- કાર્યકરોને એક જ સલાહ આપતા, રાજકારણમાં ઉતાર–ચડાવ આવ્યા કરે, વિચલીત ન થવું
- રાજકોટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એઇમ્સ, બસ પોર્ટ અને રેસકોર્ષ-2 જેવી અનમોલ ભેટ આપી શહેરને મેટ્રો સિટીની હરોળમાં મૂકી દીધું
- 1976માં “મીસા” કાયદા હેઠળ કારાવાસ ભોગવનારા સૌથી નાની વયના કાર્યકર હતા
- સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર છેવાડાના ગામડા સુધી પહોંચાડી સૌરાષ્ટ્ર-કચ્છનું નપાણીયા વિસ્તારનું મ્હેણું ભાંગી નાંખ્યું
– ચેરમેન–ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ:
2013માં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તરીકેની કામગીરી સંભાળી અને 159 જેટલી નગરપાલિકાઓને વિકાસની દિશા આપી. તેમની વહીવટી સૂઝ અને રાજકોટ મહાનગરના ‘સ્ટેન્ડીંગ કમિટી’ના ચેરમેન તરીકેના આઠ વર્ષના અનુભવના આધારે તેમણે ગુજરાતની 159 નગરપાલિકાઓને વિકાસની નવી દિશા સૂચવી અને સુચારૂં વહીવટનો શંખનાદ ફૂંક્યો હતો.
– રાજકોટ-69 ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં કેબીનેટ મંત્રી:
વર્ષ 2015માં રાજકોટ-69ની બેઠકના ધારાસભ્ય બન્યા જેમાં જંગી બહુમતી, એમની પ્રજાને પારખવાની ક્ષમતાના પારખા રૂપ બની. કેબીનેટ મંત્રી તરીકે વાહન વ્યવહાર, પાણી પુરવઠા ખાતા અને શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો હાથમાં લીધો હતો.
પાણી પુરવઠામાં કામકાજોના વિલંબની વાતો વિજયભાઈની કાર્યક્ષમતાને કારણે બંધ થઇ. સૌરાષ્ટ્રની સૂકી ધરતીને લીલોતરી અને હરીયાળીમાં ફેરવી દુષ્કાળને ભૂતકાળ બનાવી મંત્રી તરીકે અપાર લોકચાહના મેળવી. વિજયભાઈ હવે સંગઠનસર બની પ્રદેશ ભાજપનું નેતૃત્વ કરશે. “શ્રમયોગી કલ્યાણ મેળા” “નવા લેબર લો” અને “યુવીડી કાર્ડ” જેવી છેવાડાના માનવીની સવલતો યુક્ત યોજના વિજયભાઈએ તરતી મૂકી હતી.
સંસ્થા અને સરકારમાં સત્તાનાં સમીકરણો બદલાતાં હોય ત્યારે પણ કુનેહથી કામ પાર પાડવામાં એમનો પ્રભાવ કામે લાગતો રહ્યો. નેપથ્થમાં રહી સૌજન્યપૂર્ણ સલુકાઇ સાથે વિજયભાઈએ પક્ષના કટોકટી કાળમાં પ્રશંસનીય કામગીરી સંભાળી. સૌરાષ્ટ્રના પ્રભારી તરીકે એમની સંગઠન ભૂમિકા થકી પક્ષને એ વિસ્તારમાં અખંડિત રાખી પ્રાણવાન બનાવવામાં એમનું પ્રદાન સદા પ્રભાવી રહ્યું હતું.
– ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ:
તા.19 ફેબ્રુઆરી 2016ને શુક્રવાર, મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પૂ. શ્રી ગોલવલકરજી– ‘ગુરૂજી’ના જન્મ દિવસે ગુજરાત ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક થઈ હતી. તેમની નવી ‘જવાબદારી’ને પક્ષના વરિષ્ઠો અને નાનામાં નાના કાર્યકરોએ વધાવી લીધી હતી. ‘સંગઠનના માણસ’ તરીકે ઓળખાતા વિજયભાઈએ, પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પક્ષને આગામી પડકારો સામે સજ્જ કરવા ‘ધૂણી ધખાવી’ને કાર્ય આરંભ્યું. કૃષિ સંમેલનો, મહિલા સંમેલનો, યુવા સંમેલનો ઉપરાંત પ્રશિક્ષણ શિબિરોની શ્રૃંખલા મારફત તેમણે કાર્યકરને દોડતો કર્યો, લોકાભિમુખ બનાવ્યો હતો.
– ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે:
07 ઓગસ્ટ 2016ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બપોરે 12.00 કલાકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીને ભારતીય જનતા પાર્ટીના “મોવડી મંડળે” સત્તા સ્થાને આરૂઢ કર્યા હતા.
