- દુ:ખની ઘડીમાં રાજકોટવાસીઓએ અને સમગ્ર ગુજરાતે શોકમગ્ન રૂપાણી પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કર્યો
રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દુ:ખદ અવસાનના સમાચારે સમગ્ર રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રને શોકમાં ગરકાવ કરી દીધું છે. અમદાવાદ નજીક થયેલા હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં તેઓ કાળનો કોળિયો બન્યાના સમાચાર મળતાં જ રાજકોટવાસીઓ માટે આ વાત પચાવવી મુશ્કેલ બની ગઈ છે. “વિજયભાઈ આપણી વચ્ચે નથી” – આ શબ્દો આજે કોઈના ગળે ઉતરતા નથી. વિજયભાઈ રૂપાણી માત્ર એક રાજકીય નેતા નહોતા, તેઓ રાજકોટના ઘરે ઘરે પરિચિત અને સૌના માનીતા વિજયભાઈ હતા. તેમનો સરળ સ્વભાવ, સૌને સમાન દ્રષ્ટિથી જોવાની ભાવના અને રાજકોટના વિકાસ માટેની તેમની અથાગ મહેનત હંમેશા યાદ રહેશે. રાજકોટના નાનામાં નાના કાર્યકરથી માંડીને મોટા ગજાના નેતાઓ સુધી, સૌ કોઈ તેમને પોતાના માર્ગદર્શક અને સાચા હિતેચ્છુ માનતા હતા. જ્યારથી આ દુર્ઘટનાના સમાચાર વહેતા થયા છે, ત્યારથી રાજકોટમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અનેક લોકો તેમના નિવાસસ્થાને અને કાર્યાલય પર ઉમટી પડ્યા છે, જોકે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવી રહ્યો હોવાના કારણે લોકોમાં વ્યાકુળતા જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર પણ શ્રદ્ધાંજલિનો ધોધ વહી રહ્યો છે. લોકો તેમની સાથેની યાદો, તેમના કાર્યો અને તેમના યોગદાનને વાગોળી રહ્યા છે. વિજયભાઈએ રાજકોટના મેયરથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર ખેડી હતી. આ દરમિયાન તેમણે રાજકોટને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તેમનો સૌરાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ અને સૌરાષ્ટ્રના વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા સૌ કોઈ સારી રીતે જાણતા હતા. આજે રાજકોટનો એક સ્વજન ગુમાવ્યો છે. એક એવો નેતા જે હંમેશા લોકોની વચ્ચે રહ્યા, લોકોના પ્રશ્નોને વાચા આપી અને તેના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહ્યા. વિજયભાઈની ખોટ રાજકોટ અને ગુજરાતના રાજકારણમાં હંમેશા વર્તાશે. આ દુ:ખની ઘડીમાં, રાજકોટવાસીઓ અને સમગ્ર ગુજરાત શોકમગ્ન પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરે છે અને દિવંગત આત્માને પરમ શાંતિ પ્રાપ્ત થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરે છે.
અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થતા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે. વિજયભાઈ રૂપાણીનું અવસાન થતાં રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અમારા સૌના પ્રિય નેતા, માર્ગદર્શક અને અડીખમ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈના અવસાનના સમાચાર મળતા જ સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. “નેતા અનેક મળશે પણ વિજયભાઈ નહીં મળે” – આ શબ્દો આજે દરેકના હૃદયમાં ગુંજી રહ્યા છે.