Abtak Media Google News
પરિવારજનો એક નહિ થવા દે તેવા ડરથી લવ સ્ટોરીનો લોહિયાળ અંજામ : પ્રેમીએ ઝેરી દવા ગટગટાવી લેતા હાલત ગંભીર

અબતક,રાજકોટ

વાંકાનેરના આરોગ્યનગરમાં લવસ્ટોરીનો લોહિયાળ અંજામ સામે આવ્યો છે.પ્રેમીએ પ્રેમિકાને બોલાવી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દઈ પ્રેમીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે,પરિવારજનો પ્રેમસંબંધ નહીં સ્વીકારે તેવા ભયથી યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

વાંકાનેરના આરોગ્યનગરમાં ગાયત્રીમંદિર પાસે રહેતો દેવરાજ જયંતીભાઇ માનસુરિયા (ઉ.વ.20) અને વાંકાનેરના ધમલપરની રીટા રાજુભાઇ અંબાસણિયા (ઉ.વ.18) રવિવારે સાંજે વાંકાનેર ગાયત્રીમંદિર પાસે બેભાન હાલતમાં મળી આવ્યા હતા, રીટા લોહિયાળ હાલતમાં હતી, જ્યારે દેવરાજે ઝેરી દવા પીધાનું ખુલ્યું હતું.બંનેને તાકીદે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ રીટાનું મોત નીપજ્યું હતું. રીટાના શરીર પર છરીના ઘા જોવા મળ્યા હતા જ્યારે દેવરાજની હાલત નાજુક હોવાથી પોલીસ તેની પૂછપરછ કરી શકી નહોતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રીટા અને દેવરાજ સંબંધી થાય છે, રીટા અગાઉ વાંકાનેરમાં જ દેવરાજની પાડોશમાં રહેતી હતી ત્યારથી બંને વચ્ચે પ્રેમસંબંધ હતા, બાદમાં રીટા માતા અને ભાઇ સાથે ધમલપર રહેવા જતી રહી હતી.રીટા અને તેની માતા ભાનુબેન શનિવારે લગ્નપ્રસંગે વાંકાનેર ગયા હતા, જ્યાં લગ્નપ્રસંગ હતો તે ઘરે રવિવારે દેવરાજ અને તેના પરિવારજનો પણ લગ્નમાં ગયા હતા, સાંજે રીટા અને દેવરાજ ગાયત્રીમંદિર પાસે મળ્યા હતા જ્યાંથી બંને બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

બંનેના પ્રેમસંબંધને પરિવારજનો નહી સ્વીકારે અને તેમને એક નહિ થવા દે તેવો ભય લાગતાં દેવરાજે પ્રેમિકા રીટાને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી પોતે પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. દેવરાજ બે ભાઇ અને ત્રણ બહેનમાં ચોથા નંબરનો છે અને રીટા એક ભાઇની એકની એક બહેન હતી. સમગ્ર ઘટનાએ વાંકાનેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટનાસ્થળેથી પોલીસને છરી અને મ્યાન પણ મળી આવ્યું હતું. બનાવ અંગે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી હતી.અને રીટાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.