- વિજયભાઈ રૂપાણીની અંતિમ વિધી માટે ડીએનએ રિપોર્ટની જોવાતી વાટ
- ઋષભ રૂપાણી અમેરિકાથી અમદાવાદ આવી પહોંચ્યા
રાજકોટમાં જ અંતિમવિધી કરવાનો પરિવારજનોનો નિર્ણય, વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ભાજપના આગેવાનો: જો આવતીકાલ સુધીમાં અંતિમ વિધી થઈ જશે તો સોમવારે રાજકોટમાં અને ગુરૂવારે ગાંધીનગરમાં પ્રાર્થનાસભા-બેસણું
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના અણમોલ રતન એવા વિજયભાઈ રૂપાણીનું કરૂણ નિધન થયું છે. તેઓની અંતિમવિધી માટે ડીએનએ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. અમેરિકામાં રહેતા વિજયભાઈના પુત્ર ઋષભભાઈ રૂપાણી આજે વહેલી સવારે અમદાવાદ ખાતે આવી પહોચ્યા છે. વિજયભાઈની અંતિમવિધી રાજકોટ ખાતે જ કરવાનો નિર્ણય પરિવારજનો દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જો આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલ સુધીમાં અંતિમવિધી પૂર્ણ થઈ જશે તો આગામી સોમવારે રાજકોટમાં રેસકોર્સ સ્થિત રમેશ પારેખ ઓપન એર થિયેટર ખાતે અને ગુરૂવારે ગાંધીનગરમાં પ્રાર્થના સભા બેસણું યોજવામાં આવે તેવી શકયતાને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવી રહ્યું છે. વિજયભાઈની અંતિમવિધી માટે ડીએનએ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. અંતિમવિધીમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ પણ હાજરી આપે તેવી સંભાવના હાલ દેખાય રહી છે.
અમદાવાદથી લંડન થઈ એર ઈન્ડિયાની ફલાઈટ ગુરૂવારે ઉડાન ભર્યાની બીજી જ મીનીટમાં ક્રેસ થયું હતુ. જેમાં પ્લેનમાં સવાર મુસાફરો, પાયલોટ, ક્રુ મેમ્બર સહિત 242 પૈકી 241 લોકોના કરૂણ મોત નિપજયા હતા આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. તમામ મૃતકોની હાલત એટલી હદે ખરાબ છે કે મૃતકોના પરિવારજનો સાથે ડીએનએ મેચ કરી મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. વિજયભાઈ રૂપાણીના બહેનનું ડીએનએ રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યું છે. હજી સુધી ડીએનએ મેચ થયા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન ગઈકાલે સવારે વિજયભાઈ રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી લંડનથી અમદાવાદ આવી પહોચ્યા હતા. જયારે આજે વહેલી સવારે 4 કલાકે અમેરિકાથી તેમના પુત્ર ઋષભભાઈ રૂપાણી પરિવાર સાથે અમદાવાદ આવી પહોચ્યા હતા. વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહની અંતિમવિધી રાજકોટ ખાતે જ કરવાનો પરિવારજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ અંતિમવિધી માટે ડીએનએ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જો બપોર સુધીમાં ડીએનએ રિપોર્ટ આવી જશે તો આજે સાંજ સુધીમાં અંતિમવિધી કરવામાં આવશે અન્યથા આવતીકાલે અંતિમવિધી કરાશે ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ વાર અને સમય નકકી કરવામાં આવશે.
વિજયભાઈ રૂપાણીની અંતિમવિધી રાજકોટ ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય આજે સવારે રાજકોટમાં પ્રકાશ સોસાયટી ખાતેના તેઓના નિવાસ સ્થાન ખાતે રાજકોટ શહેર ભાજપના નેતાઓએ તમામ પ્રકારની વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતુ. વિજયભાઈ માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્ર નહી રાજયભરમાં ભારે લોકચાહના ધરાવતા હોવાના કારણે રાજયભરમાંથી લોકો સ્મશાન યાત્રામાં આવશે તેવી ધારણા સાથે તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ અંતિમયાત્રામાં હાજરી આપશે તેવી ચર્ચાઓ હાલ થઈ રહી છે.
જો આવતીકાલ સુધીમાં સ્વ. વિજયભાઈ રૂપાણીની અંતિમવિધી થઈ જશે તો આગામી સોમવારે રાજકોટમાં રેસકોર્ષ સ્થિત રમેશ પારેખ ઓપનએર થીયેટર ખાતે તેઓની પ્રાર્થના સભા-બેસણું યોજાશે અને આવતા ગુરૂવારે ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા યોજવાની ગણતરી સાથે હાલ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આજે સવારે શહેર ભાજપના આગેવાનોએ વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાન અને રમેશ પારેખ ઓપન એર થિયેટર ખાતે નિરિક્ષણ કર્યું હતુ. જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
આજે સવારે ઋષભભાઈ રૂપાણીનું પણ અમેરિકાથી અમદાવાદ ખાતે આગમન થઈ ગયું છે. રાજય સરકારના તમામ મંત્રીઓ, ભાજપ અને કોંગ્રેસના સાંસદો-ધારાસભ્યો સંગઠનના હોદેદારો રૂપાણી પરિવારને સાંત્વના આપવા માટે જઈ રહ્યા છે.
ડીએનએ ટેસ્ટ માટે ઋષભભાઈ રૂપાણીનું પણ બ્લડ સેમ્પલ લેવાયું
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે. ડીએનએ ટેસ્ટ માટે તેઓના બહેનો લોહીનું સેમ્પલ લેવામાં આવ્યુ છે.હજી સુધી ડીએનએ મેચ થયું ન હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આજે સવારે અમેરિકાથી ઋષભભાઈ રૂપાણી અમદાવાદ આવી પહોંચ્યા હતા. દરમિયાન સવારે 11 કલાકે તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડીએનએ ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ડીએનએ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ વિજયભાઈ રૂપાણીની અંતિમક્રિયા અંગે નિર્ણય લેવામાં આવશે.