Abtak Media Google News

કોંગ્રેસ અગ્રણીએ પાણીની ટાંકીઓ ભરવાની કામગીરીમાં ગેરરીતિ થયાના આક્ષેપો સાથે કમિશનરને કરી લેખિત રજુઆત

જુનાગઢ મનપા વર્ષ ૨૦૧૮માં શહેરના ૧ થી ૨૦ વોર્ડમાં ટેન્કર મારફતે મુકાયેલી પાણીની ટાંકીઓ ભરી આપવાનો કોન્ટ્રાકટ અપાયેલ હતો. આ મામલે ખોટા બીલો ઉધારાયા હોવાના આક્ષેપો વોર્ડ નં.૧૯ના કોર્પોરેટર અરજણભાઈ કારાવદરા તેમજ દલિત અગ્રણી ધર્મેશ પરમાર દ્વારા કરાયા હતા. સાથે સાથે કમિશનર કચેરી સામે ગઈકાલે સુત્રોચ્ચાર તેમજ ધરણા કરી રોષ વ્યકત કરાયો હતો. તદઉપરાંત કમિશનરને આ બાબતે લેખિત રજુઆત પણ કરવામાં આવી હતી.

આ અંગે વિસ્તૃત વિગતો અનુસાર જુનાગઢ મનપા દ્વારા વર્ષ ૨૦૧૮માં ટેન્કર મારફતે શહેરના ૧ થી ૨૦ વોર્ડમાં પાણી પુરુ પાડવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાકટ દ્વારા ઉનાળા શબબ મુકેલી ૩૨૩ ટાંકીઓમાં ખોટા બિલ મુકી કરોડોનું કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બુધવારે ધર્મેશ પરમાર અને વોર્ડ નં.૧૯ના કોર્પોરેટર અરજણભાઈ કારાવદરાની આગેવાનીમાં વોર્ડની મહિલાઓએ પાણી પ્રશ્ને કમિશનર કચેરી ખાતે ધરણા અને સુત્રોચ્ચાર કર્યા હતા. કરોડો રૂપિયાના બીલ ઉઘારાવાય છે છતાં પાણી મળતું ન હોય પાણી આપવાની માંગ સાથે ભારે રોષભેર જણાવાયું હતું કે, વોર્ડ નં.૧૯માં કોન્ટ્રાકટર દ્વારા પાણી વિતરણ કરવામાં આવતું નથી. બાદમાં ધર્મેશ પરમારે કમિશનર પ્રકાશ સોલંકીને મળી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ટેન્કર દ્વારા પાણી વિતરણમાં ૧.૮૩ કરોડની રકમનું કૌભાંડ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટરે દર ૫ દિવસે ટેન્કરના ૧૦૦૦ ફેરા દર્શાવ્યા છે અને તે પ્રમાણે મનપા દ્વારા કાર્યાલય આદેશ કરી નાણા પણ ચુકવી દીધા છે. ૫ દિવસમાં ૧૦૦૦ ટેન્કરના ફેરા થવા શક નથી માટે આ બાબતે તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા માંગ કરવામાં આવી છે. આ બાબતે કમિશનરે પણ જવાબદારો સામે જો ખરેખર ખોટુ થયું હશે તો ચોકકસ પગલા લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.