Abtak Media Google News

અડાલજ પોલીસની કાર્યવાહી:વૈષ્ણોદેવી પાસે અમેરિકનોને છેતરતું કોલ સેન્ટર પકડાયું; બિટકોઈન વોલેટમાં પૈસા સેરવી લેતા અફઘાનિસ્તાન-મોઝામ્બિકના ૨ યુવકોને ઝડપ્યા

અમેરિકન નાગરિકોને લોન આપવાના નામે છેતરપીંડી કરનારા બે વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ અમદાવાદ પોલીસે કરી છે. ગેરકાયદેસર કોલ સેન્ટરનું દુષણ અમદાવાદ શહેર ખાતે ખૂબ ઝડપથી વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરો ખૂબ મોટી છેતરપીંડી પણ આચરી રહ્યા છે. પોલીસ દ્વારા આ કેસમાં એક અફઘાની અને એક મોઝામ્બિકના વિદ્યાર્થીઓબી ધરપકડ કરી છે પરંતુ કોઈ સ્થાનિકની મદદગારી વિના આ વિદ્યાર્થીઓ શું આટલું મોટું નેટવર્ક ઉભું કરી શકે ? તે સવાલ ઉદ્ભવયો છે. આ મામલે આગળની સચોટ તપાસમાં અનેક સ્થાનિકોના નામ ખુલે તેવી પ્રબળ શકયતા છે.

અમેરિકન નાગરિકોને લોન આપવાના નામે છેતરપિંડી કરતું ગેરકાયદેસર કોલ સેન્ટર વૈષ્ણોદેવી પાસેથી પકડાયું છે. અમેરિકનો પાસેથી બિટકોઈન વોલેટમાં પૈસા સેરવી લેતા અફઘાનિસ્તાન અને મોઝામ્બિકના બે યુવકોને અડાલજ પોલીસે દબોચી લીધા છે. પોલીસને જોઈને બંનેએ પોતાના ફોન અને લેપટોપ 13માં માળેથી નીચે ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે ડેટા એક્સ્ટ્રેક્ટ કરવામાં સફળતા મેળવી હતી. ફોરેનર રિજીયોનલ રજિસ્ટ્રેશન ઓફિસ બ્યૂરો ઓફ ઈમિગ્રેશન તરફ મળેલા ઈનપૂટના આધારે જિલ્લા પોલીસ વડા મયૂર ચાવડાને આ દિશામાં તપાસ કરવાની સૂચના આપી હતી. જેમાં અડાલજ પીઆઈ જે.એચ. સિંધવે તપાસ હાથ ધરી હતી.

ઈબ્રાહિમો મોમાદ ઈકબાલ (અફઘાનિસ્તાન) અને પાસુન મનલઈ (મોઝામ્બિક)ના પાસપોર્ટ નંબર અને વિઝાની તપાસ દરમિયાન તેઓ વૈષ્ણોદેવી સર્કલ નજીક રિફ્લેક્શન પેસિફિકાના જુદા-જુદા ફ્લેટમાં રહેતા હોવાનું સામે આવતા અને તેઓ કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા હોવાથી 26મેના રોજ પોલીસ એચ-1001 નંબર અને 13મા માળના પેન્ટ હાઉસમાં પહોંચી હતી. પોલીસે ઘરમાં તપાસ કરતાં ત્રણ લેપટોપ, ચાર ફોન, બે હાર્ડ ડિસ્ક, રાઉટર, અંગ્રેજીમાં હિસાબ લખેલી ડાયરી અને ત્રણ પેનડ્રાઈવ મળી આવી હતી. જેમાં બે દિવસની તપાસમાં ગેરકાયદેસર કોલસેન્ટર ચાલતું હોવાનું સામે આવતા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ, અફઘાનિસ્તાનનો યુસુફ આ કૌભાંડનો સૂત્રધાર છે. તે લીડ આપવાથી લઈ બીટકોઈન વોલેટમાં નાણાં ટ્રાન્સફર કરવા માટેના ક્યુઆર કોડ પૂરા પાડવાનું કામ કરતો હતો. યુસુફને ઝડપી લેવા પોલીસે કવાયત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.