- સૌના દિલને જીતીને વિજયભાઈએ હવે મૃત્યુને પણ જીતી લીધું !!!
અમદાવાદમાં 12 જૂનના રોજ ખૂબ જ દુખદ પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી. અમદાવાદથી લંડન જતું પ્લેન ઉડતાની સાથે જ માત્ર એક જ મિનિટ જેટલા ટૂંકા સમયમાં ક્રેશ થઈ ગયું હતું. જે ઘટનામાં એક મુસાફરને બાદ કરતાં તમામના મોત નિપજ્યાં હતા. તેમજ આ મુસાફરોમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુખદ મોત નીપજ્યું છે. એક સાથે 200થી વધુ લોકોના મોતની ઘટનાથી આખું ગુજરાત હિબકે ચડ્યું છે. તેમજ રાજ્યભરમાં ઠેર ઠેર દિવંગતોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી.
રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અવસાન બાદ અંતિમ યાત્રા અને પ્રાર્થના સભા યોજાઇ હતી, જેમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતા. પ્રાર્થના સભામાં આવેલ તમામએ વિજયભાઈને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.
જૈન મુની આદરણીય નમ્રમુનિએ વિજયભાઈને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે વિજયભાઈ એક એવું વ્યક્તિત્વ છે જેણે બધાના દિલ પર રાજ કર્યું છે. અને તેમનામાં જીવદયા અને કરુણાનો ભાવ છે. જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખૂબ જ જીવદયાના કાર્યો કર્યા હતા. અને અમે તેમને જીવદયા રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
વિજયભાઈએ સૌના દિલ જીતીને આજે મૃત્યુને પણ જીતી લીધું છે. અમારી એ જ ભાવના છે કે રાજકારણમાં વિજયભાઈ જેવા વ્યક્તિત્વ ઊભરતા રહે સમાજની સેવા કરતાં રહે.