Abtak Media Google News

અબતક, રાજકોટ

પશ્ચિમનું સંગીત તનને ડોલાવે છે,પણ આપણું સંગીત મનને ડોલાવે છે ભારતીય સંગીતની સરવાણીનું મૂળ ભારતની સંસ્કૃતિ અને તેની આધ્યાત્મિક વિરાસતમાં રહેલું છે તેવું આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડનગર ખાતે તાના-રીરી કાર્યક્રમ ખુલ્લો મુકતાં જણાવ્યું હતું.સૌ કલા સાધકો,કલા રસિકો અને વડનગર વાસીઓને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આપણા લોકસંગીત,ભક્તિસંગીત,શાસ્ત્રીય કે સુગમ સંગીત હરેક સંગીતમાં આત્માથી પરમાત્માના સ્નેહનો અતુટ નાતો સ્વર સંગીતના સેતુથી રચાય છે.

બૌધ્ધ વિરાસતના અવશેષો સાચવીને બેઠેલું વડનગર સંગીત,કલા,ગાયન,વાદન,નૃત્યકલાના પ્રચાર પ્રસાર માટે સુવિખ્યાત છે.તેવું જણાવી સોળમી સદીના આધ્યકવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઇની દિકરી શર્મિષ્ઠાની બે દિકરીઓ તાના-રીરી આ વડનગર ભૂમિમાં જન્મ લઇને સંગીતની આકરી આરાધનાથી રાગ- રાગણીઓનો ભક્તિ ભાવથી સત્કાર કર્યો છે.તેમણે તાના-રીરી બહેનોને ઐતિહાસિક વાત કરી જણાવ્યું હતું કે આ ગુર્જર નારીરત્નોની આત્મ સન્માન સ્વભિમાનની ગાથા તાના-રીરીએ સદાકાળ અમર કરી દીધી છે.

કલા,સાહિત્ય,સંસ્કૃતિ,સંગીતની વિરાસત રાજ્યઆશ્રિત ક્યારેય ના હોવો જોઇએ,રાજ્ય પુરસ્કૃતિત જ હોવો જોઇએ તેવો અમારો સ્પષ્ટ મત છે તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને-પ્રોત્સાહન પીઠ બળ આપીને આવી કલા પ્રવૃતિનું જતન,સંવર્ધન અને માવજતનું દાયિત્વ નિભાવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તાના-રીરી સંગીત મહાવિધાલય પરફોર્મિગ આર્ટસ કોલેજ વડનગર ખાતે શરૂ કરવામાં આવી છે.આ કોલેજમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ મ્યુઝિક અને ભારતીય નૃત્ય પરંપરાના છ મહિનાના ટુંકા કોર્ષ ચાલી રહ્યા છે.તેમજ ડિગ્રી ડિપ્લોના અભ્યાસક્રમોનો આયોજન છે. હાલ 130 વિધાર્થીઓ અભ્યાસ કરી પારંગત થઇ રહ્યા છે.

Screenshot 29

પદ્મશ્રી કવિતા ક્રિષ્નામૂર્તિ અને ડો.વિરાજ અમરભટ્ટને મુખ્યમંત્રીના હસ્તે તાનારીરી એવોર્ડ એનાયત કરાયો

રાજ્ય સરકાર આવા ક્ષેત્રોને પુરસ્કૃત કરીને- પ્રોત્સાહન આપીને પીઠબળ આપીને આવી કલા-પ્રવૃતિનું જતન સંવર્ધનનું દાયિત્વ નિભાવી રહી છે તેવું કહિ તેમણે વડનગરની પુણ્યધરા ઉપરથી તાના-રીરી એવોર્ડથી સન્માનીત થયેલા બે સિધ્ધહસ્ત સંગીતજ્ઞ નારી રત્નોને ગુજરાતના સાડા છ કરોડ નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે તાના-રીરી મહોત્સવની શરૂઆત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 2003ના વર્ષમાં કરી હતી. સંગીત સામ્રાજ્ઞી તાના-રીરીની યાદમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ દ્વ્રિ-દિવસીય મહોત્સવ કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે.

તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ 2011માં બીજા વર્ષે પદ્મભૂષણ સુશ્રી ગિરિજાદેવીને અર્પણ કરવામાં આવ્યો હતો. 2012માં કિશોરી અમોનકર, 2013માં સુશ્રી પરવિન બેગમ સુલતાન તેમજ વર્ષ 2014નો એવોર્ડ ડો .પ્રભા અત્રેને આપવામાં આવ્યો હતો. 2016માં શ્રીમતી વિદૂષી મંજુબહેન મહેતા, અમદાવાદ અને ડો શ્રીમતી લલિત જે. રાવન મહેતા, બેંગ્લોરને અર્પણ કરાયો હતો.

2017માં આ એવોર્ડ પદ્મભૂષણ ડો.શ્રીમતી એન.રાજમ અને સુશ્રી વિદૂષી રૂપાંદે શાહને અર્પણ કરાયો. જ્યારે 2018માં પદ્મશ્રી આશા ભોંસલેને અર્પણ કરવામાં આવ્યો હતો.2019માં આ એવોર્ડ સુશ્રી અશ્વિની ભીંડે દેશપાંડે અને સુશ્રી પિયુ સરખેલને અર્પણ કરાયો હતો.

તાનારીરી એવોર્ડ-2020 સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી અનુરાધા પોંડવાલ અને સુશ્રી વર્ષાબેન ત્રિવેદીને અર્પણ કરાયો હતો.તાના-રીરી એવોર્ડ વર્ષ-2021 પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ,મુંબઇ અને સુશ્રી ડો. વિરાજ અમર ભટ્ટ અમદાવાદને આપવામાં આવનાર છે.આ એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક,શાલ અને તામ્રપત્ર મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.જેમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડમાં પ્રત્યેક એવોર્ડીને રૂ 2,50,000નો ચેક,શાલ અને તામ્રપત્ર ઉપરાંત મોમેન્ટો આપવામાં આવ્યા હતા

તાના-રીરી મહોત્સવના શુભારંભ કાર્યક્રમમાં પ્રથમ દિવસે પદ્મશ્રી કવિતા કૃષ્ણમુર્તિ,સુશ્રી ડો વિરાજ અમરભટ્ટ દ્વારા ગાયન અને ડો શ્રી એલ સુબ્રમણ્યમ દ્વારા વાયોલીન વાદનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ 120 ભૂંગળ વાદકોએ 05 મિનિટ સમુહ ગાન ગાઇ વિશ્વ રેકોર્ડ રચ્યો હતો તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ,સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી,મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ પંચાલ,ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના પંકજભાઇ ભટ્ટ,સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ,પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી,યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના સચિવ અશ્વિનીકુમાર,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,અગ્રણી જશુભાઇ પટેલ, અગ્રણી એમ.એસ.પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમાર,ધારાસભ્ય ડો આશાબેન પટેલ,અજમલજી ઠાકોર,રમણભાઇ પટેલ,કરશનભાઇ સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, સહિત અધિકારીઓ,પદાધિકારીઓ,સંગીત તજજ્ઞો, કલારસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

112 ભૂંગળ કલાકારોએ 5 મિનિટ સમૂહ વાદન કરી નવો કીર્તિમાન સર્જ્યો

લોકવાદ્યના કલાકારોને ઉત્તેજન આપવાના ઉદ્દેશ સાથે, વિસરાતી જતી ભવાઇ કલાના 112 તુરી-બારોટ અને નાયક સમાજના ભવાઇ કલાકારો, એક સાથે સળંગ 5 મિનિટ સુધી ભૂંગળ વગાડી તાના-રીરી સમાધિ સ્થળ ખાતે નવો વિશ્વ રેકોર્ડ સર્જયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.