Abtak Media Google News

પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય બેઠકની કોઇ ચર્ચા જ નહિં: મતદાનના દિવસે શહેર ભાજપે ઉપલા કાંઠે નેતાઓના ધાડા ઉતાર્યા

રાજકોટ શહેરની ચાર વિધાનસભા બેઠક પૈકી 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવાર ઉદયભાઇ કાનગડ સામે કોંગ્રેસે ઇન્દ્રનીલભાઇ રાજગુરૂને ઉતાર્યા ત્યારથી જ આ બેઠકની ગણતરી રાજ્યની હાઇ પ્રોફાઇલ બેઠકમાં થવા લાગી છે. છેલ્લા બે દિવસથી શહેર ભાજપના તમામ મોટા માથાઓ આ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અને અંતિમ ઘડીના ઓપરેશન માટે ઘૂમી રહ્યા છે. આજે સવારથી મતદાન શરૂ થતાંની સાથે જ મોટાભાગના લોકોમાં એક જ ચર્ચા થતી હતી કે રાજકોટ પૂર્વ બેઠક પર આ વખતે કોણ જીતે છે તેવું લાગી રહ્યું છે? બીજી તરફ રાજકોટની અન્ય ત્રણ બેઠકોની કોઇ ખાસ ચર્ચાઓ થતી નથી.

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રાજકોટની ચારેય બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું. આ વખતે તમામ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી ભાજપે ચારેય બેઠકો પર નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદયભાઇ કાનગડને ટિકિટ આપવામાં આવી છે. જેની સામે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂને મેદાનમાં ઉતારતા આ બેઠક પર પ્રચારના પ્રથમ દિવસથી જ રોમાંચક રસાકસી જોવા મળી રહી છે.

ચોરે અને ચૌંટે એક જ વાતો થઇ રહી છે કે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક જાળવી રાખવામાં ભાજપ સફળ રહેશે કે ઇન્દ્રનીલ રાજગુરૂ આ બેઠક પરથી ફરી એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવશે. મતદાનના છેલ્લા બે દિવસથી ભારે ખેંચાખેચી ચાલી રહી છે. શહેર ભાજપના મોટા નેતાઓ પ્રચારના ભૂંગળા શાંત થયા ત્યારથી રાજકોટ પૂર્વમાં ધામા નાંખીને બેસી ગયા છે અને ભાજપના હાથમાંથી આ બેઠક નીકળી ન જાય તે માટે સતત મહેનત કરી રહ્યાં છે. જો કે, આજે સવારથી જ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. પરંતુ રાજકીય પક્ષોના કાર્યકરો, આગેવાનોમાં એક જ ચર્ચા થઇ રહી છે કે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં શું લાગી રહ્યું છે? બીજી તરફ રાજકોટ પશ્ર્ચિમ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્ય વિધાનસભાની બેઠકની ચર્ચાઓ ખૂબ જ ઓછી થઇ રહી છે.

વિસ્તારમાં ફરવાના બદલે મંત્રી અરવિંદ રૈયાણી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ‘કમલમ્’માં બેસી રહ્યાં

મતદાનના દિવસે કોઇપણ રાજકીય પક્ષના નેતાઓ કે ધારાસભ્યો અથવા સંસદસભ્યએ પોતાના વિસ્તારમાં સતત ફરતું રહેવું પડે છે અને પોતાના પક્ષના ઉમેદવાર તરફી મતદાન કરાવવાની પ્રાથમિક ફરજ હોય છે પરંતુ રાજકોટ શહેરમાં ભાજપે ચારેય સિટીંગ ઉમેદવારોની ટિકિટ પર કાતર ફેરવી દીધાં બાદ થોડા ઘણાં અંશે નારાજગી જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આજે સવારથી રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી અને ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પોતાના મત વિસ્તારમાં જવાના બદલે શહેર ભાજપ કાર્યાલય ‘કમલમ્’ ખાતે કલાકો સુધી બેસી રહ્યાં હતાં. કાર્યાલયે બંનેને જોઇ શહેર ભાજપના હોદ્ેદારો અને કાર્યકરોના મનમાં પણ થોડું આશ્ર્ચર્ય સજાર્યું હતું. કારણ કે રાજકોટ પૂર્વ બેઠક પર સૌથી વધુ રસાકસી છે. આવામાં અરવિંદભાઇ રૈયાણીએ એક મંત્રી અને ધારાસભ્ય તરીકે ભાજપના ઉમેદવારના તરફેણમાં સતત મતદાન કરાવવા આખો દિવસ પોતાના વિસ્તારમાં રહેવું જોઇએ.

બીજી તરફ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના મત વિસ્તાર એવા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકમાં પણ ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા સામે થોડો ઘણો અસંતોષ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ડેમેજ કંટ્રોલ કરવાના બદલે આ બંને ધારાસભ્યો ‘કમલમ્’ ભરાઇ રહ્યા હતાં. લાખાભાઇ સાગઠીયા પણ પોતાના મત વિસ્તારમાં આજે મતદાનના દિવસે જોઇએ તેટલા સક્રિયા ન હોવાનું પણ કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.