Abtak Media Google News

રાજકોટના તમામ વિધાનસભા ઝોન અને 18 વોર્ડમાં ભાજપનો વિરોધ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો પછી રાજકીય હિંસા શરૂ થઈ ગઈ છે. પરિણામના દિવસે જ કોલકાતામાં ભાજપની ઓફિસમાં આગ લગાડવામાં આવી હતી. સોમવારે પણ પાર્ટીના બે કાર્યકર્તાઓની માર-મારીને હત્યા કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં 2 મેના રોજ ચૂંટણી પરિણામ આવ્યા પછી હિંસાના એક પછી એક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. રાજ્યમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને મળેલી ભારે જીત પછી ભાજપ અને સત્તાધારી દળના કાર્યકરોની વચ્ચે રાજકારણનો ખૂની ખેલ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં 6 જિલ્લામાંથી હિંસાના સમાચાર આવ્યા છે અને બે દિવસમાં લગભગ 12 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યપાલ જગદીશ ધનખડને ફોન કરીને બંગાળમાં આગ લગાડવાના અને હત્યાઓના બનાવો પર ચિંતા વ્યક્ત કરી છે. આ સમયમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડા પણ બંગાળ પ્રવાસે ગયા છે અને તેઓ હિંસાના વિરોધમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. બીજી બાજુ દીદીએ હજુ કાલે જ સતાની કમાન સાંભળી છે ત્યારે દીદીને બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદી ન દેવામાં આવે તેવી ભીતિ સતાવી રહી છે.

Dsc 0225

આ સમયે ભાજપ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન શરૂ લરી દેવામાં આવ્યો છે. તેના ભાગરૂપે રાજકોટ શહેરના 4 વિધાનસભા ઝોન અને 18 વોર્ડમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા જ્યાં કાર્યકરોએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જો કે, એક બાજુ 4 કે તેથી વધુ લોકોને ભેગા થવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેવા સમયે ધરણા પ્રદર્શન યોજીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો તે બાબતની ચર્ચાએ જોર પકડ્યું છે. ધરણા પ્રદર્શનમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકિરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના તમામ કોર્પોરેટરો જોડાયા હતા.

ધરણા પ્રદર્શનમાં રામભાઈ મોકિરીયાએ કહ્યું હતું કે, તેના અલ્લા મમતાને સદબુદ્ધિ આપે અને હિંસા બંધ થાય તો સારું. તેમણે વધુમાં કહ્યું હતું કે, બંગાળના ઘણા લોકો ગુજરાત સહિતના અન્ય રાજ્યોમાં પણ વસવાટ કરે છે તો મમતાએ એકવાર તેમનો પણ વિચાર કરવો જોઈએ. સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કહ્યું હતું કે, જે રીતે પશ્ચિમ બંગાળમાં જે રીતે લોકશાહી અને નિર્દોષ લોકોની હત્યા થઈ રહી છે તેના વિરોધ સ્વરૂપે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડડા મૃતકોના પરિવારજનોને મળવા ગયા અને સાંત્વના પાઠવી. આજે લોકશાહીની હત્યા થઈ રહી છે તેના વિરોધ સ્વરૂપે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે જેના ભાગરૂપે રાજકોટ ખાતે પણ વિરોધ કરાઈ રહ્યો છે.

પ્રશ્ન : શું વધુ પડતો પ્રચાર અથવા વ્યક્તિગત પ્રચાર હિંસામાં પરિણમતી હોય છે?

જવાબ:  મોહનભાઈએ કહ્યું હતું કે, મમતાનું રાજકારણ હંમેશથી એવું જ રહ્યું છે. તેની આસપાસ રહેલા ગુંડાઓએ જિતના મદ્દમાં આવીને નિર્દોષ લોકોની હત્યા કરી છે. તે ન થવું જોઈએ તેવી માંગ સાથે આજે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા છે.

પ્રશ્ન : એક તરફ બંગાળમાં ભાજપની બેઠકો વધી બીજી બાજુ વિરોધ પ્રદર્શન?

