Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ ગરબાનું મહત્વ ગુજરાતમાં કેટલું છે. નવરાત્રીના તહેવારમાં 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે અને ગરબા રમવામાં આવે છે. જેમા નાની બાળાઓ અને ભૂલકાઓ માતાજીના ગરબા પર રાસ રમે છે. અત્યારે બધા ડીજેની બીટ પર ગરબા રમતા હોય છે પ્રાચીન સુંસ્કૃતિ પ્રમાણેના ગરબા તો આપણે ભૂલી જ ગયા છીએ પરંતુ સૌરાષ્ટ્રના છોટીકાશી ગણાતા જામનગરમાં એક એવી જગ્યા છે જ્યાં સાતમા નોરતે ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ ઈશ્વર વિવાહની વિશેષતા એ છે કે, અહીં પુરૂષો વિવાહ ગાય છે અને નોબતના તાલે ભેગા મળીને રાસ રમે છે.

છોટા કાશીનું બિરુદ પામેલા જામનગરમાં આ ઈશ્વર વિવાહ થાય છે જેનું આયોજન 330 વર્ષથી જલાની જારની ગરબીમાં થાય છે. આ ગરબીમાં આજ દિવસ સુધી આધુનિકતાનો સ્પર્શ થયો નથી. લાઉડ-સ્પીકર કે સંગીતનાં વાજિંત્રો વગર માત્ર નગરાના તાલે ગરબીનું આયોજન કરવામાં આવે છે. અહી માત્ર પુરુષો પરંપરાગત લાલ-પીળાં અને કેશરી અબોટિયાં પહેરી આ ગરબી રમે છે. આ ગરબીમાં ’ઈશ્વર વિવાહ’ શરૂ થાય એટલે ગરબા એકપણ ક્ષણના વિરામ વગર મોડી રાત સુધી સતત ગાવા અને રમવામાં આવે છે.

આ ગરબીમાં ચાંદી જડિત માતાનો મઢ તથા ચાંદી જડિત મા ‘નવ દુર્ગા’ના પૂતળા સદીઓ પુરાણા છે. આ ગરબી આજથી 330 વર્ષ જૂની છે. આ જલાની ગરબીમાં ગત રાત્રીના શરૂ થયેલ ઈશ્વર વિવાહ મોડી રાત સુધી ચાલ્યા હતા. આ વિવાહમાં એક પંક્તિ ચાર વખત ગાવામાં આવે છે કારણ કે સાંભળનાર શ્રોતાજનો એનો સાર સમજી શકે. આ ’ઈશ્વર વિવાહ’ જોવો અને ગાવો એ એક સ્મરણીય લહાવો છે, જેમાં એકપણ ક્ષણ વિના સતત સાડાત્રણ કલાક સુધી ઈશ્વર વિવાહના ગાન સાથે ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી.

Screenshot 2 43

આ ગરબીમાં કોઈ નાતજાતના ભેદભાવ પુરુષો ધોતિયું અને ઝભ્ભો પહેરીને રમવામાં આવે છે. પાંચ વર્ષથી માંડી અને 100 વર્ષ સુધીના પુરુષો આ ગરબી રમે છે. આ ગરબીમાં ગરબા ગાવામાં આવતા નથી પરંતુ સંદર્ભ ગવાય છે. આ ગરબીની વિશેષતાં એ છે કે અહીં સાતમા નોરતો શિવ વિવાહ અને ઈશ્વર વિવાહનું આયોજન થાય છે. આ ગરબીમાં દશેરાની રાત્રે અને અગિયારસની વહેલી સવારે માતાજીને કંકાઈનો અણઘો ઘરાવાય છે. વિશ્વમાં એકપણ માતાજીને અણઘો નથી ધરાવાતો, જ્યારે અહીં માતાજીને અણઘો ધરાવવામાં આવે છે.

આ પ્રસંગને માણવા માટે શહેરના ભક્તોનો મહેરામણ જલાની જાર ખાતે આવી પહોંચ્યો હતો. જલાની જારના ચોકથી 150 મીટર દૂર આવેલા બાજરિયાફળીમાં રહેતા ચતા બાજરિયા નામના સદગ્રહસ્થને માતા સપનામાં આવેલાં અને તેમની પુણ્ય પ્રેરણાથી તેમને લત્તાવાસીઓની મદદથી ગરબીની શરૂઆત કરાવી હતી તેવી લોકવાયકા છે. આ ગરબી માટે માતાજીની મૂર્તિ પણ બળદગાડા મારફત છેક રાજસ્થાનથી લાવવામાં આવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલ કગથરા, સ્ટેન્ડીગ કમિટિ ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશ બાંભણીયા, કોર્પોરેટર ગોપાલ સોરઠીયા સહિતનાઓ પણ આ ધાર્મિક વિધિમાં સહભાગી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.