પદયાત્રા મતલબ વાહનોની સફર નહીં: હાઇકોર્ટની ટકોર બાદ હવે પદયાત્રામાં વાહનો જોડવા સામે પ્રતિબંધ આવી જશે !!

યાત્રામાં જોડાવા અન્ય જિલ્લાઓમાંથી આવતા રાજકીય પક્ષોના કાર્યકરો કોરોના વિસ્ફોટ કરે તે પૂર્વે જ નિર્ણય લેવાયો

એક તરફ કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે, બીજી બાજુ પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર પ્રસાર લોકોના જીવને જોખમમાં મૂકી ન દે તેના માટે અનેકવાર હાઇકોર્ટો દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે. ત્યારે કર્ણાટક હાઇકોર્ટ દ્વારા આ અનુસંધાને એક મહત્વપૂર્ણ સૂચન કરાયું છે જેમાં પદયાત્રામાં વાહનો પર પ્રતિબંધ મુકવા સુઝાવ અપાયું છે.

જે સૂચન બાદ કર્ણાટક રાજ્ય સરકારે આ તરફ ધ્યાન કેન્દ્રિત કરીને પદયાત્રામાં વાહન લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે જેની પ્રથમ અસર કોંગ્રેસની પદયાત્રાને થનારી છે. મહત્વપુર્ણ બાબત એ છે કે, હાઇકોર્ટની ટકોર બાદ કદાચ આ મોડેલ સમગ્ર દેશમાં અમલી બની જશે.

કર્ણાટક રાજ્ય સરકારે બુધવારે કોંગ્રેસ પક્ષની પદયાત્રામાં ભાગ લેવા માટે રામનગર જિલ્લાની અંદર અને બહારથી જિલ્લામાં વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે સરકારને આડે હાથ લીધા પછીના કલાકોમાં જ ઝડપથી સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી.

લોકોને પદયાત્રામાં ભાગ લેતા અટકાવવા માટે સરકારે પોલીસ અને વાહનવ્યવહાર વિભાગને આવા વાહનો પર પ્રતિબંધનો અમલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. કર્ણાટક સરકારે નોટિફિકેશન જાહેર કરતા કહ્યું છે કે, આ પ્રકારે બહારથી આવતા વાહનો અને તેમાં સવાર લોકો કોરોના સંક્રમણ વધારી શકે છે. પદયાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય પક્ષોના કાર્યકરો જોડાતા હોય સંક્રમણ વધવાની પૂરેપૂરી શકયતા હોવાથી હાઇકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.