ભાવનગરમાં વતનના વિસરાયેલા વીરોની યાદમાં યોજાયો ’વિરાંજલિ’ કાર્યક્રમ

વિરાંજલિએ પાળિયાને પોખવાનો અને તેને પુનઃ પ્રસ્થાપિત કરવા ભાવનગરમાં ’વિરાંજલિ’ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦ થી વધુ કલાકારો દ્વારા ’મલ્ટી મીડિયા શો’ દ્વારા અદભૂત પ્રસ્તુતિને ભાવનગરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી. શિક્ષણમંત્રીની સરળતા અને સહજતા- વિરાંજલિ કાર્યક્રમ માણવા આવેલી જનમેદની વચ્ચે જઇને લોકોનું સ્વાગત અભિવાદન ઝીલ્યું હતું.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની સહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ’વિરાંજલિ’ મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના પેડક મેદાનમાં યોજાયો હતો.મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી,પ્રભારી તથા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર. સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રદિપસિંહ વાઘેલા પ્રેરિત વિરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોને રક્તની તરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ’મલ્ટીમીડિયા શો’ દ્વારા ભાવનગર શહેરમાં પ્રથમવાર યોજાઈ હતી. ડાન્સ એન્ડ ડ્રામા સાથેના દેશભક્તિના ગુજરાતના આ સર્વ પ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામામાં વીર શહીદોના ગુણગાન અને રાષ્ટ્રભક્તિના રંગને ભાવનગરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી હતી.આ અવસરે મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ પાળિયાને પોખવાનો અવસર છે તેને પુનઃ પ્રસ્થાપિત કરવાનો અવસર છે.

ભારત માટે શહીદ થઈ જનારા શહીદોને યાદ કરવાનો અને તેમને અંજલિ આપવાનો અવસર છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને યુવક,સેવા અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર વિશ્વનું ગૌરવ એવાં સાંઈરામ દવેએ તેની પટકથા લખી છે તેવો સૌથી મોટો આ મલ્ટી મિડિયા શો છે.આઝાદીનું અમૃત વર્ષ સમગ્ર દેશમાં આપણે ઉત્સાહભેર ઉજવી રહ્યાં છે તેવાં સમયે આ વિરાંજલિનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.શિક્ષણમંત્રીએ તેમની સરળતા અને સહજતાના દર્શન કરાવીને વિરાંજલિ કાર્યક્રમ માણવાં આવેલી જનમેદની વચ્ચે જઇને લોકોનું સ્વાગત અભિવાદન ઝીલ્યું હતું.

આ તકે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ સ્વાગત પ્રવચન કરતા સ્વતંત્રતા મેળવવાં માટે જે લોકો શહિદ થયાં છે તેનું સ્મરણ કરવાનો આ અવસર છે.આ તકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે જણાવ્યું કે, શહીદોની સહાદતની ઊંચાઈ અને સંતોની સમાધિની ઊંડાઈ માપી ન શકાય તેવી સૌરાષ્ટ્રની આ ધરા છે. દર ૧૫ કિલોમીટરે વીર મોખડા, વાછડાદાદા સોલંકીની ખાભી અને સમાધિ જોવાં મળે તેવી તપોભૂમિ પર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેનો આનંદ છે.

આ અવસરે ધારાસભ્ય વિભાવરીબેન દવે, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, મેયર કિર્તીબાળા દાણીધારીયા, ભાજપા ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, શહેર ભાજપા પ્રમુખ ડો. રાજીવભાઇ પંડ્યા, ડે. મેયર કૃણાલકુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સીટી વાઇસ ચાન્સેલર ડો.એમ.એમ.ત્રિવેદી, શહેર અને જિલ્લાના ગણમાન્ય નાગરિકો, પદાધિકારીઓ- અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.