વિસરાયેલી રંગભૂમિને જીવંત રાખતા ‘હેરીટેજ ફેસ્ટીવલ ૨૦૨૧’નો આજથી વર્ચ્યુઅલ પ્રારંભ

સુપ્રસિઘ્ધ ક્રાફટ મ્યુઝીયમ એલ.એલ.ડી.સી. દ્વારા દર વર્ષે ઉજવાય છે ભવ્યાતિભવ્ય લોક મહોત્સવ

ભુજના અજરખપુર ખાતે આવેલ શ્રુંજન સંચાલીત સુપ્રસિઘ્ધ ક્રાફટ મ્યુઝિયમ એલ.એલ.ડી.સ. (લીવીંગ એન્ડ લનીંગ ડીઝાઇન સેન્ટર) દ્વારા દર વર્ષે ૧૯ થી ર૩ જાન્યુઆરી દરમિયાન યોજાતા ભવ્યાતિભવ્ય લોકપ્રિય લોક મહોત્સવ ‘ફોક ફેસ્ટીવલ’ હવે અલગ સ્વરુપ અને અનોખા અંદાજમાં એલ.એલ. ડી.સી. હેરિટેજ ફેસ્ટીવલ ૨૦૨૧ ના નવસંસ્કરણ સાથે ઓનલાઇન વર્ચ્યુઅલ ફેસ્ટીવલ તરીકે યુ-ટયુબ અને ફેસબુક પર લાઇવ યોજાશે. દેશના વિવિધ રાજયો સાથે યોજાતા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા ફોક ફેસ્ટિવલના ફલકને વિસ્તાવી હવે હેરિટેજ ફેસ્ટીવલ ૨૦૨૧ ના સ્વરુપે દેશ અને દુનિયાભરમાં ઓનલાઇન લાઇવ જોઇ અને માણી શકાશે.

કચ્છી લોક સંગીત, લોકનૃત્યો, ગુજરાતી ગીતો સુરીલું સંગીત, રાસ-ગરબાની રમઝટ, લોકડાયરા સહિતના મજેદાર કાર્યક્રમો સતત પાંચ દિવસ ઓનલાઇન ઘર બેઠા જોઇ શકાશે

હાલના સંજોગોમાં માનવ મેદની અને ભીડભાડને લીધે સંભવિત સમસ્યાઓને ઘ્યાનમાં લઇ આ વખતે કચ્છના આ લોકપ્રિય બની ચૂકેેલા પાંચ દિવસીય લોક મહોત્સવને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (મુંબઇ) ના સહયોગથી એલ.એલ. ડી.સી. હેરિટેજ ફેસ્ટીવલ -૨૦૨૧ તરીકે ઓનલાઇન વચ્યુઅલ ફેસ્ટીવલના સ્વરુપે આગામી ૧૯ થી ર૩ જાન્યુઆરી દરમિયાન રાત્રિના ૮ થી ૧૦ વચ્ચે દરરોજ અવનવા અને આકર્ષક કાર્યક્રમોના સ્વરુપે લાઇવ રજુ કરાશે. કચ્છ અને ગુજરાતના ગીત સંગીત નૃત્યો પર આધારીત વિવિધ કાર્યોક્રમોમાં કચ્છી લોક સંગીત અને લોકનૃત્યો ગુજરાતી લોક ગીતો જુની રંગભૂમિની વિસરાયેલી પ્રસ્તુતિ, સુરીલું સુગમ સંગીત નૃત્ય નાટિકા, રાસ ગરબાની રમઝટ, લોક ડાયરો તથા એવા અન્ય મજેદાર કાર્યક્રમોને આ દિવસો દરમિયાન દરરોજ ઓનલાઇન ઘર બેઠા જોઇ શકાશે.

હેરીટેજ ફેસ્ટીવલમાં ભાગ લેતા ૧૦૦થી વધુ કલાકારો-ટેકનીશ્યનો

ડીજીટલ પ્લેટ ફોર્મ પર પ્રસ્તુત થનારા આ પાંચ દિવસીય ફેસ્ટીવલ લગભગ ૧૦૦ થી વધારે કલાકારો- ટેકનીશીયનો ભાગ લઇ રહ્યા છે. એટલું જ નહી પરંતુ આ ફેસ્ટીવલની પરિકલ્પના અને સંગીત સંચાલન આપણા ગુજરાતનું ગૌરવ અને મુંબઇના જાણીતા રાગા પિયાનીસ્ટ દીપક શાહ સંભાળી રહ્યા છે. દીપક શાહે છેલ્લા ૪૫ વર્ષોથી દુનિયામાં કાર્યરત છે. અને અનેક ફિલ્મોમાં સંગીત આપી ચૂકયા છે. પ૦૦ થી વધારે આલ્બમ્સ, ટીવી સીરીયલ્સ દેશ-વિદેશમાં મોટા ગજાના કલાકારો સાથે અનેક કાર્યક્રરો આપ્યા છે. તેમજ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં પણ પોતાનું નામ શોભાવી રહ્યા છે. કાર્યક્રમનું સંકલન અને સંચાલન તેમજ દિગ્દર્શન પ્રીતી શાહ સંભાળી રહ્યા છે. જયારે ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી મુંબઇ મા વર્ષોથી  કાર્યરત લલીતભાઇ શાહ માર્ગદર્શકની ભૂમિકા નિભાવી રહ્યા છે.

