢીના ખાતામા જમા કરાવી બેંક સાથે ઠગાઈ કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.
આરટીઓમાં તપાસ કરતા આર.સી. બુક બોગસ હોવાનું ખુલ્યું
મંગળા રોડ શાખાના બ્રાંચ મેનેજરએ જે 10 લોન ધારકોને કોટેશન મુજબની કાર લોન મંજુર કરવામાં આવેલ હતી. જે તમામ કાર ટાટા કંપની અલ્ટ્રોઝ સીએનજી કાર ઉપર અલગ અલગ રકમની બેંક પોલીસી આધારે લોન આપવામાં આવેલ હતી. તમામ લોનને લગત જરૂરી રેકર્ડ ચકાસણી કરવાની જવાબદારી મેનેજરની હતી.તેઓએ તેમના મેનેજરના પાવર ડેલીગેશનના આધારે આ લોન પાસ કરેલ હતી. ત્યારબાદ બેંક મારફતે જે તે કોટેશન આધારે લોન મંજુર કરેલ હતી અને જે તે લોન ધારકોએ તેમની કાર લોનની આર.સી.બુક તથા ઇન્સ્યોરન્સની પોલીસીની કોપી આપવાની હોય છે. જે આર.સી.બુકની કોપી જોતા જેમાં જણાવેલ આર.ટી.ઓ. નંબર ઓનલાઇન જોતા જે આધારે કાર રજીસ્ટેશન નંબર તથા કાર માલીકના નામમાં તફાવત જણાય આવેલ હતો. જેથી કાર લોનના ડોકયુમેન્ટ સાથે કારની આર.સી.બુક રજુ થયેલ હતી તે ખોટી હોવાનુ જણાયેલ હતું.
વીમાના કાગળો પણ બનાવટી નીકળ્યા
કાર લોનના ડોકયુમેન્ટ સાથે કાર ઇન્સ્યોરન્સ માટે ઇન્સ્યોરન્સ કંપનીના કાગળો રજુ થયેલ હતા જેથી એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સમાં ખરાઇ કરાવતા તેઓ તરફથી વળતો જવાબ આવેલ હતો કે, 10 પોલીસી પૈકીની 9 પોલીસી અમારી ઇન્સ્યોરન્સ કંપનીમાથી ઇસ્યુ થયેલ નથી અને એક પોલીસી ઇશ્યુ થયેલ છે તેમા પોલીસ ધારકનુ નામ અલગ છે.