હવે રિપોર્ટનું વેઈટીંગ હળવું થશે: રાજકોટ સિવિલમાં આરટી-પીસીઆર ટેસ્ટના વધુ બે મશીન મુકાશે

રિપોર્ટ માટે 48 કલાકથી વધુનો સમય થતો હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આરોગ્ય વિભાગને તાત્કાલીક વધુ મશીનની વ્યવસ્થા ગોઠવવા આપી સુચના

સિવિલમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે ચાલતા લાંબા વેઈટીંગને ધ્યાને લઈ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આરોગ્ય વિભાગને તાત્કાલીક રાજકોટ સિવિલમાં વધુ બે આરટીપીસીઆર ટેસ્ટના મશીન ફાળવવાની સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેને લઈને શંકાસ્પદ દર્દીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દરરોજ એન્ટીજન ટેસ્ટની પણ પુષ્કળ પ્રમાણમાં માંગ ઉઠી રહી છે. સાથે સાથે આરટીપીસીઆર ટેસ્ટની પણ માંગ વિપુલ પ્રમાણમાં ઉઠે છે. અગાઉ સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ માટે કતારો જામવા લાગતા માત્ર દાખલ દર્દીઓના જ આરટીપીસીઆર ટેસ્ટ કરવાનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો હતો. ટ્રાવેલ માટે જે લોકો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા આવતા હતા તેઓને ટેસ્ટની મનાઈ  ફરમાવી દેવામાં આવી હતી. તેમ છતાં પણ આરટીપીસીઆર ટેસ્ટ માટેનો ધસારો યથાવત રહેતા મોટા પ્રમાણમાં વેઈટીંગ રહેતું હતું. શંકાસ્પદ દર્દીને રિપોર્ટ આપવામાં 48 કલાકથી પણ વધુ સમય થતો હોય આ શંકાસ્પદ દર્દી જો પોઝિટિવ હોય તો તે અનેક લોકોને ચેપ પણ લગાવતો હોવાના કિસ્સાઓ સામે આવતા થયા હતા.

આરટીપીસીઆર ટેસ્ટને લઈ સર્જાયેલી અંધાધૂંધીને ધ્યાને લઈ રાજ્ય સરકાર તુર્ત જ હરકતમાં આવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આરોગ્ય વિભાગને સુચના અપાય છે કે, રાજકોટ સિવિલને તુર્ત જ આરટીપીસીઆર ટેસ્ટના 2 મશીન ફાળવવામાં આવે. આ સુચનાને લઈ આરોગ્ય વિભાગે આરટીપીસીઆર ટેસ્ટના 2 મશીન રાજકોટને આપવાની કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી આરટીપીસીઆર ટેસ્ટ માટે ભારે ટ્રાફિક રહેતો હતો. દર્દીઓને 48 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ રીપોર્ટ ન મળતો હોવાની અનેક ફરિયાદ ઉઠી હતી. જેથી સરકાર દ્વારા રાજકોટને વધુ બે મશીન  ફાળવીને વેઈટીંગ હળવું બનાવવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે ટેસ્ટ ટ્રેક અને સારવારની પદ્ધતિ અત્યારસુધી મહત્વપૂર્ણ સાબિત થઇ છે. જેમ બને તેમ વધુ લોકોના ટેસ્ટ કરવાથી સંક્રમણનો ફેલાવો રોકી શકાય છે. વિદેશમાં પણ આ પદ્ધતિ કારગત નીવડી છે ત્યારે રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે આરટીપીસીઆર ટેસ્ટના બે મશીન ફાળવવામાં આવતા કોરોનાનો વધુ સચોટ અને ઝડપી રિપોર્ટ લોકોને મળવા લાગશે. મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કોરોનાકાળમાં અનેક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યા છે. તેમની આગેવાનીમાં લેવાયેલા નિર્ણયને કારણે સ્થિતિ કાબૂમાં રહી છે. હવે જે લોકો કોરોનાનો રિપોર્ટ કરાવ્યા બાદ 48 કલાક સુધી પરિણામથી વંચિત હતા તેમના માટે વેઇટીંગ થોડું ટૂંકું થઇ જશે.