Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ આપી ‘અબતક’ને માહિતી: 24 કલાક ઓર્બ્ઝવેશનમાં રખાશે

આજના તમામ કાર્યક્રમો રદ કરાયા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગઈકાલે રાત્રે વડોદરામાં એક ચૂંટણીસભા સંબોધતી વેળાએ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આ ઘટના બાદ રાજ્યભરમાં ભાજપના કાર્યકરો અને શુભ ચિંતકોમાં ભારે ચિંતાની લાગણી પ્રવર્તી જવા પામી છે. દરમિયાન મુખ્યમંત્રીની તબીયત એકદમ સારી છે. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. છતાં 24 કલાક સુધી તેઓને સતત ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હેલ્થ બુલેટીન જાહેર કર્યા બાદ ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવામાં આવશે. આજના મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીએ આજે સવારે અમદાવાદ ખાતેથી ‘અબતક’ સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની તબીયત હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને બ્લડ પ્રેશર તથા બ્લડ સુગર પણ નોર્મલ છે. ચિંતા જેવું નથી. હાલ તેઓ યુ.એન.હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે અને ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રવિવારે વડોદરામાં અલગ અલગ ત્રણ ચૂંટણીસભાઓ મુખ્યમંત્રીએ સંબોધી હતી. દરમિયાન નિઝામપુરમાં છેલ્લી અને અંતિમ જાહેરસભા સંબોધતી વેળાએ મુખ્યમંત્રીનું બીપી લો થવાના કારણે તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જ્યાં તેઓને વડોદરા શહેર ભાજપ પ્રમુખ જે વ્યવસાયે તબીબ છે તેઓ દ્વારા પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી હતી. થોડીવાર બાદ ખુદ મુખ્યમંત્રી સ્ટેજ પરથી જાતે પગથીયા ઉતરી પોતાની કારમાં બેસી એરપોર્ટ ગયા હતા. જ્યાં તેઓએ કારમાંથી મીડિયાકર્મીઓ અને સમર્થકો સામે હાલ હલાવી પોતે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાના સંકેતો આપી દીધા હતા. સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે તેઓની તબીયત લથડી હતી. થાક અને ડીહાઈડ્રેશનના કારણે બીપી લો થતાં તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. તેઓને વડોદરાથી તાત્કાલીક અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને રાત્રે યુ.એન.મહેતા હોસ્પિટલમાં તબીબો દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની તબીયત લથડી હોવાની જાણ થતાં જ ગઈકાલે રાત્રે અંજલીબેન રૂપાણી રાજકોટથી બાય રોડ અમદાવાદ યુ.એન.હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. આજે સવારે તેઓએ એવી માહિતી આપી હતી કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબીયત સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે. બીપી અને સુગર કંટ્રોલમાં છે. લોકોએ ચિંતા કરવા જેવું કંઈ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે રાત્રે જ ટેલીફોનિક વાતચીત કરી ખબર અંતર પૂછયા હતા. સ્વાસ્થ્યની સંપૂર્ણ ચકાસણી કરી લેવા, વધુ કાળજી લેવા અને આરામ કરવાની સલાહ આપી હતી. ગઈકાલે મુખ્યમંત્રીની તબીયત લથડ્યા બાદ હાલ તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે છતાં તેઓને 24 કલાક યુ.એન.મહેતા હોસ્પિટલમાં ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે. આજના મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે.

લવજેહાદને નાથવા ગુજરાત સરકાર કાયદો લાવશે: મુખ્યમંત્રી રૂપાણીની ઘોષણા

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ લવજેહાદ વિરોધી કાયદો લાવનાર ગુજરાત ત્રીજું રાજ્ય બનશે

લવજેહાદ સામે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા કાયદો ઘડાયા બાદ હવે ગુજરાતની ભાજપ સરકાર પણ લવજેહાદને નાથવા કાયદો લાવો. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરા ખાતે જાહેરસભાને સંબોધન દરમિયાન લવજેહાદનો ખરડો લાવવાની જાહેરાત કરી હતી.

વડોદરાના તર્સલી ખાતે યોજાયેલી જાહેરસભાને સંબોધન દરમિયાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુકે લવજેહાદના નામે જે ચાલી રહ્યું છે તે ચાલવા નહીં દઈએ વિધાનસભામાં લવ જેહાદ સામેનો કાયદો લવાશે. મુખ્યમંત્રી રૂપાણીએ લવજેહાદ સામે કાયદો લાવવાની જાહેરાત કરતા જ સભાસ્થળ ‘જય શ્રી રામ’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતુ.

ગુજરાત સરકાર લવજેહાદ સામેનો ખરડો લાવશે તો પરાણે ધર્માતરણ સામે કાયદો લાવનારગુજરાત ત્રીજુ રાજય બનશે. ઉત્તર પ્રદેશમાં ગત વર્ષે નવેમ્બર મહિનામાં લગ્નના નામે થતા પરાણે ધર્માંતરણ મુદે કાયદો લાવવામાં આવ્યો હતો. કાયદો અમલમાં આવ્યાની ગણતરીની કલાકોમાં જ સૌ પ્રથમ કેસ પણ નોંધાયો હતો. ત્યારબાદ ચાલુ વર્ષે જાન્યુઆરીમાં મધ્યપ્રદેશમાં ખરડો આવ્યો હતો અને પ્રથમ 23 દિવસમાં જ 23 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ કાયદાની અમલવારી બાદ ફરિયાદ નોંધાવનારાઓમાં મહિલાઓનું પ્રમાણ વધુ હતુ. જેમાં ધર્માંતરણ કરવા દબાણ લાવવામાં આવ્યું હોવાનો પણ કિસ્સા બહાર આવ્યા છે. અલાહબાદ હાઈકોર્ટ દ્વારા પણ માત્ર લગ્ન માટે ધર્માંતરણને અસ્વિકાર્ય ગણવામાં આવ્યું છે.

રાજયમાં લવજેહાદના નામે જે ચાલી રહ્યું છે તે ચાલવા નહીં દઈએ: મુખ્યમંત્રીની લવજેહાદ

સામેના કાયદાની જાહેરાત બાદ સભા સ્થળ જયશ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.