Abtak Media Google News

રાજકોટના ઢાંઢીયા ગામે ઉંડુ કરાયેલુ ખળખળીયુ તળાવ વરસાદી નીરથી ભરાયું

રાજ્ય સરકારે હાથ ધરેલા જલ સંચય અભિયાનની સાથે રાજકોટ જિલ્લામાં મનરેગાના કનર્વઝનના કામો હાથ ધરાયા હતાં,અને ગામેગામ શ્રમિકોને રોજગારીની સાથે ગામ-સિમ તળાવો ઊંડા ઉતારવા, જળ સંચયના સુંદર કર્યો થયા હતા. તેવા સમયે મેઘરાજાએ મહેર થતાં રાજકોટ જિલ્લામાં  ઊંડા ઉતારેલા ગામ તળાવો, સિમ તળાવો વરસાદી પાણીથી ભરવા લાગ્યા છેઅને શ્રમિકોના શ્રમરૂપી પરસેવા થકી પાણીથી છલોછલ ભરાયેલા આ તળાવો પારસમણિ બની ગ્રામજનો માટે આશીર્વાદરૂપ બન્યા છે.

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત મનરેગા કનર્વઝન સાથે તળાવો અને ખેત તલાવડી ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી છે. મનરેગા યોજના હેઠળ રાજકોટ તાલુકાના ઢાંઢીયા ગામે લોકડાઉન દરમ્યાન ૪૧૩૮ માનવ દિન કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી. આ ગામ પાસે આવેલ ખળખળીયુ તળાવ ઉંડુ ઉતારવામાં આવ્યું.  કુલ ૨૫૬૩ ઘનમીટર માટી કાઢવામાં આવી. હજુ મહિના દિવસ પહેલા આ તળાવ કોરું ધાકડ હતું જે હાલમાં જ પડેલ વરસાદથી ભરાયું.

ઢાંઢીયા ગામના સરપંચ ધુળાભાઈ બોળીયા જણાવે છે કે, તળાવમાં પાણી ભરાતા હવે આસપાસના ખેતરમાં કૂવાના તળ ઉંચા આવવા લાગ્યા છે, તો માલધારીઓ માટે પણ સારા સમાચાર છે. માલઢોરને હવે પાણી સાથોસાથ ઘાસચારો પણ નજીકમાં મળી રહેશે. મનરેગા યોજનાથી અમારા ગામના અનેક શ્રમિકોને લોડાઉન દરમ્યાન રોજગારી થકી આર્થિક સધિયારો મળ્યો જે નફામાં છે.

આવું જ કંઈક કહેવાનું થાય છે શ્રમિક કેશુભાઈ અઘેરાનું. કેશુભાઈ કહે છે, આમ તો હવે અમે નિવૃત જેવા જ છીએ. લોકડાઉનમાં મનરેગા યોજનાથી તળાવ ઊંડું કરવા લાગ્યા. ત્રણ અઠવાડિયા તળાવ ઊંડું ઉતારવાનું કામ કર્યું. દર અઠવાડીયે પૈસા પણ મળી જતા. ઘરખર્ચમાં ઘણો લાભ થયો. હવે આ જ તળાવ ભરાઈ જતા બહુ હરખ થાય છે, કે અમારી મહેનત લેખે લાગી. પાણી ભરાતા અમને સૌ ગામવાળાને ઘણો ફાયદો થશે. અમે આ માટે સરકારનો આભાર માનીયે છીએ.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ કહે છે કે, રાજકોટ તાલુકાના અનેક તળાવો ભરવા લાગ્યા છે, હજુ ચોમાસુ બે મહિના જેટલું ચાલશે ત્યારે વરસાદની પાણીની આવકથી આ ઊંડા ઉતારાયેલા તળાવોનું પાણી ખાસ કરીને પીવામાં અને ખેડૂતોને પાક લેવામાં ચોક્કસ મદદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.