સલાયામાં પાણી પ્રશ્ને ગ્રામજનોએ પાલિકાનો કર્યો ઘેરાવ

પાણી આપોના નારા સાથે રેલી યોજી: ચીફ ઓફિસરે વિતરણ વ્યવસ્થા સુધારવા ખાતરી આપી

હાલારના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં છેલ્લા ઘણા સમયથી પાણી પ્રશ્ન વિકટ બન્યો છે જેના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.પાલિકાના પુર્વ પ્રમુખની આગેવાનીમાં પાણી પ્રશ્ને લગભગ 2500થી 3000 લોકો સાથે વિશાળ રેલી યોજી આવેદન પાઠવાયુ હતુ.

સલાયામાં પાલિકા દ્વારા લાંબા સમયથી પાણી વિતરણ અનિયમિત થઇ રહયુ છે. જેના કારણે લોકો પરેશાન બન્યા છે.પાલિકા દ્વારા અઠવાડીયે એકવાર વિતરણ કરવાની જાહેરાત કરાઇ હતી જેમાં પણ તંત્ર નિષ્ફળ ગયુ છે.ઘણા વિસ્તાર એવા છેકે, જયાં 10થી 14 દિવસ સુધી પાણી વિતરણ થતુ નથી.આ પાણી પ્રશ્નથી ત્રસ્ત ગ્રામજનો દ્વારા નગરપાલિકાના પુર્વ પ્રમુખ સાલેમામદ કરીમ ભગાડ(સાલુ પટેલ)ની આગેવાનીમાં વિશાળ જન રેલી યોજાઇ હતી.જેમાં લગભગ 2500થી 3000 જેટલા ગ્રામજનો જોડાયા હતા.

પાણીની પોકાર માટે નગરપાલીકાએ પહોંચેલી રેલીમાં પાણી આપો, પાણી આપોના નારા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ કચેરીમાં હાજર ચીફ ઓફિસરને આવેદન આપી પુર્વ પ્રમુખ દ્વારા પાણી પ્રશ્ને રજુઆત કરાઇ હતી.ચીફ ઓફિસર દ્વારા વિતરણ વ્યવસ્થા સુધારવા ખાત્રી આપતા આ રેલી પાછી ફરી હતી.આકરી ગરમીમાં પાણીની દૈનિક જરૂરીયાત ખુબ વધી ગઇ છે.

જ્યારે આ અંગે ચીફ ઓફિસરને વાત કરવામાં આવી તો તેઓએ જણાવ્યું કે જીઇબી દ્વારા રીપેરીંગ સમયે લાઇટ બંધ કરાઇ છે.જેથી પાણીનો જથ્થો અવિરત સલાયા પહોચી શકતો નથી. તેમજ સલાયામાં પાણી પુરૂ પાડતો સિંહણ ડેમ છે ત્યાંથી અંદાજે 400થી 500 મીટરની લાઇન છે જે વર્ષો જુની નાની લાઇન છે જેથી જરૂરીયાત છે એ મુજબ જથ્થો મળતો નથી એટલે વિતરણ વ્યવસ્થા ખોરવાઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાના આસપાસના વિસ્તારને સિંહણ ડેમથી પાણી આવે છે.સિંહણ વોટરવર્કસમાં લાઇટના વારંવાર કાપથી પાણી વિતરણ સમયસર થતુ નથી.આવા બધા પ્રશ્નોનો ભોગ પ્રજા બને છે ત્યારે સંબંધિત અધિકારીઓ આ બાબતે યોગ્ય કરે તેવુ સ્થાનિક લોકો ઇચ્છી રહયા છે. બીજી બાજુ ગ્રાઉન્ડ રિયાલીટીની વાત કરીએ તો સલાયા ગામને 4.50 એમએલડી પાણીના જથ્થાની જરૂર છે. તેની સામે 2.00 એમલડી જેટલા પાણીનું વિતરણ કરવામાં આવે છે. આ પાછળનું કારણ લાઇટ કાપ અને જુની પાઇપ લાઇન છે.

હાલ સલાયા ખાતે બે ઇએસઆર(ટાંકા )છે અને એક નવો ઇએસઆર (ટાંકો)નિર્માળાધિન છે.તેમજ પુરતા પ્રમાણમાં સંપ પણ છે.પરંતુ લાઇટ-પાણીની જુની લાઇનના કારણે પાણી પુરતુ મળી શકતુ નથી.