Abtak Media Google News

વડોદરાના છાણી જકાતનાકા પાસે રાજકોટના વેપારીની પાર્ક કરેલી કારના કાચ તોડી રૂ.2 કરોડની કિંમતના 4 કિલો  સોનાના  ધરેણાની  ચોરી થતા સનસનાટી મચી ગઈ છે. ચોરીની ઘટના પોલીસને શંકાસ્પદ  જણાતા  જવેલર્સ માલિક,  કર્મચારી અને કાર ચાલકની અલગ અલગ  જગ્યાએ બેસાડી  પૂછપરછ હાથ ધરાય છે.

રાજકોટના એક જવેલર્સ કંપનીના મેનેજરને પાન – માવો ખાવાનું વ્યસન કરોડોમાં પડયું છે. વાત જાણે એમ છે કે, માર્કેટિંગ મેનેજર પોતની કારમાં 4 કિલો સોનુ મુકી પાન – માવો ખાવા ગયા અને પાછળથી કારમાંથી તસ્કરો 4 કિલો સોનુ ચોરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ વડોદરાના છાણી જકાતનાકા સર્કલ પાસે બન્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, કરોડોની કિંમતનું સોનુ ચોરાઈ ગયું હોવા છતાં સોની વેપારીએ હજુ સુધી ફરિયાદ દાખલ કરાવી નથી.

મળતી વિગત મુજબ એક જવેલર્સ કંપનીના માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતા રાજકોટના વિપુલભાઈ ધકાણ તેના સહકર્મી અને ડ્રાઇવર સાથે છેલ્લા 3-4 દિવસથી વડોદરા આવ્યા હતા. અહીં તેઓ પંચશીલ નામની હોટલમાં રોકાયા હતા. તેઓ રાજકોટથી સોનાના દાગીના લઇ વડોદરા શહેરના જ્વેલર્સમાં માર્કેટીંગ માટે આવ્યાં હતા. આજે સવારે 11 વિપુલભાઈ તેમની કાર નંબર જીજે – 03 – એલઆર – 7182 માં વડોદરાના છાણી જકાતનાકા સર્કલ પાસે આવ્યા હતા અને અહીં રોડની સાઈડમાં કાર પાર્ક કરી ત્રણેય પાન – માવો ખાવા ઉભા રહ્યા હતા. કારની ડીકીમાં સોનાના દાગીના હતા. કોઈને જાણે તેની જાણ હોય તેમ બાઇક પર આવેલા હેલ્મેટધારી બે શખ્સોએ કારની ડ્રાઇવર સાઇડનો કાંચ તોડી ડીકી ખોલી સોનાના ઝવેરાત ભરેલી બેગ તફડાવી ફરાર થઇ ગયા હતા. જોકે બુમાબુમ થતાં કાર માલિક વિપુલ ધકાણ સહિત આસાપાસની ખાણી-પીણીની લારીના સંચાલકો પણ દોડી આવ્યાં હતા.આ ઘટના બનતા મેનેજર દ્વારા પોલીસને આ બાબતે કોઇ જાણ કરવામાં આવી ન હતી. પરંતુ સાંજે મીડિયાના માધ્યમથી પોલીસના ઉચ્ચઅધિકારીઓને ઘટનાની જાણ થતાં સમગ્ર ઘટના સામે આવી હતી.

નજરે જોનાર લોકોનું કહેવું છે કે, બાઈક પર આવેલા એક શખ્સે હેલ્મેટ પહેરી હતી, જ્યારે બીજાનુ માથુ અને મોઢુ આખું ઢાંકેલુ હતુ. જેથી ચેહરો જોઇ શકાયો નથી. આ બે શખ્સો સાથે અન્ય એક બાઇક સવાર પણ હતો. જે પોતાની બાઇક ચાલુ રાખીને ઘટના સ્થળથી થોડેક જ આગળ ઉભો હતો. આ મામલે એસીપી પરેશ ભેસાણીયા દ્વારા રાજકોટના વિપુલ ધકાણ તેની સાથેના બે શખ્સોની પુછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન કારની ડીકીમાં મુકેલી બેગમાં અંદાજીત 4 કીલો ગ્રામ સોનુ હોવાનુ વિપુલ ધકાણે પોલીસને જણાવ્યું છે. જોકે મહત્વની બાબત એ છે કે, સવારે 11 વાગ્યાની આસપાસ બનેલી ઘટના અંગે વિપુલ ધકાણ કે તેના સહકર્મીએ આ બાબતે પોલીસને જાણ કરી ન હતી. તેવામાં વિપુલ ધકાણ અને તેના સહકર્મી તેમજ ડ્રાઇવર સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જેથી પોલીસે ત્રણેયનું ક્રોસ ઇન્ટરોગેશન કરાયું છે.

ચોરીની ઘટનાની  પોલીસમાં મોડી કેમ જાણ કરાઈ?

આ સમગ્ર ઘટના આજે સવારે 11 વાગ્યાની આસપાસ બની બતી. જોકે, પાંચ કલાક બાદ પોલીસને જાણ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. વેપારીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરાના કેટલાક જ્વેલર્સના સંપર્કમાં પણ હતા

એસીપી પરેશ ભેસાણીયાએ જણાવ્યું હતું કે, વિપુલભાઇ ઢકાણ નામની વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ અને તેમના સહકર્મીઓ છાણી સર્કલ પાસે નાસ્તો કરવા માટે ઉતર્યાં હતા. ત્યારે તેમની કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તોડ્યા બાદ ડેકી ખોલીને દાગીના ભરેલી બેગ ચોરીને અજાણ્યા શખસો ફરાર થઇ ગયા હતા. આ મામલે અમે તપાસ શરૂ કરી છે. ત્રણેય લોકો વડોદરાની પંચશીલ હોટલમાં રોકાયા છે અને વડોદરામાં સોનાના દાગીનાનું માર્કેટિંગનું કામ કરતા હતા અને વડોદરાના કેટલાક જ્વેલર્સના સંપર્કમાં પણ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.