Abtak Media Google News

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણેય શાખા નહેરમાં છેવાડા સુધી પાણી પહોંચાડવા માટે જિલ્લા કલેકટરના આદેશથી જુદી-જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી છે અને હાલમાં આ ટીમો દ્વારા નર્મદાની કેનાલો ઉપર સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેવામાં માળીયા શાખા નહેરમાં આવતા હળવદ તાલુકાના જુદા જુદા ગામની આસપાસમાંથી ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ પંપ દ્વારા પાણી ખેચતા ૪૮ જેટલા ખેડૂતોના વિજ કનેકશનો કાપી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ૪૦થી વધુ ડીઝલ પમ્પિંગ મશીનોને પણ બંધ કરાવવામાં આવ્યા છે.

 નર્મદાની માળીયા કેનાલમાંથી ખેડૂતો સિંચાઈ માટે પાણી મેળવી શકે અને તેઓના ખેતરની અંદર મુરઝાતા મોલને બચાવી શકે તે માટે થઈને સરકાર દ્વારા હાલમાં નર્મદા કેનાલની અંદર સિંચાઇ માટેનું પાણી છોડવામાં આવેલ છે. પરંતુ આ કેનાલના છેવાડાના વિસ્તારના ગામો સુધી હજુ પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. જેથી કરીને છેવાડાના વિસ્તારના ખેડૂતોને પણ સિંચાઈના પાણીનો લાભ મળે તે માટે કેનાલમાંથી ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ પંપ તેમજ બકનળી દ્વારા પાણી ખેચતા ખેડૂતોને અનેક વખત અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવ્યા હતા. પરંતુ ખેડૂતો દ્વારા ગેરકાયદે પાણી ઉપાડવાની પ્રવૃત્તિને બંધ કરવામાં આવતી ન હતી. જેથી કરીને ગઈ કાલે માળીયા બ્રાન્ચ કેનાલમાં આવતા હળવદ અને ઘનશ્યામ ગઢ ગામની આસપાસના કુલ મળીને ૧૯ જેટલા ખેડૂતોની સામે કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડવા બાબતે તેમજ કેનાલમાં નુકસાન કરવા બાબતે ગુનો નોંધાયો હતો.

દરમિયાન કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડવાની પ્રવૃત્તિને ડામી દેવા માટે આજથી નર્મદા વિભાગ, વીજ કંપની, રેવન્યુ, પોલીસ તેમજ પાણી પુરવઠા વિભાગની ટીમો બનાવીને કેનાલ ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને નર્મદાના નાયબ ઈજનેર સાગરભાઈ ભાણવડીયા, વીજ કંપનીના નાયબ ઈજનેર ડી.આર.પરમાર, નાયબ ઈજનેર અલ્કેશભાઈ પટેલ, સર્કલ ઓફિસર જે.એસ.ઝાલા સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને આજે પ્રથમ દિવસે જ હળવદ તાલુકાના ઇસનપુર, નવા અમરાપર, એંજાર, માલણીયાદ, બોરડી સહિતના ગામની આસપાસમાંથી પસાર થતી કેનાલમાંથી ઇલેક્ટ્રિકલ સબમર્સીબલ પંપ મારફતે પાણી ખેંચતા ૪૮ જેટલા ખેડુતોના વિજ કનેકશનોને કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કેનાલ કાંઠે વિરુધ સાઈડમાં મુકવામાં આવેલા ૪૦ જેટલા મશીનોને પણ બંધ કરાવવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માળીયા તાલુકામાં આ વર્ષે પણ ચોમાસા દરમિયાન હજુ સુધીમાં સંતોષકારક વરસાદ પડ્યો નથી અને જે ખેડૂતો દ્વારા કપાસ મગફળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તેને સિંચાઇ માટેનું પાણી કેનાલમાંથી ન મળવાના કારણે આ પાક નિષ્ફળ જાય તેમ હતો. જેથી કરીને જિલ્લા કલેકટરને માળીયા તાલુકાના જુદા જુદા ૧૩થી વધુ ગામના ખેડૂત આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ કેનાલના છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહે તેના માટે થઈને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા જુદા-જુદા પાંચ વિભાગોનું સંકલન કરીને ચેકિંગ માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા હાલમાં નર્મદાની માળીયા કેનાલ ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે ખેડૂતો ગેરકાયદેસર કેનાલમાંથી પાણી ઉપાડતા હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેના કનેકશનો કટ કરી નાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.