- સ્ટેન્ડિંગ પૂર્વે સંકલન બેઠકમાં ભાજપના કોર્પોરેટરો આવ્યાં “મોરે મોરો”
- શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની હાજરીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર અને સભ્ય નેહલ શુક્લ વચ્ચે બરાબરની જામી પડી: કોન્ફરન્સ રૂમમાં સન્નાટો છવાઇ ગયો
રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં ‘મોરે મોરા’ જેવો માહોલ જામ્યો હતો. ભાજપના જ બે સિનિયર કોર્પોરેટરો વચ્ચે કાંઠલા પકડવાની અને લાફા મારી લેવા સુધીની વાત થતા કોન્ફરન્સ રૂમમાં સન્નાટો છવાઇ ગયો હતો. જો કે, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીની મધ્યસ્થી બાદ મામલો માફા માફી સુધી પહોંચી ગયો હતો. અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયાની ચર્ચા થઇ રહી છે.
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકનો એજન્ડા ગઇકાલે પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં 53 દરખાસ્તોનો સમાવેશ કરાયો હતો. જેને લઇ વોર્ડ નં.7ના સિનિયર કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલભાઇ શુક્લએ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સમક્ષ એવો પ્રશ્ર્ન રજૂ કર્યો હતો કે અગાઉ નક્કી થયા મુજબ 30 જેટલી દરખાસ્તો આવે એટલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવા માટેનો એજન્ડા પ્રસિધ્ધ કરી દેવો અને તમામ સભ્યો અને કોર્પોરેટરોને દરખાસ્તોના અભ્યાસ માટે 48 કલાકનો સમય આપવો પરંતુ આ પ્રણાલીનું પાલન કરવામાં આવતું નથી. ગઇકાલે બપોરે એજન્ડ પ્રસિધ્ધ થયો અને આજે સવારે સ્ટેન્ડિંગની બેઠક બોલાવવામાં આવી. જેમાં ચેરમેન વચ્ચે પડ્યા હતા અને તેઓએ દલીલ કરી હતી કે અગાઉ આવી પ્રણાલી હતી જેમાં તમામ કોર્પોરેટરોએ નેહલભાઇ શુક્લનો સાથ આપ્યો હતો અને એક સૂરે જણાવ્યું હતું કે પુષ્કરભાઇ પટેલના કાર્યકાળમાં સ્ટેન્ડિંગનો એજન્ડા 48 કલાક અગાઉ મળી જતો હતો. દરમિયાન વોર્ડ નં.7માં સફાઇ કામદારો મારફત કચરો ઉપાડવાની કામગીરીનો કોન્ટ્રાક્ટને વધારવા અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેનો વિરોધ કરતા નેહલભાઇ શુક્લએ જણાવ્યું હતું કે મારા વોર્ડમાં આવી કોઇ જ વ્યવસ્થા નથી. અમારે કર્મચારીઓ અને અધિકારીઓના કાંઠલા પકડીને વોર્ડના વિવિધ કામો કરાવવા પડે છે. આ ચર્ચા દરમિયાન ફોનમાં વાત કરી રહેલા સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે અચાનક ઉંચા અવાજે નેહલ શુક્લને કહ્યું હતું કે તમે કાંઠલા પકડવાની શું વાત કરી રહ્યા છો. આ શબ્દો બાદ માહોલ વધુ ગરમાયો હતો. નેહલભાઇએ સ્ટે.ચેરમેનને મોંઢે મોંઢ રોકડું પરખાવી દીધું હતું કે કાંઠલા પકડવાની વાત તો એકબાજુ રહી લાફા મારવા સુધીની વાત પણ થશે.
તમે તમારી જીંદગીમાં જેટલી માથાકૂટ જોઇ પણ નથી. તેનાથી વધુ માથાકૂટ મેં મારા એકલા બાવળાના બળે કરી છે. મને દબાવવાનો પ્રયાસ કરવાનો કે મારા પર સીન સપાટા નાંખવાનો પ્રયાસ કરતા નહિં. અન્યને દબાવવા પ્રયાસ કરો છો તે બરાબર છે. વાત વધુ વણસતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મધ્યસ્થી કરવાની જરૂર પડી હતી. તેઓએ સ્ટે.ચેરમેનને કહ્યું હતું કે નેહલભાઇ તમારા કાંઠલા પકડવાની વાત કરતા નથી. તેઓ અધિકારીઓ અને કર્મચારીઓના કાંઠલા પકડવાની વાત કરે છે. શહેર ભાજપના બે ધુરંધર નેતાઓ વચ્ચે સંકલન બેઠકમાં જ ધબધબાટી બોલી જતાં મહિલા કોર્પોરેટરો સ્તબ્ધ થઇ ગયા હતા. અંતે સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે મારી સમજવામાં ભૂલ થઇ ગઇ છે. તેમ કહી નેહલ શુક્લને સોરી કહી દેતાં માહોલ શાંત પડ્યો હતો. જો કે, ગણતરીની મિનિટોમાં સંકલન અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આટોપી લેવામાં આવી હતી. જન્માષ્ટમીના પર્વમાં જે કાર્યક્રમ યોજાયો નથી. તેનો ખર્ચ પણ મંજૂર કરવાની દરખાસ્ત અંગે નિર્ણય લેવાની વાત આવી ત્યારે પણ નેહલભાઇએ વિરોધ નોંધાવ્યો હતો. અંતે 50 ટકા રકમ આપવાનો નિર્ણય લેવાયો હતો. આજે સ્ટે.ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો વચ્ચે રિતસર મોરે મોરો જામ્યો હતો.