Abtak Media Google News

ઈન્ફોર્મેશન ટેકનોલોજીના એકસ્પ્રેસ ટ્રેક પર આગળ વધી રહેલી 21મી સદીના દુનિયામાં માહિતી-પ્રસારણ અને પ્રત્યાયનના ડિજીટલ યુગમાં અત્યારે સોશિયલ મીડિયાની બલ્લે-બલ્લે ચાલી રહી છે. દરેક વ્યક્તિ પાસે પ્રસિધ્ધી માહિતી અને સંદેશા વ્યવહારનું એક હાથવગુ હથિયાર બનેલા સોશિયલ મીડિયાના સવિનયપૂર્વકના ઉપયોગથી રંક થી રાજાની સફર સાવ સહેલી બની ગઈ છે. છેવાડાનો માનવી પોતાની કોઠાસુઝ અને સોશિયલ મીડિયાના સદ્ઉપયોગથી રાજ્ય, દેશ જ નહીં પરંતુ દુનિયામાં પોતાની ઓળખ મેળવી શકવા સમર્થ છે પરંતુ અત્યારે સવાલ એ આવીને ઉભો છે કે, આ હથિયારનો ઉપયોગ કરનારા અર્જૂન જેવા કેટલા ? અસરકારક, ધારદાર શસ્ત્રનો જો આડેધડ ઉપયોગ થાય તો તેની અસરકારકતા અને ધાર બુઠી થઈ જાય અને તેની મારકતા ફાયદાના બદલે નુકશાનકર્તા વધુ સાબીત થાય છે. અત્યારે સોશિયલ મીડિયાનું પણ કંઈક આવું જ છે, આડેધડના ઉપયોગથી સોશિયલ મીડિયાની અસરકારકતાની વાત તો એક બાજુ રહી પરંતુ તેના ફાયદા કરતા ગેરફાયદા વધુ થઈ ર્હયાં છે.

માહિતી પ્રસારણનું અસરકારક શસ્ત્ર સોશિયલ મીડિયા આજે દરેકના ઉપયોગનું હાથવગુ હથિયાર બની ગયું છે ત્યારે જુજ લોકો તેના સવિનય અને બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરે છે. બાકી આડેધડ વાપરવામાં આવતા સોશિયલ મીડિયાની કવાયત સાવ મિથ્યા જાય છે. તાલીમબદ્ધ હેન્ડલરના ઉપયોગથી તેનો ખુબજ મોટો ફાયદો થાય છે પરંતુ બિનતાલીમી અણધણ હાથોમાં સોશિયલ મીડિયા માત્ર ફારસરૂપ અને ક્યારેક-ક્યારેક તો અંધકારમય બની જાય છે.

રાજદ્વારી આગેવાનો, ઉદ્યોગપતિઓ અને માલેતુજાર લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિષ્ઠા અને વ્યક્તિગત પ્રચાર માટે ઉપયોગ કરે છે પરંતુ ક્યારેક-ક્યારેક અણધણ બિનકૌશલ્યવાન હેન્ડલરોથી વિશ્ર્વની ત્રીજી આખ બની ગયેલ સોશિયલ મીડિયાના આંખે મોતિયા આવી જાય છે. મોતિયાવાળી આંખ જેવી રીતે સ્પષ્ટ જોઈ શકતી નથી, બરાબર તેમજ બિનતાલીમી અને ક્ધટેઈન સેન્સ વગરના હેન્ડલરો દ્વારા ચલાવવામાં આવતા સોશિયલ મીડિયાથી સમાજને લાભના બદલે નુકશાન અને પ્રચારના બદલે દુષપ્રચારનું દુષણ, અધુરિ માહિતી અને બિનઉપયોગી કવાયત જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

આજના આધુનિક ડિજીટલ યુગમાં આંખના પલકારામાં મેસેજથી લઈ ન્યુઝ અને મનની અભિવ્યક્તિઓ દુનિયાના એક છેડેથી બીજા છેડે સરળતાથી પહોંચી જાય છે. દરેક વ્યક્તિ પાસે પોતાની અભિવ્યક્તિ અને સંદેશાનું માધ્યમ બની ગયેલ સોશિયલ મીડિયાનો ઉપયોગ જેટલો બુદ્ધિગમ્ય અને સવિનય થાય તેટલો ફાયદાકારક છે, બાકી આડેધડ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયાની પરિસ્થિતિ અત્યારે તલવારથી ઘાસ વાંઢવા જેવી બની ગઈ છે. સોશિયલ મીડિયાનું આ શસ્ત્ર યોગ્ય રીતે યોગ્ય હેન્ડલરો દ્વારા વાપરવામાં આવે તો તેની અસરકારકતા અને પ્રોડકટીવીટી લાભકારક બને બાકી તો માત્રને માત્ર સમયના વ્યય જેવી પ્રવૃતિ નિરર્થક જ લાગે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.