વોર્ડ નં. 2,7 અને 8ના અનેક વિસ્તારોમાં આજથી પાણી વિતરણ 40 મિનિટ મોડું કરાશે

ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી લક્ષ્મીનગર નાલા સુધી વર્ષો જૂની પાઇપલાઇન બદલાતા લીકેજ અને ધીમા ફોર્સની ફરિયાદોનો નિવેડો લાવવા વિતરણના સમયમાં ફેરફાર

કાલાવડ રોડ પર ન્યારી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ આવતા વોર્ડ નંબર 2, 7 અને 8ના અનેક વિસ્તારોમાં આજથી પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નિર્ધારિત સમય કરતા આજથી 40 મિનિટ મોડું પાણી વિતરણ કરવામાં આવશે. ત્રણ દિવસ ટ્રાયલ લીધા બાદ જો કોઇ સમસ્યા નહીં સર્જાય અને ફરિયાદો નહીં આવે તો હાલનો સમય  કાયમીમાં અમલી કરી દેવાશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ન કાલાવડ રોડ પર ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી લક્ષ્મીનગરના નાળા સુધીની 711 એમ ડાયાની 40 વર્ષ જૂની પાઈપલાઈન ખૂબ જ સડી ગઈ હોવાના કારણે અહીં રોજ-બરોજ લાઈન લિકેજની સમસ્યા ઊભી થતી હતી.કાલાવાડ રોડ પર કોટેચા ચોકમાં આ લાઈન 365 દિવસ લીકેજ રહેતી હતી અને પ્રયાસો કરવા છતાં સમસ્યા હલ ન થતા કોર્પોરેશન દ્વારા  ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી વિરાણી ચોક પાસે લક્ષ્મીનગર નાલા નજીક મોદી સ્કૂલ સુધીના આશરે ત્રણ કિલોમીટરના વિસ્તારમાં 711 એમએમની નવી પાઈપલાઈન બિછાવવામાં આવી છે. જેમાં ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી હેમુ ગઢવીના નાલા સુધી એમએસ લાઇન નાખવામાં આવી છે અને હેમુ ગઢવીના નાલાથી મોદી સ્કૂલ સુધી આશરે 500 મીટરના વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન નાખવામાં આવી છે. તાજેતરમાં આ કામ પૂર્ણ થયા બાદ આજથી ત્રણ વોર્ડમાં ટ્રાયલ બેઈઝ પર પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.જેમાં વોર્ડ નંબર 2માં હનુમાનમઠી ચોકથી એરપોર્ટ રોડ,રેસકોર્સ પાર્ક, ફુલછાબ ચોક અને શ્રોફ રોડ પરના એવા વિસ્તારો કે જ્યાં સવારે સાત વાગ્યે પાણી વિતરણ કરવામાં આવતું હતું ત્યાં આજે સવારે સાત કલાક અને 40 મીનીટથી પાણી વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ નંબર 7માં વિરાણી ચોક એસ્ટ્રોન સિનેમા પાસેના વિસ્તારો સરદારનગર, જાગનાથ, રામકૃષ્ણનગર, રામકૃષ્ણનગર વેસ્ટ જનકલ્યાણ સહિતના વિસ્તારો કે જ્યાં 11 વાગ્યે પાણી વિતરણ કરવામાં આવતું હતું ત્યાં આજથી 11 કલાક અને 40 મીનીટે પાણી વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.જ્યારે વોર્ડ નંબર 8ના એવા વિસ્તાર કે જે કાલાવાર રોડ થી હનુમાન મઢી ચોક સુધીમાં આવે  છે તે અને રૈયા રોડ અને સોજીત્રાનગર પોકેટ નો પણ એમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે જ્યાં વહેલી સવારે 4 વાગ્યાથી પાણી વિતરણ કરવામાં આવે છે ત્યાં આજ થી 4 કલાક અને 40 મીનીટથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ન્યારી ફિલ્ટર પ્લાન્ટથી વિરાણી હાઇસ્કુલ સુધીના વિસ્તારમાં પાઈપલાઈન 40 વર્ષ જૂની હોવાના કારણે છાશવારે લીકેજની સમસ્યા સર્જાતી હતી. જેનું કાયમી નિરાકરણ માટે નવી પાઇપલાઇન બિછાવી દેવામાં આવી છે. જૂની પાઇપલાઇન આજથી બંધ કરી નવી પાઈપ લાઈન સાથે જોડાણ કરી દેવા આવ્યું છે બે થી ત્રણ દિવસ ત્રણ વોર્ડમાં પાણી વિતરણ નિર્ધારિત સમય કરતાં 40 મિનિટ મોડું કરવામાં આવશે ત્યારબાદ જો લીકેજની કે પાણી મળતું હોવાની ફરિયાદો ઊભી નહીં થાય તો હાલ જે ફેરફાર કરવામાં આવ્યો છે.તે ટાઈમિંગ કાયમી કરી દેવામાં આવશે આજે સવારથી એક પણ વિસ્તારમાં પાણી મળ્યા હોવાની ફરિયાદો મળી નથી જો કે પાણી મોડુ આવતા લોકો થોડા અચરજમાં મુકાઈ ગયા હતા.