Abtak Media Google News

ઢાંકીથી હડાળા જતી નર્મદાની પાઈપલાઈનમાંથી પાણી ચોરી કરી સીંચાઈ માટે ઉપયોગ કરાતો હતો

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલ અને પાઈપલાઈનમાંથી પાણીચોરીના બનાવો સામે આવતા તંત્ર સતર્ક બન્યુ છે.જેમાં લાઈનમેનની ટીમ દ્વારા તપાસ કરાતા મૂળી તાલુકાના ખાટડી, રામપરડા અને દાણાવાડા ગામની સીમમાં 9 સ્થળે વાલ્વમાંથી પાણીચોરી કરાતી હોવાનું બહાર આવ્યુ હતુ. આથી સિંચાઈ માટે પાણી લેતા 9 ખેડૂતો સામે મૂળી પોલીસ મથકે પાણીચોરીની ફરીયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે ઢાંકીમાં સરદાર સરોવર સીંચાઈ યોજના દ્વારા એશિયાનું સૌથી મોટી પમ્પીંગ સ્ટેશન બનાવાયુ છે. જેમાં ઢાંકીથી સુરેન્દ્રનગર, મૂળી, ચોટીલા થઈ રાજકોટ, ઢાંકીથી ધ્રાંગધ્રા, હળવદ, માળીયા થઈ અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન દ્વારા રાજકોટ, જામનગર, દેવભુમી દ્વારકા, પોરબંદર, મોરબી સહીતના જિલ્લાઓમાં 21 શહેરો અને 1200 થી વધુ ગામોને પીવાનું પાણી પહોંચે છે. હાલ ઉનાળાના સમયે પાણીની તંગી ન સર્જાય તે માટે અન્ય જિલ્લામાં જતા પાણીની ચોરી થતી હોવાની વિગતો અવારનવાર બહાર આવે છે. જેમાં અગાઉ થાન અને મૂળી તાલુકાના ખેડૂતો સામે પાણીચોરીની ફરીયાદ નોંધાઈ ચુકી છે. ત્યારે ઢાંકીથી હડાળા જતી પાઈપલાઈનમાં મુકવામાં આવેલા વાલ્વમાંથી પાણીચોરી થતી હોવાની ફરિયાદ મળતા ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ એજન્સીના અધિકારીની સુચનાથી લાઈનમેન દ્વારા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં મૂળી તાલુકાના રામપરડા, ખાટડી અને દાણાવાડા ગામે એરવાલ્વમાંથી પાણી ચોરી સીંચાઈ માટે વાપરવામાં આવતુ હોવાની વિગતો બહાર આવી હતી.

આથી નર્મદાની પાઈપલાઈનના નીભાવ અને મરામતનું કામ કરતી ધરતી એન્જીનીયર્સ, અમદાવાદના ઈજનેર જયપાલ રમેશભાઈ બારડે મૂળી પોલીસ મથકે 9 ખેડૂતો સામે પાણીચોરીની ફરીયાદ નોંધાવી છે. જેમાં દાણાવાડાના ભીખાલાલ જગજીવનભાઈ, જીતેન્દ્ર દલપતભાઈ પારધી, રણછોડ મશરુભાઈ, ભાથાભાઈ મોહનભાઈ, ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, ખાટડીમાં મયુરભાઈ સંચાલીત ગૌશાળા, વનરાજસીંહ પ્રતાપસીંહ રાણા, જયદેવસીંહ પ્રવીણસીંહ રાણા, રામપરડાના પ્રતાપભાઈ હાથીભાઈ ભાંભળા સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.