જવાબ: તેમણે કહ્યું હતું કે, બંગાળની જનતા ભાજપની સાથે છે. બેઠકોમાં 36% નો વધારો થયો છે ત્યારે બંગાળની નિર્દોષ જનતાની હત્યા થતા ભાજપ બંગાળની જનતા સાથે છે તેવું પુરવાર કરવા આજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રશ્ન : રાજકોટનો સંદેશ બંગાળ સુધી કંઈ રીતે પહોંચાડશો

જવાબ:  મીડિયાના માધ્યમથી ફક્ત દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભાજપ દ્વારા કરાઈ રહેલો વિરોધ પ્રદર્શન પહોંચશે તેવી મને ખાતરી છે.

પ્રશ્ન: ફાટી નીકળેલી હિંસા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનને નોતરું દઈ રહ્યું છે?

જવાબ:  તેમણે કહ્યું હતું કે, આ પ્રશ્ન હાઈ લેવલનો પ્રશ્ન છે. કેન્દ્ર સરકાર આ મુદ્દે વિચાર કરશે. ત્યાંના રાજ્યપાલે પણ સૂચન કર્યું છે કે, રાજધર્મનું પાલન કરો તેમ છતાં તો હિંસા કાબૂમાં નહીં આવે તો એ પગલાં પણ લેવામાં આવશે.

 

અલ્લા મમતાને સદબુદ્ધિ આપે: રામભાઈ મોકિરીયા

Vlcsnap 2021 05 06 13H07M45S008

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકિરીયાએ કહ્યું હતું કે, બંગાળમાં મમતાજીનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. ભાજપના કાર્યકરોની હત્યા કરાઈ છે તેના વિરોધમાં અમે  ધરણા પ્રદર્શન કરી રહ્યા છીએ. અમારી એ જ માંગણી છે કે, જે સ્થિતિ ઉભી થઇ છે તે જલ્દીથી જલ્દી થાળે પડે, વેર-ઝેરનું રાજકારણ ન હોવું જોઈએ, રાજકારણ તંદુરસ્ત હોવું જોઈએ. તેમણે કટાક્ષ કરતા કહ્યું હતું કે, મમતાને ભગવાન અથવા તેનો અલ્લા સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના છે પણ આ નિર્દોષ લોકોની હત્યા ન થવી જોઈએ. મમતાએ એવું પણ વિચારવું જોઈએ કે, બંગાળના અનેક લોકો ગુજરાત અને અન્ય રાજ્યોમાં રહે છે તેમની પરિસ્થિતિનું પણ તેમને ભાન થવું જોઈએ.

મદીનાપુરની મુલાકાતે ગયેલા કેન્દ્રીય મંત્રી વી.મુરલીધરનને ગુંડાગીરીનો કડવો અનુભવ:
મુલાકાત ટૂંકાવવાની પડી ફરજ

પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસના કહેવાતા ગુંડાઓએ રાજ્યભરમાં ભારે હિંસાનું વાતાવરણ ઉભુ કર્યું છે. ચૂંટણી બાદ ભાજપના કાર્યકરોને નિશાન બનાવવાના મુદ્દે આજે સમગ્ર દેશમાં રાજકીય ગુંડાગીરી સામે ભાજપે એક કલાકના ધરણા અને વિરોધના કાર્યક્રમો ચાલુ છે ત્યાં જ કેન્દ્રીય મંત્રીને પણ તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓનો કડવો અનુભવ થયો હોય તેમ કેન્દ્રીય મંત્રીએ પોતાના કાફલા પર થયેલા ટોળાના હુમલાનો લાઈવ વીડિયો શેયર કરીને પશ્ર્ચિમ બંગાળ પ્રવર્તતી ગુંડાગીરી અંગે ટ્વીટ કરી કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરને ટ્વીટ સંદેશામાં લખ્યું છે કે, રાજ્યની મુલાકાત દરમિયાન શાસક પક્ષ તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓએ હુમલો કર્યો હતો.  તેમના શબ્દોમાં લખાયેલા

પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલના ગુંડાઓ બેફામ: કેન્દ્રીય મંત્રીના કાફલા પર હુમલો

ટ્વીટ મેસેજમાં મંત્રીએ લખ્યું છે કે, ‘ટીએમસી ગુંડાઓએ પશ્ર્ચિમ મદીનાપુરમાં મારા કાફલા પર હુમલો કર્યો હતો, મોટરના કાચ તોડીને સ્ટાફના કર્મચારીઓને ઈજા પહોંચાડી હતી, મારે મારી સફર ટૂંકાવવી પડી હતી.’

પશ્ર્ચિમ બંગાળમાં આઠ તબક્કાના મતદાન બાદ બીજી મે એ જાહેર થયેલા પરિણામોમાં તૃણમુલ કોંગ્રેસને સત્તા માટે 2/3 બહુમતિ મળી હતી પરંતુ નંદીગ્રામમાંથી મુખ્યમંત્રીના દાવેદાર અને તૃણમુલના સુપ્રીમો મમતા બેનર્જીનો જ પરાજય થયો હતો. આ પરિણામને લઈ તૃણમુલના કહેવાતા કાર્યકરો રસ્તા પર ઉતરી ગયા હતા અને ભાજપના આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી રાગદ્વેશનો બદલો લેવા રીતસરના નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

ચૂંટણી બાદ પશ્ર્ચિમ બંગાળમાં એકાએક રાજકીય હિંસા શરૂ થઈ ગઈ હતી અને પરિણામના દિવસે કલકત્તામાં ભાજપની ઓફિસમાં આગ લગાવવામાં આવી હતી અને ત્યારબાદ બે કાર્યકર્તાઓને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવે સમગ્ર દેશમાં લોકતંત્રના ચિરહરણ જેવી આ ઘટના અંગે ભારે હાહાકાર મચી જવા પામ્યો હતો. પશ્ર્ચિમ બંગાળના કુલ છ જિલ્લામાં થયેલી રાજકીય હિંસામાં કુલ 12ના મોત નિપજયા હતા.

પશ્ર્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં આજે સમગ્ર દેશમાં ભાજપે ધરણા કરી લોકતંત્રને બચાવવા માટે અવાજ ઉઠાવ્યો છે. ત્યારે કેન્દ્રીય મંત્રીના કાફલાને પણ મદીનાપુરમાં ગુંડાગીરીનો ભોગ બનવું પડ્યું હોવાનો લાઈવ વીડિયો વાયરલ થતાં પશ્ર્ચિમ બંગાળની પરિસ્થિતિ ખરેખર કેવી છે તેનું ચિત્ર ઉપસી રહ્યું છે. ચૂંટણી પરિણામો બાદ મમતા બેનર્જીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની દહેશત ઉભી થઈ છે. રાજકીય ગુંડાગીરીના આ વરવા માહોલમાં પરિસ્થિતિ હજુ વણશે તેવી દહેશત પ્રવર્તી રહી છે. ભાજપના કાર્યકરો અને નેતાઓ તેમજ કેન્દ્રીય મંત્રીના કાફલા પર હુમલો કરનારાઓને આકરામાં આકરી સજાની માંગ ઉઠી છે.

ભાજપ બંગાળની જનતાની સાથે છે તેવું પુરવાર કરવા ધરણા યોજાયા: મોહન કુંડારીયા

Vlcsnap 2021 05 06 13H07M56S761

સાંસદ મોહન કુંડારીયાએ ’અબતક’ સાથેની વાતચીતમાં ધરણા યોજવા પાછળના કારણ અંગે જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા બંગાળની જનતાની સાથે જ છે તેવું પુરવાર કરવા માટે ભાજપ દ્વારા આ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે બંગાળમાં પરિસ્થિતિ ન સુધરે તો રાષ્ટ્રપતિ શાસન સહિતના પગલાં લેવા પડશે તો કેન્દ્ર સરકાર લેશે તેવું પણ કુંડારીયાએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.