હમ તૈયાર હે… કોવિડની સંભવિત લહેરને પહોંચી વળતા ભુજ તંત્ર સજજ

ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં ફરી એકવાર વૈશ્ર્વિક મહામારી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતને કોરોનાની સંભવિત લહેરમાંથી ઉગારી લેવા કેન્દ્ર અને રાજય સરકાર એલર્ટ બની ગઇ છે. આજે ગુજરાત સહિત દેશભરમાં તમામ કોવિદ હોસ્પિટલોમાં મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર દિલીપ રાણા, જિલ્લા વિકાસ અધિકારી, ભવ્ય વર્મા અને આરોગ્ય અધિકારી,ઓની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોકડ્રીલ દરમિયાન જી.કે.જનરલ હોસ્પિટલમાં સ્થિત ઓક્સિજન પ્લાન્ટ સહિત કોવિડ સારવારને લઈને ઉપલબ્ધ સુવિધાઓનો ખ્યાલ પદાધિકારી,ઓ અને અધિકારી,ઓએ મેળવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ, ટ્રેક અને ટીટ્રમેન્ટ(3T)ની સ્ટ્રેટેજી મુજબ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોરોના સામેની લડાઈમાં આરોગ્ય અધિકારી,ઓ પાસેથી સુવિધાઓની જાણકારી મેળવીને પદાધિકારી,ઓએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મોકડ્રીલમાં હોસ્પિટલની ક્ષમતા, ઓક્સિજન સુવિધા, બેડની ઉપલ્બધતા તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.

કોવિડ શંકાસ્પદ દર્દી જ્યારે હોસ્પિટલ પરિસરમાં પહોંચે ત્યારે કેવી રીતે તબક્કાવાર તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા અટેન્ડ કરવામાં આવશે તેની જાણકારી ડમી દર્દી દ્વારા ઉપસ્થિત સૌને આપવામાં આવી હતી. આ માટે હોસ્પિટલ પરિસરમાં ફ્લૂ ઓપિડી સ્ક્રીનિંગ એરિયા ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં કોવિડના શંકાસ્પદ દર્દીની તપાસ કરવામાં આવશે. થર્મલ ગન અને ઓક્સિજન લેવલની તપાસ બાદ જો જરૂર હોય તો દર્દીને કોવિડ ટેસ્ટ માટેના વિભાગમાં રિફર કરવામાં આવશે. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ પણ ઊભો કરાયો છે. આમ, શંકાસ્પદ દર્દી હોસ્પિટલ આવે ત્યારથી લઈને વેન્ટિલેટર સહિત સારવારની તમામ સુવિધાઓ વિશે મોકડ્રીલમાં માહિતી આપવામાં આવી હતી.

અગાઉની તૈયારીઓ કરતા નવી કઈ કઈ આરોગ્યવિભાગની માળખાકીય સુવિધાઓ ઊભી કરાઈ છે તેના વિશે જિલ્લા પંચાયતના પ્રમુખ, પારૂલબેન કારાએ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. ભુજના ધારાસભ્ય, કેશુભાઈ પટેલે ઉપસ્થિત આરોગ્ય અધિકારી,ઓને કોવિડ સારવારની જરૂરી સુવિધાઓમાં દર્દીઓને કોઈપણ જાતની મુશ્કેલી ના પડે તે સુનિશ્ચિત કરવાની સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી, ભવ્ય વર્માએ જિલ્લામાં તાજેતરમાં કઈ કઈ સુવિધાઓ આરોગ્ય વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી છે તેના વિશે ઉપસ્થિત સૌને જાણકારી આપી હતી. તેઓએ અનુરોધ કર્યો હતો કે જિલ્લામાં ઘરે ઘરે જઈને કોવિડ સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે તો લોકો આ ઝુંબેશમાં સહકાર આપે. આ મોકડ્રીલ દરમિયાન સીડીએમઓ, ડૉ.કશ્યપ બૂચ, ઈન્ચાર્જ સીડીએચઓ ડૉ.જે.એ.ખત્રી, ડૉ. જિજ્ઞાબેન ઉપાધ્યાય, જી.કે.ના ઓપરેશન્સ હેડ ડૉ.સુનિલ પેન્ઢાકર સહિત આરોગ્યવિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો.