1 એપ્રિલથી નવા નળ જોડાણમાં વોટર મીટર ફરજિયાત

અબતક – રાજકોટ

રાજકોટવાસીઓને 24 કલાક પાણી મળી રહે તે દિશામાં મહાપાલિકા દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. વોટર વર્ક્સ શાખા દ્વારા અલગ-અલગ 31 મુદાઓને આવરી લેતી વોટર મીટર પોલીસી તૈયાર કરવામાં આવી છે. જેમાં નવા નાણાંકીય વર્ષ અર્થાત 1 એપ્રિલથી તમામ પ્રકારના અને સાઇઝના નળ જોડાણમાં વોટર મીટર લગાવવો ફરજીયાત કરી દેવામાં આવશે.

આગામી 1 એપ્રિલથી તમામ પ્રકારના નળ જોડાણ કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, સંસ્થાકીય વિગેરે વોટર મીટર મહાપાલિકાના માન્ય કોન્ટ્રાક્ટર, લાયસન્સ પ્લમ્બર મારફત ફરજીયાતપણે લગાડવાના રહેશે. ટાંકીના કમાન્ડ વિસ્તારમાં વોટર મીટર પોલીસી પ્રમાણે પાણી પુરવઠો પુરો પાડવાની યોજના કાર્યરત કરવામાં આવે તે તારીખ બાદ તમામ નવિન કનેક્શન માટે મીટર ખરીદી, મીટર ફિક્સીંગ ચાર્જ, મીટર બોક્સ ચાર્જ કે મીટરને આનુસાંગીક તમામ ખર્ચ ગ્રાહક, વપરાશકર્તા પાસેથી નિયત કરેલ લાગત મુજબ વસૂલાત કરવામાં આવશે. નક્કી થયેલ નિયમ લાગતો, નિયત ચાર્જ ભર્યાની પાવતી રજૂ કર્યેથી કનેક્શનના નંબર મીટરથી આપેલ હોય તે અંગે માહિતી અલગથી મળે તે માટે અલગ કોડ સાઇઝ સહ નંબર આપવાનો રહેશે. ઓનલાઇન એસેસમેન્ટ રજીસ્ટરે એન્ટ્રી થયેલ હોવાની ખાતરી કર્યા બાદ દિવસ-15માં મીટર બેસાડી આપવામાં આવશે.

અડધા ઇંચ કે તેથી ઉપરની સાઇઝના તમામ કનેક્શનો જેમાં મીટર લગાડેલ ન હોય તેવા તમામ કનેક્શનો પર જ્યાં સુધી મીટર લગાવવામાં ન આવે ત્યાં સુધી ચાલુ વર્ષના બજેટમાં સમગ્ર સભાએ મંજૂર કરેલ કર દર મુજબ મીનીમમ યુઝર ચાર્જ વસૂલવાના રહેશે. વોટર મીટરને કોઇપણ પ્રકારનું ટેમ્પરીંગ નુકશાન વિગેરેની જાણ થયેથી મીટર ધારક પાસેથી નવિન મીટર ખરીદી, ફિક્સીંગની બે ગણી રકમ દંડ તરીકે વસૂલાત કરવામાં આવશે.

નળ કનેક્શન પર લગાવવામાં આવેલ વોટર મીટર બંધ હોવા અંગેની જાણ જે તે મકાન માલીકે દિવસ-3માં રાજકોટ મહાનગપાલિકાનાં 24 ક્ધટ્રોલ રૂમનાં ફોન નં.0281-247077 ઉપર જાણ કરવાની રહેશે.

જે તે કનેક્શન ધારક દ્વારા મીટર સાથે ચેડા કરવામાં આવશે કે મીટર બંધ હશે તે અંગેની જાણ નિયત સમય મર્યાદામાં કરવામાં નહીં આવે તેવા કિસ્સામાં વસૂલાત ઉપરાંત મીટર બંધ રહે તે દરમ્યાનના સમયનો પાણી વેરો મુજબ આકારવામાં આવશે. રહેણાંક યુનિટને અડધાનું કનેક્શન નિયમ મુજબ લાગત વસૂલ કરી વોર્ડ, ઝોન કક્ષાએથી આપવામાં આવશે.