આફતનો લાભ ખાટી લેવા “ગીધડાઓ” મેદાને, રાજકોટમાં મ્યુકર ઈંજેકશનોની કાળાબજારીનો પર્દાફાશ, 14ની ધરપકડ

એક તરફ વાયરસ તો બીજી તરફ ફૂગ… કોરોનાને નાથવા જતા બીજી એક બીમારી ઘર કરી ગઈ છે. કોરોનાની સાથે હવે મ્યુકરમાયકોસીસએ પણ કાળો કહેર વરસાવ્યો છે. કોરોનાની હજુ બીજી લહેર સમી નથી ત્યાં આ ફૂગજન્ય રોગએ સ્થાનિક તંત્ર સહિત સરકારની ચિંતા વધારી દીધી છે. કોરોના સામેના યુદ્ધમાં અસ્ત્ર સમાન ગણાતા રેમડેસીવીર ઈંજેકશનોની હજુ રામાયણ માંડ સમટી છે ત્યાં હવે મ્યુકરમાયકોસીસના ઈંજેકશનોની હાડમારી શરૂ થઈ ગઈ છે. આફતને અવસરમાં પલટાવવા માટે લાલચી ગીધડાઓ તૈયાર જ હોય તેમ હવે આ મ્યુકરમાયકોસીસના ઈંજેકશનોની કાળાબજારી શરૂ થઈ ગઈ છે.

રાજકોટમાં શનિવારે મ્યુકરમાયકોસીસના રોગ માટે અતિ ઉપયોગી એવા એમ્ફોટેરેસીન-બી ઈન્જેકશનની કાળાબજારી થતી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. શરૂઆતથી જ પોલીસે ઠેરઠેર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. જેમાં એક તબીબી છાત્ર, બે આરોગ્ય કર્મચારી, એક ક્રિશ્ર્ના કોવિડ હોસ્પીટલનો કર્મચારી સહીત 14 આરોપીઓને દબોચી લેવાયા છે. હાલના તબક્કે ડઝનથી વધુ આરોપીઓની અટકાયત કરાઈ છે. આરોપીઓ રૂ. 300નું ઈન્જેકશન રૂ.6000માં વેંચતા હોવાનું જાણવા મળ્યું છે.

તા.28 ના રોજ એક હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફ તરીકે કામ કરતાં ગોપાલ જગદીશ વંશ (ઉ.વ.25 રહે. માયાણીનગર આવાસ કવાર્ટર), અશોક નારણ કાગડીયા (ઉ.વ.28 રહે.બજરંગનગર વેકરીયાવાડી જસદણ) ક્રિશ્ર્ના કોવીડ હોસ્પીટલમાં નોકરી કરતા નિકુંજ જગદીશ ઠાકર (ઉ.વ.21 રહે. હાલ ક્રિશ્ર્ના કોવીડ હોસ્પીટલ, વિદ્યાનગર મેઈનરોડ, રાજકોટ મુળ ગોલ્ડનપાર્ક 3 ગજાનંદ જીનેસીસ સ્કુલ પાછળ, ખલીલપુર રોડ જુનાગઢ) અને કોઈ કામ ધંધો ન કરતા મેહુલ ગોરધન કટેશીયા (ઉ.વ.22 રહે મીરાનગર આવાસ યોજના કવાર્ટસ) અને યશ દિલિપકુમાર ચાવડા ઉ.વ.25 રહે.શાંતિ નિકેતન પાર્ક-3 પરસાણાનગર જામનગર રોડ રાજકોટ) તેમજ બીએચએમએસનો અભ્યાસ કરતા અને હાલ રાજકોટની જ એક હોસ્પિટલમાં નોકરી કરતાં વત્સલ હંસરાજભાઈ બારડ (ઉ.વ.22 રહે.લક્ષ્મીવાડી 7, રાજકોટ મુળ છાછર ગામ તા.કોડીનાર)ની સીઆરપીસી કલમ 41 (1) ડી મુજબ અટકાયત કરી હતી અને 25 ઈન્જેકશન કબ્જે કર્યા હતા. ત્યારબાદ આરોપીઓને જામીન ઉપર મુકત કરવામાં આવ્યા હતા.

                આરોપીઓ રાજકોટ, જસદણ, જુનાગઢ અને કોડીનારના વતની

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હાલના તબકકે જે સામે આવેલ છે તે મુજબ 14 માંથી 3 આરોપીઓ આરોગ્ય સેવા સાથે જોડાયેલા છે. રાજકોટ રહેતા આરોપી ગોપાલ વંશ અને જસદણનો વતની અશોક કાગડીયા નર્સીંગ સ્ટાફ તરીકે કામ કરે છે તપાસ પ્રભાવીત ન થાય તે માટે પોલીસે આ બન્ને કઈ હોસ્પીટલમાં કામ કરે છે તે જાહેર કર્યુ નથી. ત્રીજો આરોપી નિકુંજ ઠાકર જુનાગઢનાં ખલીલપુર રોડ પર ગોલ્ડન પાર્કમાં રહે છે.જોકે હાલ ક્રિશ્ર્ના કોવીડ હોસ્પીટલમાં નોકરી કરતો હોવાથી ત્યાંજ રહે છે. વત્સલ બારડ કે જે પણ નોકરી કરે છે અને રાજકોટ ખાતે લક્ષ્મીવાડી-7 માં ભાડાના મકાનમાં રહે છે. પરંતુ મુળ તે કોડીનારનાં છાછર ગામનો વતની છે. મેહુલ અને યશ બન્ને રાજકોટનાં જ વતની છે પરંતુ હાલ કોઈ કામ ધંધા કરતા નથી.