Abtak Media Google News

ચોમાસા પહેલાં રાજયમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે માટે તળાવો ઉંડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ તથા રીપેરીંગ, હયાત જળાશયોનું ડીસીલ્ટીંગ, તળાવોના પાળા, વેસ્ટવિયરનું મજબૂતીકરણ, હયાત નહેરોની સાફસફાઇ મરામત જાળવણી, નદી, વોકળા, કાંસ, ગટરની સાફસફાઇ અને નદી પુન:જીવીત કરવી વગેરે કામો લોકભાગીદારીથી કરવા રાજ્ય સરકારે એપ્રિલ અને  મેં માસથી દસ જુન 2021 દરમ્યાન  સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરેલુ.  જેમાં કચ્છમાં સુજલામ સુફલામ જળ અભિયાન-2021 હેઠળ 1364 પૈકી 842 કામો થકી 62 ટકા કામગીરી થઇ  છે.

કુલ 1624 કરોડ લીટર જેટલો પાણીની સંગ્રહશક્તિમાં વધારો થશે : મંત્રી વાસણભાઇ આહિર

અંજાર તાલુકાના ખેડોય ગામે ખારૂ તળાવ ઉંડુ ઉતારવાના કામ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનનું કરાયું ખાતમુર્હૂત

ક્ચ્છના અંજાર તાલુકાના ખેડોઇ ગામે ખારું તળાવ ઊંડું ઉતારવાનાં કામ સાથે જિલ્લામાં સુજલામ-સુફલામ જળ અભિયાનનાં ચોથા તબક્કાનો રાજયમંત્રી વાસણભાઇ આહિર દ્વારા ખાતમૂહૂર્ત કરી શુભારંભ કરાવાયો હતો. આ તકે વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં વધુમાં વધુ પાણીના સંગ્રહ થાય અને સંગ્રહ શકિત વધે તે માટે જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-2021 અંતર્ગત વિવિધ કામો મંજુર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં કુલ 1624 કરોડ લીટર જેટલો પાણીની સંગ્રહ શકિતમાં વધારો થશે. જેનો લાભ પાણી પીવા માટે  પશુ-પક્ષીઓ તેમજ જમીનમાં પાણીના તળ ઉંચા લાવવા માટે અને સિંચાઇ માટે પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે થશે.

જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. એ સુજલામ સુફલામ જળ અભિયાન-2021 અંગે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા માટે પાણીનું મૂલ્ય ખુબ જ વધુ છે અને આ જળ અભિયાન-2021 દ્વારા વધુમાં વધુ પાણી સંગ્રહ થાય તે માટે લોકોના સહકારની જે  અપેક્ષા રાખી હતી તે આ કામોમાં જોવા મળી છે.

ભુજ તાલુકામાં સુખપર ગામે ખારા ડેમ ખાતે માટી ખોદકામ પ્રારંભ કરાવતા ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય જણાવે છે કે, દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ભુજના રકાબી જેવા ભૌગોલિક આકારમાં જળ સંચય થાય તે માટે હયાત તળાવોને ઊંડા કરીએ છીએ અને બીજા અનેક તળાવો પણ ઊંડા કરાવીએ છીએ .આ વર્ષે 60 જેટલા તળાવો મંજૂર કર્યા છે.

સામત્રાના વતની અને હાલ નેરોબીના ઉદ્યોગપતિ કે .કે .પટેલ ગામમાં જ ગામનું પાણી રહે અને બારેમાસ પાણી ભરેલા રહે એ માટે 17 થી 18 તળાવોના લિન્કિંગ ની કામગીરી માટે રૂપિયા એક કરોડ જેટલું માતબર યોગદાન આપી સરકારના સુજલામ સુફલામ અભિયાનને સાર્થક કરવામાં મજબૂત ટેકો આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.