- અમદાવાદથી બાય એર હિરાસર એરપોર્ટ ખાતે નશ્ર્વરદેહને લવાયા બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી યાત્રા સ્વરૂપે વિજયભાઈનો પાર્થિવ દેહ તેઓનાં નિવાસ સ્થાને લઈ જવાશે
- તેઓના ઘર નજીક આવેલા ધ્યાનશંકર પ્રગટેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રખાશે: સાંજે 5 થી 6 દરમિયાન અંતિમયાત્રા: રામનાથપરા મૂકિતધામ ખાતે કરાશે અંતિમ વિધી
- અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જળશકિતમંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહેશે
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફલાઈટ ગત ગુરૂવારે ઉડાનની બીજી જ મિનિટમાં ક્રેશ થયું હતુ. આ કરૂણ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું હતુ. તેઓનાં ડીએનએ રિપોર્ટમેચ થયા બાદ આજે તેમનો પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આજે બપોરે વિજયભાઈનો નશ્ર્વરદેંહ માદરે વતન રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો. સાંજે રામનાથપરા મૂકિતધામ ખાતે અંતિમવિધી કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય મંત્રી, રાજય સરકારના મંત્રક્ષ, આર.એસ.એસ.ના અગ્રણીઓ અને ભાજપના આગેવાનો સામેલ થશે આવતીકાલે રાજકોટ ખાતે વિજયભાઈની પ્રાર્થનાસભા યોજાશે. જયારે ગુરૂવારે ગાંધીનગર ખાતે બે સ્થળે પ્રાર્થન સભા યોજાશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કરૂણ મોત નિપજયા બાદ 70 કલાક બાદ ગઈકાલે તેઓના ડીએનએ મેચ થઈ ગયા હતા દરમિયાન આજે સવારે 11 કલાકે તેઓના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી અને પુત્ર ઋષભભાઈ રૂપાણી સહિતના પરિવારના સભ્યો ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાન ખાતેથી પાર્થવદેહને લેવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ગયા હતા સવારે 11.30 કલાકે પાર્થીવ દેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બપોરે 12.30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતેથી વિજયભાઈનો પાર્થિવદેહ રાજકોટ એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. બપોરે 2 કલાકે પાર્થિવ દેહ હિરાસર એરપોર્ટ ખાતે પહોચ્યો હતો.બપોરે 2.30 કલાકથી 4 કલાક સુધી ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી યાત્રા સ્વરૂપે તેઓના દેહને તેમના નિવાસ સ્થાન સુધી લઈ જવામાં આવશે.
ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને જવા રવાનાનો રૂટ ગ્રીનલેન્ડ ચોકડી થી રણછોડદાસ બાપુ આશ્રમ ત્યાંથી સામેનો રોડ થી બાલક હનુમાન ચોક થી કેડી ચોક થી સંત કબીર રોડ થી સરદાર સ્કૂલ પાસેથી પૂજીત રૂપાણી ટ્રસ્ટ થી ભાવનગર રોડ ઝોન ઓફિસ થઈને પારેવડી ચોક થી કેસરીહિંદ પુલ થી સીવીલ હોસ્પિટલ ચોક થી ચૌધરી હાઈસ્કુલ થી બહુમાળી ભવન થી જીલ્લા પંચાયત ચોક થી કિશાનપરા ચોક થી હનુમાન મઢી ચોક, રૈયા રોડ થી નિર્મલા કોન્વેન્ટ રોડ થી પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસ સ્થાન પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ ખાતે લાવવામાં આવશે.
નિવાસસ્થાને પાર્થીવદેહના દર્શન નિવાસસ્થાન :- પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે રાજકોટ બપોરે 4 થી 5 કલાક દરમિયાન તેઓના નિવાસ સ્થાન પાસે આવેલા ધ્યાન શંકર પ્રગટેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.
સાંજે 5 કલાકથી તેઓનાં પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસ સ્તાન ખાતેથી અંતિમયાત્રા શરૂ થશે. અંતિમ યાત્રાના રૂટ પર એક કલાક અગાઉ તમામ પ્રકારના વાહનો માટે અવર જવર બંધ કરી દેવામાં આવશે તથા નો-પાર્કિંગ રહેશે વાહન પાર્કિંગ માટે પણ અલગ અલગ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે.
વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રાનો રૂટ પ્રકાશ સોસાયટી સ્થિત તેઓના નિવાસ સ્થાનેથી નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક, કાલાવડ રોડ, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈનરોડ, યાજ્ઞીક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામીનારાયણ મંદિર, ભુૂપેન્દ્ર રોડ અને રામનાથપરા સ્મશાન સુધી નિયત કરવામાં આવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રામાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપરાંત રાજય સરકારના મંત્રી મંડળના તમામ મંત્રીઓ, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, ભાજપના સંગઠનના તમામ હોદેદારો, ભાજપના સાંસદો, ધારાસભ્યો અને રાજયભરમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડશે.