– મુખ્યમંત્રી તરીકેની કામગીરી:
- * યુવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય:
રાજ્ય સરકાર વર્ગ-3ની જગ્યાઓ પર સીધી ભરતીમાં પ્રતિક્ષા યાદીનું કદ 10 ટકાથી વધારીને 20 ટકા કરાયું વર્ગ-3માં સીધી ભરતી પામેલ વ્યક્તિની જગ્યા એક વર્ષની અંદર સંજોગોવશાત ખાલી પડે તો તે જ કેટેગરીના પ્રતિક્ષા યાદીના ઉમેદવારથી ભરવામાં આવશે. આ નિર્ણય વિજયભાઈની અધ્યક્ષતામાં મળેલ પ્રથમ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો.
– સુજલ સૌરાષ્ટ્ર, સમૃદ્ધ ગુજરાત:
મુખ્યમંત્રી બન્યાના ગણતરીના દિવસોમાં સૌરાષ્ટ્રની ધરા ઉપર નર્મદાના અવતરણનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું શોણલું તેમના હસ્તે જ સાકાર થયું. નર્મદા નદીનું એક મિલીયન એકર ફૂટ પાણી સૌરાષ્ટ્રની કાયાપલટ કરી હતી.
– ટોલ ટેક્સમાંથી મુક્તિ:
15 ઓગસ્ટથી રાજ્ય હાઈવે પર નાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી જેના લીધે દૈનિક 86000થી વધુ વાહન ચાલકોને લાભ મળી રહ્યો છે.
– રાજ્ય સરકારના કર્મયોગીઓને 7મા પગારપંચનો લાભ:
રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારની ભલામણ અનુસાર 7મા પગાર પંચનો 1લી ઓગસ્ટ 2016થી લાભ આપવામાં આવ્યો. 7માં પગારપંચ આપવામાં ગુજરાતે પ્રથમ રાજ્ય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
– ખેડૂતોને 10 કલાક વીજળી:
કૃષિ અને કૃષિકારોને પ્રાધાન્ય મળે તે માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો. ખેડૂતોને વીજળી 8 કલાક મળતી હતી. તેને વધારી હવે 10 કલાક વીજળી આપવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી.
– ખેડૂતોના હિતમાં લોકાભિમુખ સુધારા:
જમીન સંપાદન અધિનિયમ 2013ના અધિનિયમ 2013ના અમલીકરણમાં ઘણી વિસંગતાઓ હતી. ખેડૂતોને પુન:સ્થાપના કે પુનર્વસનની જોગવાઈ જટિલ હતી. લાંબી પ્રક્રિયા બાદ જમીન માલિકોને પૂરતું વળતર મળતું ન હતું. સુધારા વિધેયક 2016ને તા.8 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિની અનુમતિ મળી ગઈ. વિધેયકનો 15 ઓગસ્ટથી અમલ શરૂ થયો હતો.
– અટલ સ્નેહ યોજના ગુજરાત:
ગુજરાતની રાજ્ય સરકાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ 25 ડિસેમ્બરના રોજ અટલ સ્નેહ યોજના (એએસવાય) શરૂ કરી છે. ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમના પ્રારંભ વખતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજનાની જાહેરાત કરી હતી. અટલ સ્નેહ (સ્ક્રિનિંગ ઓફ ન્યૂબોર્ન ફોર એન્હેસ્મેન્ટ ઓફ હેલ્થ) યોજના નવજાત શીશુઓમાં કોઈપણ ખામીની તપાસ કરવા માટે ખાસ શરૂ કરવામાં આવી હતી.
– 6,000 ગામડા ડિજીટલ હાઇવે સાથે સંકળાયા:
ગાંધીનગર ખાતે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બુધવારે તારીખ 8મી સપ્ટેમ્બર 2016ના રોજ 6,000 ગામડાને જોડતો સૌથી હાઈસ્પીડ ડિજીટલ કનેક્ટિવિટી (જીસ્વાન) પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને 18,000 ગામડામાં આ સેવાઓ પહોંચાડવા માટે સરકારની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી. ડિજીટલ ઈન્ડિયાનું વિઝન સાર્થક કરવા માટે ઈ–ગ્રામ વિશ્ર્વગ્રામની સિદ્ધિ હાંસલ કર્યા બાદ 6,000 ગામડાઓમાં કનેક્ટિવિટી સુવિધા આપીને ગુજરાત ડિજીટલ ક્રાંતિ તરફ આગળ વધ્યા હતા.
