ડિસક્વોલીફીકેશન સામે વશરામ સાગઠિયાએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા

આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા હાઇકોર્ટમાં સોંગદનામું દાખલ: અદાલત સ્ટે નહિ આપે તો પણ વિધાનસભાની ચૂંટણી લડી શકશે

કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં.15માંથી કોંગ્રેસના પ્રતિક પરથી નગરસેવક તરીકે ચૂંટાયા બાદ નિયમ મુજબ કોર્પોરેટર પદેથી રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લેનાર વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને શહેરી વિકાસ વિભાગ દ્વારા કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જેની સામે સાગઠીયાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ડિસક્વોલીફીકેશન સામે અદાલતમાં સોંગદનામું રજૂ કરવામાં આવ્યું છે.

આ અંગે ‘અબતક’ સાથેની વાતચિત દરમિયાન પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરી વિકાસ વિભાગ દ્વારા જે હુકમ કરવામાં આવ્યો છે તેની સામે મેં આજે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આમ આદમી પાર્ટીની લીગલ ટીમના એડવોકેટ દ્વારા આજે હાઇકોર્ટમાં સોંગદનામું દાખલ કરવામાં આવશે. જો આગામી દિવસોમાં ડિસક્વોલીફીકેશન સામે હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં નહી આવે તો પણ હું વિધાનસભાની ચૂંટણી લડી શકીશ. જો તમે અપરાધીક ગુનામાં આરોપી સાબિત થયા હોય અને તમને જનપ્રતિનિધિ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોય તેવા કેસમાં વ્યક્તિ 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકતો નથી. મને પક્ષ પલ્ટાના કેસમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યો હોવાના કારણે મારી જાણમાં છે ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે લાયક છું.