Abtak Media Google News

કલેકટરને આત્મરક્ષણ માટે હથિયાર મંજુર કરવા પાંચ લાખ રૂપિયા આપ્યા હોવા છતાં હથિયારનું લાયસન્સ નામંજૂર થતાં સમગ્ર મામલો સામે આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ફરી એકવાર હથિયારના પરવાના અંગે વિવાદમાં સપડાયા છે. અગાઉ હથિયારના પરવાના માટે પાંચ લાખ રૂપિયા લીધા ની રાવ ઉઠી હતી. જે બાદ ફરી એકવાર હથિયારના પરવાના માટે રૂપિયા 5 લાખ અન્ય એક વ્યક્તિ પાસેથી ખંખેરી લીધા ની રાવ ઉઠી છે. આ મામલે ફરિયાદી દ્વારા અગાઉ ગાંધીનગર સચિવ ને પણ લેખિત રજૂઆત કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ કથળતી જઇ રહી છે ફાયરિંગ લૂંટફાટના બનાવની સંખ્યામાં નોંધપાત્ર રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયાર પરવાના આપવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોને હથિયારના લાઇસન્સ આપી દેવામાં આવ્યા હોવાના કારણે જિલ્લામાં અવારનવાર ફાયરીંગની ઘટના બની રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ હથિયારોના લાયસન્સ આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના યુવક અને હાલ અમદાવાદમાં ધંધાકીય પેઢી ચલાવતા યુવક એ સુરેન્દ્ર નગર જિલ્લા કલેકટર કચેરી ખાતે એક હજાર રૂપિયા ચલણ ભરી અને હથિયારનું લાયસન્સ માંગવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા આ લાઇસન્સ માંગનાર યુવકને રૂબરૂ બોલાવી અને પાંચ લાખ રૂપિયા ફંડમાં આપે ત્યારબાદ તેમને લાઇસન્સ આપવામાં આવશે તેવું લેખિતમાં રજૂઆત યુવક દ્વારા મુખ્યમંત્રી અને ગૃહ વિભાગમાં કરવામાં આવી છે ત્યારે યુવક દ્વારા જિલ્લા કલેક્ટરને પાંચ લાખ રૂપિયાનું ફંડ પણ આપ્યા હોવાનો આક્ષેપ યુવક દ્વારા કરવામાં આવ્યો છે તે છતાં પણ આ યુવકનું લાયસન્સ ના આવતા સમગ્ર મામલામાં ઘટસ્ફોટ થવા પામ્યો છે.

હાલ બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં અમરસંગભાઈ રાઠોડ નામના કુડલા ગામના વતની જેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમરસંગભાઈ રાઠોડે અબતક સાથેની વતચિતમાં આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેમણે હથિયારના પરવાના માટે અરજી કરી હતી. પરવાનો મંજુર થાય તે માટે જિલ્લા કલેકટરનો સંપર્ક કર્યો હતો. જિલ્લા કલેકટરે રૂ. 5 લાખની માંગણી કરી હતી. જેમાંથી એક લાખ રૂપિયા ચેક સ્વરુપે અને બાકીના 4 લાખ રૂપિયા રોકડ તેમના માણસને આપવા કહ્યું હતું. ફરિયાદીએ કુલ 5 લાખની ચુકવણી પણ કરી હતી. જે બાદ ફરિયાદીનો અભિપ્રાય તારીખ 27 જાન્યુઆરી 2020ના રોજ લેવામાં આવ્યો હતો અને આશરે 6 મહિના બાદ તા. 17 જુલાઈના રોજ તેમની અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી. આ અંગે ફરિયાદીએ કલેકટરને પૂછતાં તેમણે વાતને ફેરવી વ્યવસાય અંગે પૂછયું હતું અને ત્યારબાદ 3 કિલો તલનું તેલ તેમને માલિસ માટે આપવા કહ્યું હતું. 3 કિલો તેલ મેળવ્યા બાદ કલેકટરે ગાંધીનગર સચિવ પાસે અપીલ કરવાનું કહ્યું હતું અને હું પોતે તમને મદદ કરીશ તેવું પણ કહ્યું હતું. તેમ છતાં પણ લાયસન્સ મંજુર ન કર્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ હાલ કાયદાકીય લડત શરૂ કરી છે.

ત્યારે આ બાબતે અનેક પ્રકારના સવાલો સુરેન્દ્રનગર જિલ્લાની જનતામાં ચર્ચાઈ રહ્યા છે બીજી તરફ ચુડા ગામના યુવક અને હાલમાં અમદાવાદ ખાતે ધધો રોજગાર અને પેઢી ચલાવતા યુવકને પાસે ફંડ માં નાણાં લખાવી અને ત્યારબાદ હથિયાર પરવાનાનું લાયસન્સના આપવામાં આવતા સમગ્ર બાબત સામે આવવા પામી છે.

હથિયારના લાયસન્સ માટે તલનું તેલ આપવાનું?

હથિયારના લાયસન્સ માટે જિલ્લા કલેકટરે ફરિયાદી પાસે અગાઉ રૂ. 5 લાખ તો મેળવ્યા જ હતા.  તે બાદ ફરિયાદી પાસેથી કલેકટરે માલિસમાં વપરાતા તલના તેલની પણ માંગણી કરી હતી. જિલ્લા કલકેટરે ફરિયાદી અમરસંગભાઈ રાઠોડ પાસે 3 કિલો તલનું તેલ મંગાવ્યું હતું. આ બધું કરવા છતાં પણ હથીયારનું લાયસન્સ મંજુર કરવામાં આવ્યું ન હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.