– નર્મદા ડેમના દ્વાર બંધ કરીને ઉઘાડ્યા સમૃદ્ધિના દ્વાર:
ગુજરાતની જળસમસ્યાને તિલાંજલી આપવા માટે સક્ષમ એવી નર્મદા યોજના આજે રાજ્યના ઉજ્જવળ દ્વાર ખોલવાના તબક્કે પહોંચી ચુકી છે. નર્મદા નિયંત્રણ ઑથોરિટીની નવી દિલ્હી ખાતે મળેલી બેઠકમાં સરદાર સરોવર બંધના દરવાજા બંધ કરવાની અનુમતિ તા.17-06-2017 ના રોજ આપી દેવામાં આવી હતી. હરખને તેડાં ના હોય તેમ માનતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાત્કાલિક કેવડિયા કોલોની ખાતે પહોંચી જઇને ગુજરાતની આ મહત્વકાંક્ષી ડેમ યોજનાના દરવાજા બંધ કરીને ડેમની પાણી સંગ્રહ ક્ષમતા લગભગ ત્રણ ગણી વધારી દીધી હતી. આ દરવાજા બંધ થવાથી ગુજરાતના કૃષિ અને ઉદ્યોગ જગતના વિકાસના દરવાજા ખુલ્યા હતા.
– 2017 વિધાનસભાની સામાન્ય ચૂંટણી:
2017ની ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ નીચે લડી અને સતત છઠ્ઠી વાર ગુજરાતમાં સત્તા હાંસલ કરવામાં ભાજપા સફળ રહી હતી.
વિજયભાઈ રૂપાણી પોતે રાજકોટ (પશ્ર્ચિમ)માંથી ભાજપાના ઉમેદવાર તરીકે 54,000ની ધીંગી સરસાઈ સાથે વિજયી નીવડ્યા અને એક લોકપ્રિય નેતા તરીકે તેમની છબી બરકરાર રાખી હતી.
– પુન: મુખ્યમંત્રી પદે:
વિધાનસભામાં બહુમતી મેળવવામાં વિજયભાઈનું નેતૃત્વ અને દિશાસૂચકનું યોગદાન મહત્વનું રહ્યું અને તેથી 22મી ડિસેમ્બર-2017ના રોજ મળેલી ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને પક્ષના નેતા તરીકે એટલે કે મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર સર્વાનુંમતે પસંદ કરાયા હતા.
વિજયભાઇ રૂપાણી પાંચ વર્ષ અને એક મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા. હાઇકમાન્ડનો આદેશ આવતા તેઓએ 11 સપ્ટેમ્બર-2021ના રોજ કોઇપણ જાતની તકરાર કર્યા વિના કે કારણ પૂછ્યા વિના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું. તેમનો સીએમ તરીકે કાર્યકાળ રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ખરેખર સુવર્ણ કાળ કહી શકાય. હાલ તેઓ પંજાબ અને ચંદીગઢના ભાજપના પ્રભારી તરીકે કાર્યરત હતા.
વિજયભાઇની જીવન ઝરમર
વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટીના એક જાણીતા રાજનેતા છે. જેમણે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી છે. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ રંગૂન (હાલ મ્યાનમાર)માં થયો હતો. તેમનો પરિવાર 1960ના દાયકામાં રાજકોટ સ્થળાંતર થયો. તેમણે ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી બી.એ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો. તેઓ 1971 થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘ સાથે જોડાયેલા હતા. 1976ની કટોકટી દરમિયાન તેમને ભાવનગર અને ભુજની જેલોમાં 11 મહિના સુધી બંદી બનાવવામાં આવ્યા હતા. 1978 થી 1981 સુધી તેમણે આરએસએસના પ્રચારક તરીકે પણ કાર્ય કર્યું.
1987માં તેઓ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા. 1988 થી 1996 સુધી તેઓ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ રહ્યા. 1996 થી 1997 દરમિયાન તેમણે રાજકોટના મેયર તરીકે પણ સેવા આપી. 1998માં તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી બન્યા અને ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પણ રહ્યા. 2006 થી 2012 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા. 2006માં તેમને ગુજરાત ટૂરિઝમના ચેરમેન બનાવવામાં આવ્યા, અને 2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન બન્યા. 2014માં, વજુભાઈ વાળાની વિદાય બાદ, તેઓ રાજકોટ (પશ્ર્ચિમ) બેઠક પરથી પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા. આનંદીબેન પટેલની સરકારમાં તેમને પરિવહન, શ્રમ અને રોજગાર તેમજ વોટર સપ્લાયના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ફેબ્રુઆરી 2016માં તેઓ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા.
7 ઓગસ્ટ 2016 ના રોજ તેમણે ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા. 11 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે પોતે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. તેઓ ભાજપમાં સક્રિય છે અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પક્ષના નિરીક્ષક તરીકે પણ ભૂમિકા ભજવી છે.
આમ, વિજય રૂપાણીની રાજકીય સફર એબીવીપી અને આરએસએસના કાર્યકર્તા તરીકે શરૂ થઈ, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સક્રિયતા, રાજ્યસભાના સભ્યપદ, પ્રદેશ પ્રમુખ અને અંતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સુધી વિસ્તરી છે.
સાવ છેવાડાના વિસ્તારના અને નાનામાં નાના કાર્યકર માટે વિજયભાઇ સુધી પહોંચવું ખૂબ જ સરળ હતું: તેઓ કાર્યકરોને જ સૌથી મોટી મૂડી માનતા હતા