- એપ્રિલ- મે માસ દરમિયાન કેનાલ રિપેરીંગ સબબ રાજકોટને નર્મદાના નીર બે માસ સુધી મળવાના ન હોય શહેરીજનોને ચોમાસા સુધી નિયમિત પાણી આપવા કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ વિકલ્પો શોધવાનું શરૂ કર્યું
- આજી અને ન્યારી ડેમને માર્ચ અંત સુધીમાં છલકાવી દેવાશે: પાઇપલાઇનની જે 135 એમએલડીની ઘટ્ટ પડશે તેના માટે જીડબલ્યૂઆઇએલને અલગ-અલગ વિકલ્પો અપાશે: ટૂંક સમયમાં પદાધિકારીઓ પાણી પૂરવઠા મંત્રીને મળી કરશે યોગ્ય રજૂઆત
રાજકોટ શહેરની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યો છે. જેની સામે હયાત જળસ્ત્રોતમાં કોઇપણ પ્રકારનો વધારો થયો નથી. આજે 20 લાખની વસતી સંપૂર્ણપણે નર્મદાના નીર પર નભી રહી છે. તેમ કહેવામાં આવે તો પણ જરા અતિશ્યોક્તિ નથી. ચોમાસાની સિઝનમાં શહેરની જળ જરૂરિયાત સંતોષતા તમામ જળાશયો છલકાઇ જાય છે પરંતુ ત્રણ મહિનામાં ફરી ખાલી થઇ જતા હોય વર્ષમાં ત્રણ-ત્રણ વખત ડેમને નર્મદાના નીર ભરવાના ફરજ પડે છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા આગામી 1 એપ્રિલથી 31 મે સુધી એમ સળંગ બે મહિના કેનાલ રિપેરીંગની કામગીરી હાથ ધરવાની હોય રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નર્મદાના નીર આપવાનું બંધ કરી દેવામાં આવશે. સંભવિત: જળ આફતને ખાળવા માટે કોર્પોરેશન દ્વારા પાણીદાર પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. આજી ડેમને છલોછલ ભરી દેવા માટે શનિવારથી ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેરમાં દૈનિક 20 મિનિટ પાણી આપવા માટે રોજ સરેરાશ 430 એમએલડી પાણીની આવશ્યકતા રહે છે. જે પૈકી 35 એમએલડી પાણી લાઇન લોસમાં વેડફાઇ જાય છે. જ્યારે 395 એમએલડી પાણીનું નળ વાટે વિતરણ કરવામાં આવે છે. આજી ડેમમાંથી રોજ 130 એમએલડી, ન્યારી ડેમમાંથી રોજ 140 એમએલડી, ભાદર ડેમમાંથી રોજ 35 એમએલડી પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જ્યારે બાકીનું 135 એમએલડી પાણી નર્મદાની પાઇપલાઇન મારફત ન્યારા અને બેડી હેડવર્ક્સ ખાતે લેવામાં આવે છે. હાલ ન્યારી ડેમમાં 760 એમસીએફટી જળ જથ્થો સંગ્રહિત છે. જે 31 મે સુધી ચાલે તેમ છે. જ્યારે ન્યારી ડેમમાં 1050 એમસીએફટી પાણી ભરેલું છે. જે 30 જૂન સુધી ચાલે તેમ છે. ચોમાસાની સિઝન પૂર્ણ થયા બાદ કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખા દ્વારા આખું વર્ષ શહેરીજનોને નિયમિત નળ વાટે 20 મિનિટ પાણી આપવા માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં તબક્કાવાર 1800 એમસીએફટી અને ન્યારી ડેમમાં 700 એમસીએફટી પાણી ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. જેને સરકારે મંજૂરી પણ આપી દીધી હતી. પ્રથમ તબક્કે આજીમાં 500 એમસીએફટી અને ન્યારી ડેમમાં 550 એમસીએફટી પાણી ઠાલવી દેવામાં આવ્યું છે.
આગામી એપ્રિલ અને મે માસમાં કેનાલ મેઇન્ટેનન્સની કામગીરી સબબ રાજકોટને નર્મદાના નીર મળવાના નથી. જેને ધ્યાનમાં રાખી ગત શનિવારથી આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. 31મી માર્ચ સુધી આજી પર નર્મદાનું પાણી લેવામાં આવશે. ડેમને ફૂલ ભરી દેવામાં આવશે. સાથોસાથ દૈનિક ઉપાડ માટે ડેમમાંથી ઉપાડવાના બદલે નર્મદાનું પાણી લઇ વિતરણ કરવામાં આવશે. ટૂંક સમયમાં ન્યારી ડેમમાં પણ નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવશે. કેનાલ રિપેરીંગના કારણે બે મહિના પાણી બંધ રહે તે પૂર્વે બંને ડેમને છલોછલ ભરી દેવાશે. સૌથી મોટી ચિંતાએ વાતની છે કે રાજકોટને 135 એમએલડી પાણી પાઇપલાઇન મારફત બેડી અને ન્યારા પમ્પીંગ સ્ટેશન ખાતે મળી રહ્યું છે. તે બંધ થઇ જશે તો વિતરણ વ્યવસ્થા પર ખૂબ જ મોટી અસર પડે તેવી શક્યતા છે. બે મહિના સુધી રોજ અલગ-અલગ ઝોન અને વોર્ડમાં પાણીકાંપ મુકવો પડે તેવી સ્થિતિ પણ ઉભી થવાની શક્યતા છે. સંભવિત: જળ આફતને ખાળવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા પાણીદાર પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નર્મદાના જે 135 એમએલડી જળ પાઇપલાઇન મારફત આપવામાં આવે છે. તે લાઇનનું જોડાણ કેનાલમાં કરવામાં આવ્યું છે. બીજી તરફ આ પાઇપલાઇન ધોળીધજા ડેમ સુધી બિછાવવામાં આવી છે. જો ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીમીટેડ દ્વારા પમ્પીંગ મશિનરીની વધારાની સુવિધા ઉભી કરવામાં આવે તો રાજકોટને જે 135 એમએલડી પાણીની ઘટ્ટ પડવાની છે. તેમાં મોટી રાહત મળી શકે તેમ છે.
આ વિકલ્પ કોર્પોરેશન દ્વારા જીડબલ્યૂઆઇએલને આપી દેવામાં આવ્યો છે. સતત બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચુંટણી વર્ષમાં ઉનાળાના આકરા દિવસોમાં સતત બે મહિના સુધી રાજકોટે જળ સંકટનો સામનો કરવો ન પડે અને પાણીકાંપ પણ મુકવો ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના પાંચેય મુખ્ય પદાધિકારીઓ ઉપરાંત વોટર વર્ક્સ સમિતિના ચેરમેન અને શહેર ભાજપના હોદ્ેદારો રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલને સાથે રાખી સંભવિત: જળ સંકટ અંગે રાજ્ય સરકારના પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાને રજૂઆત કરી તમામ વિકલ્પો રજૂ કરી દેશે. જરૂર જણાશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પણ રૂબરૂ મળી પૂરી પ્રક્રિયાથી જાણ કરવામાં આવશે. એપ્રિલ અને મે માસમાં શહેરીજનો પર નર્મદાના નીરના અભાવે પાણીકાંપ ન મુકવો પડે તે માટે તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.