તા.૧૯ના મહોત્સ્વની શરુઆત અતિત ની અટારીએ થી અંતર્ગત કચ્છના ભાતીગળ લોક નૃત્યો, ગીત સંગીત સભર અનોખા કાર્યક્રમ સાથે થશે અને જાણીતા ગાયક પાર્થિવ ગોહિલના સુમધુર કંઠે ગુજરાતી ગીતોની રમઝટ જામશે.

તા. ર૦ ના રજુ થશે હૈયે રમતા ગીતો મનગમતાં ભાગ-૧ કાર્યક્રમ દ્વારા કે જેમાં આપણા સૌના હૈયામાં સદા સદા અંકિત થઇ ગયેલા અને હોઠે રમતા રહેતા મનગમતાં ગુજરાતી ગીતોનો રસથાળ પીરસાશે, ગુજરાતી કાવ્યની અને સંગીતની શરુઆતનો તબકકો જાણીતા લોકગીતો કે જેની આસપાસ લોક કથાઓ વાર્તાઓ ગુંથાઇ અને તેને ધીરે ધીરે નાટક સ્વરુપ મળ્યું અને પછી શરુઆત થઇ ઐતિહાસિક જુની રંગભૂમિની રંગલા રંગાલીની અનોખી યાદગાર ભવાઇ… તા થૈયા.. થૈયા થૈયા થે…. આ કાર્યક્રમની રજુઆત ખુદ ઓરીજીનલ રંગલી કરીા રહ્યા છે. સર્વ ઘનશ્યામભાઇ નાટક (તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા સીરીઅલના નટુ કાકા) અને રંગલી એટલે લીલી પટેલ, કે જેઓ છેલ્લા પાંચ દાયકાથી ગુજરાતી શાન સમા આ ભવાઇના પ્રકારની પ્રસ્તુતી કરી રહ્યા છે.

તા.ર૧ ના આ સુંદર કાર્યક્રમને સુગમ સંગીત અને રાસ ગરબા સાથેના બીજા ભાગ સ્વરુપે આગળ વધારશે દિગ્ગજ કલાકારો પ્રિયા મજુમદાર, સ્વપ્નીલ મિસ્ત્રી, નિકિતા  વાઘેલા, નીરવ વાઘેલા ઉપરાંત હેમાંગીની દેસાઇ, આલાપ દેસાઇ, આ કાર્યક્રમમાં હેલ્લારો ફિલ્મ ફેઇમ ભૂમિ ત્રિવેદી અને ઐશ્ર્વર્યા મજુમદાર વિશેષ પ્રસ્તૃતિ રજુ કરશે.

તા. રર ના ગુજરાતી ભાતીગળ  લોક ડાયરા કાઠીયાવાડને કાંગરેથી રજુ કરાશે કે જેમાં લોકસાહિત્ય, લોક વાર્તાઓ  લોકગીતો ઉપરાંત લોક કલાકાર- લોક સાહિત્યકાર સર્વ શ્રી હેમુ ગઢવી કવિ, દુલા કાગ, ઝવેરચંદ મેઘાણી જેવા મહારથીઓ ની કેટલીક ઉત્કૃષ્ટ લોકપ્રિય કૃતિઓની રજુઆત થશે. મુંબઇના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું સ્વર કિન્નરી ગ્રુપ આની પ્રસ્તુતિ કરશે. જાણીતા કલાકારો તૃપ્તિ છાયા, જતીન દરજી અને સાથી કલાકારો દ્વારા આ કાર્યક્રમ રજુ થશે. કાર્યક્રમનું સંચાલન લોક ગાયક ભાનુ વોરા કરશે.

તા. ર૩ ના આખરી દિવસે ખાસ નારી શકિત પર આધારીત ગીત-સંગીત અને નૃત્યોની સભર અદભુત નૃત્ય નાટિકાનો કાર્યક્રમ સ્વસ્તિકા, (જનનીથી જગત જનનીની યાત્રા એટલે કે માં થી જગદંબા સુધીની મહા યાત્રા) ની રજુઆત કરાશે. જેમાં નારીઓ ના અનેક પાસાઓ ને ઉજાગર કરતી રચનાઓનો સંગમ રચશે, કથા, ગીત, સંગીત દીપક શાહનું છ. જયારે કાર્યક્રમની ડીઝાઇન, ઓડિયો વિઝયુઅલની પરિકલ્પના અને નિર્માણ તેમજ ભવ્ય કોસ્ચ્યુમ્સ ડીઝાઇન કાર્યક્રમનું દિગ્દશન સંચાલન પ્રીતી શાહ કરી રહ્યા છે. અને નૃત્ય દિગ્દર્શક ચિરાગ ગોહિલ નું છે. રપ થી વધુ કલાકારો નૃત્યો દ્વારા નારી શકિતની આ વાર્તાનો પ્રસ્તુક કરશે.

Loading...