Abtak Media Google News

રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે પાઇપલાઇનના વાલ્વમાં ભંગાણ સર્જાવાને કારણે વોર્ડ નં.8, 9 અને 10માં એક કલાક વિતરણ મોડું કરાતા દેકારો

જળાશયો સતત છલકાઇ રહ્યા છે છતાં રાજકોટમાં પાણીના ધાંધિયા રોજીંદા બની ગયા છે. ગઇકાલે મોડી રાત્રે શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલા પાણીના ટાંકા નજીક 500 એમએમની પાણીની લાઇનનો વાલ્વમાં ભંગાણ સર્જાવાને કારણે આજે ત્રણ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જવા પામી છે. વોર્ડ નં.8, 9 અને 10માં એક કલાક મોડું પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે પાણીની પાઇપલાઇનનો વાલ્વ છાશવારે ભાંગે છે જેના કારણે વારંવાર વિતરણમાં વિક્ષેપ પડે છે. ગઇકાલે વધુ એક વખત વાલ્વમાં ભંગાણ પડ્યું હતું. દરમિયાન વાલ્વ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવતા આજે ન્યૂ રાજકોટમાં વોર્ડ નં.8ના અમૂક વિસ્તાર, વોર્ડ નં.9 આખો અને વોર્ડ નં.10ના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાઇ જવા પામ્યું હતું. જેના કારણે લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. શહેરની જળજરૂરિયાત સંતોષતા તમામ જળાશયો હાલ સતત ઓવરફ્લો થઇ રહ્યા છે. છતાં શહેરીજનોના નશીબમાં પાણીનું સુખ લખાયું ન હોય તેવું લાગી રહ્યું છે. છાશવારે એકીયા-બીજા કારણોસર શહેરમાં પાણીના ધાંધીયા સર્જાઇ છે.

મેઘરાજાએ અવિરત મહેર ઉતારતા ન્યારી ડેમ છેલ્લા એક પખવાડીયાથી ઓવરફ્લો થઇ રહ્યો છે. દરમિયાન પાણીની આવક ઘટતા હવે આજે સવારથી ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સિંચાઇ વિભાગના નિયમ મુજબ રૂલ લેવલ જાળવવા માટે ડેમના દરવાજા ખૂલ્લા રાખવામાં આવ્યા છે. હવે 1લી ઓક્ટોબરે ડેમ પૂર્ણ ક્ષમતાથી ભરી શકાય તેવો નિયમ હોય ડેમના દરવાજા બંધ કરી પાણી સંગ્રહિત કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.