Abtak Media Google News

વિશ્વ હિન્દુ પરિષદની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય: સિધ્ધનાથ મહાદેવ, બાલા હનુમાન, શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ, ખીજડા મંદિરની માટી અને રણજીતસાગર ડેમ તથા લાખોટા તળાવનું જળ એકત્ર કરી પુજા અર્ચના કરી અયોધ્યા મોકલાશે

જામનગરમાં વિશ્વ હિંદુ પરિષદની જિલ્લા બેઠક મળી હતી. આ જિલ્લા બેઠકમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ જન્મભૂમિ મંદિરના પાયામાં દેશભરના પવિત્ર મંદિરો અને જળાશયોમાંથી જલ મોકલવા માટેના આયોજનમાં જામનગર જિલ્લામાંથી પણ ઐતિહાસિક અને પૌરાણિક જુદા જુદા ધર્મસ્થાનોની માટી અને પવિત્ર પૌરાણિક જળાશયોમાંથી જલ મોકલવા મોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના કાશીવિશ્વનાથ રોડ પર આવેલ જામરણજીતસિંહ છાત્રાલય (સંસ્કૃત પાઠશાળા) માં વિશ્વ હિન્દુ પરિષદની જિલ્લા બેઠક મળી હતી. કોરોનાના કહેર વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ અને સરકારની ગાઈડલાઈન્સ મુજબ આ બેઠકમાં જામનગર જિલ્લાના તમામ પ્રખંડથી લઈને વિભાગન અપેક્ષિત જવાબદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જિલ્લા બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી વિશાલભાઈ ખખ્ખર, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સહસંયોજક રવિરાજસિંહ જાડેજા દ્વારા ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત જામનગરના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ફલિયા પણ જોડાયા હતાં. આ બેઠકનું સંચાલન જિલ્લા મંત્રી ધર્મેશભાઈ ગોંડલિયાએ કર્યું હતું. માતૃશક્તિ મહિલા વિભાગના જિલ્લા સંયોજકા નિમિષાબેન ત્રિવેદીએ મહિલા પ્રકલ્પોની માહિતી આપી હતી. આ ઉપરાંત જિલ્લા બજરંગ દળના પ્રિતમસિંહ વાળા, સમરસતા સંયોજક જીવરાજભાઈ કબીરા, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલિયા દ્વારા આગામી કાર્યક્રમો અંગે વિચારરજૂ કરાયા હતાં.

વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર-પ્રસાર વિભાગના જિલ્લા પ્રેસ-મીડિયા સંયોજક કિંજલભાઈ કારસરિયાએ આગામી કાર્યક્રમ અંગેની વ્યવસ્થા અંગે ચર્ચા-વિચારણા કરી સફળ બનાવવા સૂચનો આપ્યા હતાં. આ ઉપરાંત જિલ્લા બેઠકમાં બજરંગ દળના શહેર સંયોજક વિમલભાઈ જોષી, બજરંગ દળ શહેર સહસંયોજક અવિભાઈ કોટેચા, પ્રફુલ્લભાઈ ચૌહાણ, કમલેશભાઈ બગલ સહિતના હોદ્દેદારો અને પ્રખંડના પ્રતિનિધિત્વ કરવા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ જન્મ ભૂમિ પરના ભવ્ય રામમદિર નિર્માણમાં જામનગર જિલ્લામાં આગામી તા. ર૬ જૂન સુધી દરેક પ્રખંડોમાંથી ઐતિહાસિક મંદિરોની માટી અને પૌરાણિક જળાશયોમાંથી જળ એકત્રિકરણ કરી મોકલવામાં આવનાર છે. જામનગરમાંથી સિદ્ધનાથ મહાદેવ મંદિર, વિશ્વ વિખ્યાત બાલા હનુમાજી મંદિર તેમજ કૃષ્ણ પ્રણામી ધર્મની આદ્ય પીઠ  પ નવતનપુરી ધામ ખીજડા મંદિરની માટી અને જામનગરના રાજાશાહી વખતના રણજીતસાગર ડેમ અને રણમલ (લાખોટા) તળાવમાંથી જલ એકત્રિકરણ કરી તારીખ ર૬ ના શુક્રવારે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં બાલા હનુમાજી મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લામાંથી તમામ ધાર્મિક સ્થાનોમાંથી એકત્ર થયેલ માટી અને જળાશયોના જળનું પૂજન-અર્ચન કરી અયોધ્યામાં નિર્માણ પામી રહેલા  રામ જન્મભૂમિ મંદિર માટે સૌરાષ્ટ્ર પ્રાંતમાં રવાના કરાશે. જિલ્લા બેઠકમાં રામ જન્મભૂમિ પર નિર્માણ પામી રહેલા મંદિરમાં છોટીકાશી ગણાતા જામનગરના ઐતિહાસિક મંદિરો અને જળાશયોમાંથી માટી અને જળ એકત્ર કરવા ઉપરાંત આગામી સમયમાં આવનાર કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી. બેઠકમાં જામનગર જિલ્લામાં પ્રખંડ કરાયેલા કાર્યક્રમોની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.