Abtak Media Google News

૨૦ હજાર કરોડની બજાર મૂડી ધરાવતી કંપની પર ૧.૮૦ લાખ કરોડનું દેણું!!

નુકસાની, દેવું અને મોટા ફેરફારોમાંથી પસાર થતી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયાના તાજેતરની પડતીથી કર્મચારીઓ અને રોકાણકારોમાં ભય પેદા થયો છે.  આને દૂર કરવા માટે સીઈઓ રવિન્દ્ર ઠક્કરે તેમના ૯૫૦૦ કર્મચારીઓને ખાતરી આપી છે કે કંપનીમાં બધું બરાબર ચાલી રહ્યું છે અને ભવિષ્ય વિશે ડરવાની જરૂર નથી.

હકીકતમાં વોડાફોન-આઈડિયાના પ્રમોટરોએ આગળ કોઈ રોકાણ કરવાની ના પાડી દીધી છે.  બુધવારે બિન-એક્ઝિક્યુટિવ ચેરમેન કુમાર મંગલ બિરલાએ રાજીનામું આપ્યા બાદ રોકાણ અને કર્મચારીઓ તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે. આના પર સીઈઓ ઠક્કરે કર્મચારીઓ સાથે સીધો સંવાદ કર્યો અને કંપનીના બોર્ડમાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી.

ઠક્કરે કહ્યું, કંપનીનો બિઝનેસ સારી રીતે ચાલી રહ્યો છે અને કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવામાં આવશે.  અગાઉ કુમાર મંગલમે સરકારને પત્ર લખીને કંપનીનું ભવિષ્ય બચાવવા માટે પોતાનો ૨૭ ટકા હિસ્સો આપવા જણાવ્યું હતું. હવે તેમને ચેરમેન પદેથી હટાવ્યા બાદ વોડા-આઈડિયાના ભવિષ્ય અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે.આ જ કારણ છે કે, ગુરુવારે એક જ દિવસમાં કંપનીનો શેર ૨૫ ટકા ઘટીને ૫૨ સપ્તાહની નીચી સપાટીએ આવી ગયો. વોડાફોનના સીઈઓના કોઈ નવા રોકાણ ન કરવાના નિવેદન બાદ કંપનીના શેરમાં સતત ઘટાડો થતો રહ્યો છે.  છેલ્લા નવ ટ્રેડિંગ સેશનમાં તે 53% નીચે આવી ગયો છે.

કુમાર મંગલમ રાજીનામું આપ્યા બાદ એક દિવસમાં શેર ૨૫% સુધી ઘટ્યો.  બીએસઈ પર શેરનો ભાવ ૪.૫૫ રૂપિયા આવ્યો.  બાદમાં ૧.૪૯%સુધારા સાથે બંધ થયું.  હાલમાં બીએસઇપર તેની કિંમત ૫.૯૪ રૂપિયા છે, જે ૯ સત્રો પહેલા ૯.૭૫ રૂપિયા હતી.

બ્રિટિશ કંપની વોડાફોન ગ્રુપના સીઈઓ નિક રીડે ૨૩ જુલાઈએ જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હવે ભારતીય સંયુક્ત સાહસ(વોડા-આઈડિયા)માં એક પણ રૂપિયાનું રોકાણ કરશે નહીં.  કંપની એજીઆર, સ્પેક્ટ્રમ, દેવું અને ફી વગેરે સહિત કુલ ૧.૮૦ લાખ કરોડની બાકી છે, જ્યારે તેની બજાર મૂડી ૨૦ હજાર કરોડની આસપાસ છે.  આવી સ્થિતિમાં, કંપની માટે લેણાં ચૂકવવા અને રોકાણ વગર વ્યવસાય ચાલુ રાખવો ખૂબ મુશ્કેલ હશે.

કંપની નાદાર થઈ જાય તો એસબીઆઈ સહિત ત્રણ બેંકોને વધુ અસર થશે

વોડા આઈડિયા પાસે રોકાણ વધારવાનો બહુ ઓછો અવકાશ છે અને નાદારીની સ્થિતિમાં બેંકોના ૨૮,૭૦૦ કરોડનું દેવું ચૂકવવું મુશ્કેલ બનશે. સૌથી વધુ અસર એસબીઆઈ પર પડશે, જેણે કંપનીને ૧૧ હજાર કરોડની લોન આપી છે.આ સિવાય યસ બેન્કે ૪ હજાર કરોડની લોન આપી છે અને ઇન્ડસઇન્ડ બેન્કે ૩૫૦૦ કરોડની લોન આપી છે.  લોન બુકની વાત કરીએ તો વોડા આઈડિયા આઈડીએફસી ફર્સ્ટ બેંકના કુલ દેવાના ૨.૯ ટકા હિસ્સો ધરાવે છે.  આ પછી, યસ બેંકની લોન બુકમાં હિસ્સો ૨.૪ ટકા અને ઇન્ડસઇન્ડ બેંકનો ૧.૬૫ ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.