Abtak Media Google News

માર ખવડાવે મોબાઈલવાળા

  મોબાઈલ એક એવી વસ્તુ છે જે તમારી બધી જ વાતો જાણે છે. રોજ રાત્રે ઈન્સ્ટાગ્રામમાં તમે કોને મેસેજ કરીને સુવો છો? કોને બ્લોક કરો છો? કોને ફોલો કરો છો? તમારા કોની સાથેના શું કનેક્શન છે તે બધી જ વાતો મોબાઈલને સુપેરે ખબર છે. (અહીયા બોલીવુડનું ઉદાહરણ ગુપ્ત રીતે ટાંકવામાં આવે છે.) પણ દર વખતે મોબાઈલ ખરાબ નથી સાબિત થતો. ક્યારેક દેશના અબજો લોકોને જે વાત કોઈ નથી પહોંચાડી શકતું, તે વાત મોબાઈલ બહુ આરામથી પહોંચાડી આપે છે. અને ક્યારેક તો છુપાડવાની વાતો પણ મોબાઈલ પોતાના લાઉડસ્પીકરથી લોકોને કહી સંભળાવે છે.

રાક્લાના જીવનમાં મોબાઈલયોગ છે એના કરતા રાક્લાના મોબાઈલમાં એનો થોડોક જીવનયોગ છે એવું કહેવું વધારે સારું રહેશે. લોકો ત્રણ ટાઈમ જમતા હોય છે, પરિવાર સાથે વાતો કરતા હોય છે, ક્યારેક કોઈ મિત્રને ફોન કરતા હોય છે અને પરણેલા પોતાના સસરા પક્ષના ફોનને સતત ટાળતા હોય છે. પણ રાકલો કંઈક અલગ માણસ છે. દિવસમાં દસ વખત સ્નેપચેટમાં સ્ટોરી મુકવી, અઢળક વોટ્સેપ સ્ટેટસ મુકવાં, તેમજ સવારે-બપોરે અને સાંજે ડી.પી. બદલવાં એ રાક્લાનો નિત્ય ક્રમ છે. જેને કોઈપણ સંજોગે ન ચૂકવો એવો રાક્લાનો વણલોજીક્યો નિયમ છે.

રાકલો રોજ સવારે પોતાની ચીપડાવાળી આંખો સાથે લોકોને ‘મોર્નિંગલૂક’ લખીને સ્ટોરી મોકલે છે જે જોયા પછી તમને આજીવન સુગ રહે તેવી પૂર્ણ સંભાવનાઓ છે. ટુવાલના પોતિયા સાથે ‘ગેટીંગ રેડી’ અને નાસ્તાની સ્ટોરીમાં પોતાની એક આંખ બંધ કરીને પોતાની બે આંગળીઓને માથા પાસે રાખીને લોકોને ‘નાસ્તાલુક’ મોકલે છે જે જોઇને કોઈપણ નાસી જાય. બપોર થતા થતા રાકલો રીલ જોવામાં એટલો બધો વ્યસ્ત થઇ જાય છે કે કાકીએ મંગાવેલી કપડાની ‘રીલ’ લઇ આવતા ભૂલી જાય છે અને સાંજે કાકાને ઘટનાક્રમની માહિતી મળતા રાક્લાનું સર્વર ડાઉન થઇ જાય છે.

અમુક લોકો સોશ્યલ મીડીયા સાથે એટલા બધા સંકળાયેલા હોય છે કે એ લોકોના ફોનની બેટરી ડાઉન હોય તો પોતે પણ કોકની શોકસભામાં આવ્યા હોય એવા મોઢે રખડે છે અને એમાં પણ જો ઈન્ટરનેટ ડેટા પૂરો થઇ ગયો તો તો આવા લોકોને તાવ આવી જાય છે.

પોતાની લોજિકલેસ વાતોને ગર્વથી લોકોમાં કહેતો રાકલો એક દિવસ બપોરે લટકેલા મોઢા સાથે મારી તરફ પ્રયાણ કરતો નજરે ચડે છે. ગવાક્ષમાંથી ‘આખો દિ’ ફોનની જ કથા કરવી છે!’ કાકીનો આવો ધીમો ધીમો સ્વર સંભળાય રહ્યો હતો અને મુખ્યદ્વાર પરથી ગુસ્સાભર્યા કાકા ઉતાવળમાં ક્યાંક જઈ રહ્યા હતા એવું લાગતું હતું.

‘મોટા, આજે તો મોબાઈલે મરવી નાખ્યા’

‘કેમ? આજે કોઈ મીમ ફેમેલીગ્રુપમાં શેર થઇ ગયું?’

‘મારી મોર્નિંગ સેલ્ફી હું આજે કોઈને ન મોકલી શક્યો અને લૂક પણ’ મારા સવાલનો જવાબ આપ્યા વગર જ રાક્લાએ પોતાની વાત ચાલુ રાખી. ‘મોટા જીવનમાં ગમે તે કરવાનું પણ કોઈના ફોનમાંથી કોઈને કાંઈ જ શેર નહી કરવાનું’

‘પણ થયું શું ઈ તો કહે’

‘એમાં થયું એવું કે પપ્પાના ફોનમાં જે ફેમેલી ગ્રુપ છે તેમાં મેં ભૂલથી ‘ઓમ શાંતિ’ અને ‘RIP’ લખી નાંખ્યું’

‘કોને શું થયું? બધું બરાબર તો છે ને?’

‘હતું. જ્યાં સુધી મેં પપ્પાનો ફોન નહોતો અડક્યો ત્યાં સુધી.’ પોતે શું ભગો વાળ્યો છે તે કહેતા કહેતા રાકલો થોડો ખચકાયો.

‘શું થયું એ સાફ સાફ કહે તો ખબર પડે’

‘હવે ટ્વીસ્ટ એટલો જ છે કે ઈ ફોટો પપ્પાના જીવતા જાગતા સાસરિયા પક્ષનો હતો અને જેવું મેં ગ્રુપમાં બધા સમક્ષ કહ્યું, એની સાથે જ મમ્મીને ફોન આવવા લાગ્યા કે જમાઈને આવી મસ્તી કેમ સુઝે છે? અને મમ્મીને એમ કે સાચે જ પપ્પાએ મેસેજ કર્યો છે એટલે મમ્મીએ પપ્પા સાથે યુદ્ધ છેડ્યું.’

‘પછી તે કીધું કે નહી ખરેખર શું થયું હતું?’

‘કીધું એટલે જ તો બારીમાંથી અવાજો સંભળાય છે’

તમે ધ્યાન રાખજો કોઈના ફોનને હાથમાં લેતા પહેલા. ઋતિકના રામે રામ.

 

ચાબુક:

‘ગીલીડંડા અને કબડ્ડી રમ્યે ઘણા વર્ષો થયા.’ આટલી વાત સાંભળતા જ મોબાઈલની સ્ક્રીન પર એક બાળકે પ્લેસ્ટોર ઓપન કર્યું.

ઋત્વિક સંચાણીયા

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.