Abtak Media Google News

૧૫ હજારથી વધુ હરિભક્તો અને ૪૦૦થી વધુ સંતોની પાવન ઉપસ્થિતિ

કાઠિયાવાડના હૃદય સમા બોટાદ શહેર અને સ્વામિનારાયણ સંપ્રદાયને સવા બસ્સો વર્ષથી અનેરો નાતો રહ્યો છે. સ્વયં ભગવાન સ્વામિનારાયણે ૫૩ થી વધુ વખત બોટાદમાં પધારીને અનેક દિવ્ય લીલાઓ કરી છે. ત્યારબાદ તેઓની અનુગામી ગુણાતીત પરંપરાના સંતોએ પણ બોટાદને અનેક વખત તીર્થત્વ બક્ષ્યું છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ અહીં ઘણી વખત પધાર્યા અને સત્સંગને પોષણ આપ્યું. હરિભક્ત સમુદાયની વિનંતિને માન્ય રાખી પ્રમુખસ્વામી મહારાજે બોટાદમા વિશાળ મંદિરનું નિર્માણ કર્યું. જેની પ્રતિષ્ઠા તેઓએ સ્વયં પધારીને સન ૧૯૯૦માં કરી હતી. એ જ આધ્યાત્મિક પરંપરામાં હાલ ગુરુપદે વિરાજતા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંતસ્વામી મહારાજે ગઈકાલે બોટાદમાં પધારી વિશાળ જનમેદનીને સત્સંગ સભાનો લાભ આપ્યો હતો.

તીર્થધામ સારંગપુર ખાતે આવેલ બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરના સંપૂર્ણ સહયોગથી આ સત્સંગ સભાનું  આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ પ્રમુખસ્વામી મહારાજ માર્ગ પર આવેલ વી.પી. શેઠના બંગલા પાસેના વિશાળ પ્રાંગણમાં સાંજે ૫.૦૦ વાગ્યે થયો હતો. આકર્ષક મંચ ઉપરથી ભાગ્ય મોટા આ ભૂમિના એ શીર્ષક હેઠળ સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો હતો.

તે દરમ્યાન પ.પૂ. મહંતસ્વામી મહારાજ બોટાદના બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરમા દર્શન કરી સભામા પધાર્યા હતા. તેઓનું રથમા બેસાડી ફટાકડા, જયનાદો અને નૃત્ય સાથે શોભાયાત્રારૂપે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. સ્વામીના આગમનથી જાણે સમગ્ર સભા અને માહોલમા દિવ્ય ચેતનાનો સંચાર થઈ ગયો હતો. ત્યારબાદ બોટાદ સત્સંગ ઈતિહાસના જૂના પાત્રોના પ્રતીકરૂપે પધારી કેટલાક યુવાનોએ પોતાની ભાવોર્મિઓ વ્યક્ત કરી હતી. સભામાં પધારેલ વિવિધ મહાનુભાવો અને સંતો દ્વારા સ્વામીને હારતોરાથી વધાવવામાં આવ્યા બાદ તેમને આર્શીવચન વહાવ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું શ્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ અનેક વખત બોટાદમા પધાર્યા છે, તેઓએ અહીં સત્સંગનો ખૂબ વિકાસ કર્યો. આ સત્સંગ દિવ્ય છે તેને ગમે તેવી પરિસ્થિતિમાં પણ છોડવો નહી. જીવનમાં નિષ્ઠા અને નિયમ દૃઢ કરીને રાખવાથી આ સત્સંગનું સાચું સુખ પ્રાપ્ત થાય છે. પ. પૂ. મહંતસ્વામી મહારાજના આર્શીવચન બાદ આભારવિધિ થયો હતો.

ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લા તરીકે ઘોષિત થયા પછી અને પ. પૂ. મહંતસ્વામી મહરાજના ગુરુપદે આવ્યા પછી તેમની બોટાદમા સર્વપ્રથમ મુલાકાત હતી. ગઈકાલે મુંબઈના પ્રખ્યાત ગાયક જયદીપ સ્વાદીયા તેમજ યુવાવૃંદે ભવ્ય કીર્તન આરાધના રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમની સફળતાથી સમગ્ર બોટાદ અને આજુબાજુના પંથકમાં સત્સંગને નૂતન ઉત્તેજના પ્રાપ્ત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.