ગુજરાતી સિનેમાને ઢોલીવુડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરૂઆતના સમયમાં ગુજરાતી ફિલ્મોમાં ધાર્મિક અને પૌરાણિક ફિલ્મોનું પ્રભુત્વ હતું. પરંતુ છેલ્લા દાયકામાં ગુજરાતી ફિલ્મોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. “કેવી રીતે જઈશ”, “બે યાર”, “છેલ્લો દિવસ”, “લવની ભવાઈ”, “રેવા”, “હેલારો” જેવી ફિલ્મોએ ગુજરાતી સિનેમાને નવો ઓપ આપ્યો છે. આ ફિલ્મોએ માત્ર વ્યાપારી સફળતા જ નથી મેળવી પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા મેળવી છે. ત્યારે ગુજરાતી સિનેમા ફરી એકવાર એક ગહન અને સંવેદનશીલ વિષયને લઈને આવી રહ્યું છે. “Call 104” ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે અને તે દર્શકોના મનમાં ઉંડી છાપ છોડી રહ્યું છે. આ ફિલ્મ એક એવી વ્યક્તિની વાર્તા રજૂ કરે છે. જે નિરાશાના ઊંડા ગર્તમાં ધકેલાઈ ગઈ છે. પરંતુ એક અણધાર્યો ફોન કોલ તેને જીવનની બીજી તક આપે છે.
શું તમે આ ફિલ્મનું ટ્રેલર જોયુ…ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મ માનવીય સંબંધોની શક્તિ અને આત્મહત્યા નિવારણ કેન્દ્રોના મહત્વ પર વધુ પ્રકાશ પાડશે. આજના ઝડપી યુગમાં માનસિક સ્વાસ્થ્ય એક ગંભીર મુદ્દો બની ગયો છે. આ “Call 104” ફિલ્મ તેને અનુલક્ષીને બનાવી છે. આ ફિલ્મમાં ધર્મેશ વ્યાસ અને જૈમિની ત્રિવેદી જેવા અનુભવી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે, આવા કલાકોરાનાં અભિનયથી આ વાર્તા વધુ જીવંત બનશે.
આ ફિલ્મ કલાકારોમાં ધર્મેશ વ્યાસ, સમર્થ શર્મા, જીગ્નેશ મોદી, ઋરુક દવે, પિયુષ ખંડેલવાલ, જૈમીની ત્રિવેદી, મોરલી પટેલ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ભાવેશ ગોરસીયા (ડિરેક્ટર, રાઇટર), જય જી. પટેલ (પ્રોડ્યુસર), કિર્તીદાન ગઢવી (સિંગર), જીગ્નેશ કવિરાજ (સિંગર), રાકેશ બારોટ (સિંગર), રાજુ પટેલ (કો-પ્રોડ્યુસર), અશોકકુમાર પટેલ (કો-પ્રોડ્યુસર) છે.
“Call 104” ફિલ્મના નિર્માતાઓ અને દિગ્દર્શકે એક એવા વિષયને પસંદ કર્યો છે જે સમાજમાં જાગૃતિ લાવવા માટે ખૂબ જ જરૂરી છે. ટ્રેલરમાં દેખાતા દ્રશ્યો અને સંવાદો દર્શકોને ભાવુક કરી દે તેવા છે અને ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી રહ્યા છે. “Call 104” 13 જૂન, 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ માત્ર મનોરંજન જ નહીં પરંતુ સમાજમાં એક સકારાત્મક સંદેશ પણ પહોંચાડશે. શું એક ફોન કોલ ખરેખર કોઈનું જીવન બદલી શકે છે? આ જાણવા માટે 13 જૂનની રાહ જોવી પડશે.