Abtak Media Google News

જામનગરના કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલને તેનો પાસપોર્ટ જમા કરાવવાનો મુંબઈ અદાલતે આદેશ કર્યાના વાયરલ થયેલા મેસેજ વચ્ચે તેણે પાસપોર્ટ જમા કરાવ્યાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ શખ્સે અગાઉ જામનગરની અદાલતમાં પણ પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો હતો તે પછી બીજો પાસપોર્ટ કેવી રીતે જમા કરાવ્યો? તેમજ આ શખ્સ ભારતમાં આવ્યે હોવાની પણ આશંકા જન્મી છે. પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે.

જામનગરમાં ગયા એપ્રિલ મહિનાના અંતમાં ટાઉનહોલ વિસ્તારમાં એડવોકેટ કિરીટભાઈ જોષીની હત્યા નિપજાવવાના ગુન્હામાં સોપારી આપવા અંગે જેની સામે ગુન્હો નોંધાયો છે તેમજ અગાઉ કેટલાક જમીન કૌભાંડોમાં જેનું નામ ઉપસતા ભૂ-માફિયા તરીકે કુખ્યાતી મળી છે તેવા જયેશ મુળજીભાઈ રાણપરિયા સામે મુંબઈની હાઈકોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવી દેવા માટે આદેશ થતા આ શખ્સે પોતાનો પાસપોર્ટ અદાલતમાં જમા કરાવ્યો હોવાના અહેવાલો સાંપડયા છે.

આ શખ્સ સામે બે વર્ષ પહેલા રણજીતસાગર રોડ પર આવેલા ઈવા પાર્કના અંદાજે રૃા.૧૦૦ કરોડના જમીન કૌભાંડની નોંધાયેલી ફરિયાદના  અનુસંધાને આ આરોપીનો પાસપોર્ટ જમા લઈ લેવા માટે જામનગરની અદાલતે અગાઉ આદેશ કર્યો હતો તેથી જયેશ પટેલે પોતાનો  પાસપોર્ટ જામનગરની અદાલતમાં જમા કરાવ્યો હતો.

ત્યાર પછી ગુજરાત હાઈકોર્ટમાંથી ત્રણ દેશમાં જવા માટે જયેશ પટેલે પરવાનગી મેળવી હતી અને તે પછી આ ભૂ-માફિયા વિદેશ સરકી ગયો હતો ત્યાર પછી જામનગરમાં એડવોકેટની હત્યા થઈ હતી જેમાં બે તબક્કે ઝડપાયેલા કુલ છ આરોપીઓએ જયેશ પટેલ પાસેથી એડવોકેટની હત્યા માટે સોપારી મેળવી હોવાની વિગતો પોલીસ તપાસમાં ખૂલી હતી તે દરમ્યાન જ આ શખ્સને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો મુંબઈ અદાલતનો આદેશ થતા તેણે ત્યાં પણ પોતાનો પાસપોર્ટ જમા કરાવતા અનેક પ્રશ્નાર્થો ઉઠયા છે. આ શખ્સ પાસે જો એક પાસપોર્ટ તેણે જામનગરની અદાલતમાં જમા કરાવ્યો હોય તો તેણે બીજો પાસપોર્ટ કેવી રીતે મુંબઈ અદાલતમાં જમા કરાવ્યો? તેવો પ્રશ્ન ઉઠવાની સાથે આ શખ્સ ફરીથી ભારતમાં આવ્યો હોવાની પણ એક આશંકા ઉભી થઈ છે ત્યારે પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.