અંતિમયાત્રા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાઈ તેની પુરતી તકેદારી રાખવામા આવી રહી છે. આવતીકાલે રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાશે જયારે આગામી ગુરૂવારે ગાંધીનગર ખાતે બે સ્થળે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ ઉપરાંત વિવિધ પક્ષના મહાનુભાવો હાજરી આપશે.
રાજકીય સન્માન સાથે થશે અંતિમ વિધી: ગાર્ડ ઓફ ઓનર પણ અપાશે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે સાંજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવશે જયારે અંતિમ વિધી કરવામાં આવશે. જયારે અંતિમ વિધી માટે તેઓના પાર્થિવ દેહને સ્મશાને લઇ જવામાં આવશે. ત્યારે તેઓને પોલીસ વિભાગ દ્વારા ઘરે સલામી આપવામાં આવશે જયારે રામનાથપરા મુકિતધામ ખાતે પાર્થિવ દેહની અંતિમ વિધી કરવામાં આવશે. તે પૂર્વ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
આજે એક દિવસનો રાજકીય શોક: રાષ્ટ્રઘ્વજ અડધી કાઠીએ ફરકાવાયો
ગુજરાના પૂર્વ મુખ્યમંત્રી ભાજપના કદાવાર નેતા વિજયભા રૂપાણીનું ગત ગુરૂવારના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની દુર્ધટનામાં કરૂણ નિધન થયું છે. આજે સાંજે રાજકોટ ખાતે તેઓની અંતિમ વિધિ કરવામાં આવનાર છે. રાજય સરકાર દ્વારા આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જયાં નિયમિત પણે રાષ્ટ્રઘ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં આજે અડધી કાઠીએ રાષ્ટ્ર ઘ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આજે તમામ રાજકીય અને સરકારી કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. વિજયભાઇના અવસાનથી રાજયભરમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
આ નેતાઓ અંતિમ યાત્રામાં હાજરી આપશે
વિજયભાઇ રૂપાણીની અંતિમ યાત્રામાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, કેન્દ્રીય જળ શકિત મંત્રી અને ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવી, ઉપરાંત રાજય સરકારના કૃષિ મંત્રી અને રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી રાધવજીભાઇ પટેલ ઉપરાંત રાજય સરકારના વિવિધ વિભાગોના મંત્રીઓ સંગઠનના હોદેદારો ઉપરાંત રાષ્ટ્રીય સ્વય સંઘના હોદેદારો અને અગ્રણીઓ પણ હાજરી આપશે.
કાલે રાજકોટમાં ગુરૂવારે ગાંધીનગરમાં બે સ્થળે પ્રાર્થના સભા
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો પાર્થિવ દેહ આજે સાંજે પંચ મહાભૂતમાં વિલીન થઇ જશે દરમિયાન આવતીકાલે તા. 17 ને મંગળવારના રોજ બપોરે 3 થી સાંજના 6 વાગ્યા સુધી તેઓના માદરે વતન રાજકોટ ખાતે રેસકોર્સ મેદાન સ્થિત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ખાતે પ્રાર્થના સભા યોજાશે. દરમિયાન આગામી તા. 19 જુનને ગુરૂવારના રોજ સવારે 9 થી 1ર કલાક દરમિયાન ગાંધીનગર ખાતે હોલ નં.1 એકિઝીબીશન સેન્ટર હેલીપેડ ગ્રાઉન્ડ સેકટર-17 ખાતે અને ગુરુવારે સાંજે 4 થી 6 કલાક દરમિયાન કોબા સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે પ્રાર્થના સભા યોજાશે.
50 જેટલી સંસ્થા – સમાજ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાશે: પંજાબથી પણ નેતાઓ આવ્યા
- સ્મશાન યાત્રામાં ર0 હજારથી વધુ લોકો ઉ5સ્થિત રહે તેવી ધારણા
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સ્મશાન યાત્રામાં ર0 હજારથી વધુ લોકો જોડાય તેવી ધારણા છે. અંતિમ યાત્રાના રૂટ પર અલગ અલગ જગ્યાએ પ0 જેટલી સંસ્થાઓ અને વિવિધ સમાજ દ્વારા તેઓને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. પંજાબથી પણ અનેક નેતાઓ વિજયભાઇની અંતિમ યાત્રામાં જોડાશે. અલગ અલગ સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્મશાન યાત્રાના રૂટ પર જુદી જુદી જગ્યાએ એકત્રિત થઇ પુષ્પાંજલી અર્પણ કરશે. પંજાબથી ર0 જેટલા નેતાઓ રાજકોટ આવ્યા છે.