Abtak Media Google News

જ્યારે કોઈ મિલકતનો વિવાદ કોર્ટમાં ચાલતો હોય ત્યારે ડેપ્યુટી કલેક્ટરને ચુકાદો આપવાનો કોઈ અધિકાર નથી : એડ્વોકેટ વિકાસ શેઠ

આજકાલ કોઈપણ વ્યક્તિની જમીનને તકરારી બનાવવા રેવન્યુ રેકર્ડ સાધન બની ગયું છે

રેવન્યુ રેકર્ડ એટલે કે હકકપત્રક બાબતે વિવિધ માન્યતાઓ પ્રવર્તે છે. રેકર્ડ ઓફ રાઈટ બાબતે સૌપ્રથમ વાર ભારતસરકારે સને 1897માં વિચારેલ તે પાછળનો હેતુ માત્ર જમીનની આકારણી બાબતે તેને જોડવા પુરતો હતો. ત્યારબાદ સને 1903 માં આ બાબતેનો કાયદો ઘડવામાં આવ્યો. ત્યારબાદ જે તે કાયદો રદ કરી 1913 માં લેન્ડ રેવન્યુ કોડમાં હકકપત્રક બાબતેની જોગવાઈઓ પ્રકરણ 10(એ)માં દાખલ કરવામાં આવેલ છે. સને-1913નો કાયદો બંધ થતા હકકપત્રક જમીન મહેસુલ કાયદાનો ભાગ બન્યો અને હવે તે જવાબદારીનું પણ પત્રક બનેલ છે અને હકકપત્રક પાછળ જમીનના એક ભાગ માટે હકક અને જવાબદારીનું વિગતવાર રેકર્ડ ગામ-તલાટી દ્વારા રાખવામાં આવેલ છે.

હકકપત્રક બાબતે જે તે સમયના વડાપ્રધાનને દેશના મુખ્યમંત્રી સમક્ષ સ્વીકારીને કહયું છે કે… ’એ ગરીબ તથા નબળા વર્ગના લોકો માટે પોતાના હકકના રક્ષણ માટે લડવાનું મુખ્ય સાધન છે.’

હકકપત્રકના નમુના-6, 7 12 વિગેરે બિટીશ સમયથી દાખલ કરાયેલ હકકપત્રકો છે. હકકપત્રકમાં માલિક શબ્દનો કયાંય ઉલ્લેખ નથી, પરંતુ જે ખેતીજમીનના કબ્જેદાર હોય છે તેનું નામ નોંધાય છે. હકકપત્રકનો મુખ્ય ઉદેશ નિરક્ષર ખેડૂતોના હકકોની સલામતી અને સ્થિરતા છે, આ ઉપરાંત આ પત્રકોના આધારે ખાનગી ધીરાણ સરળતાથી મળે છે, દીવાની દાવાનું પ્રમાણ ઘટે છે. અને તબદીલી વ્યવહારો રજીસ્ટર ન થયા હોય તો પણ ગામદફ્તરે નોંધ થયેલ હોવાથી છેતરપીંડી અને બનાવટના બનાવો અટકે છે અને વિશેષમાં સરકારે મહેસૂલ લેણુ ચોકકસ જમીન અંગે કોની પાસેથી વસુલવાનું છે તેનો મુખ્ય આધાર છે.

પરંતુ આજકાલ કોઈપણ વ્યક્તિની જમીનને તકરારી બનાવવા માટેનું રેવન્યુ રેકર્ડ સાધન બની ગઈ હોય તેવું પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા અનુભવાયેલ છે. કારણ કે કોઈપણ રેવન્યુ રેકર્ડની એન્ટ્રીમાં નજીકના વારસદારો કે જેઓએ ભુતકાળમાં નોંધણીથી કે નોંધણી વગર તેના હકકો જતા કરેલ હોય તે વ્યક્તિઓ સમય વીત્યા બાદ વાસ્તવિક કબજેદાર અને હકક ધરાવનાર વ્યકિતની નોંધ બાબતે વાંધાઓ નોંધાવા આગળ આવે છે અને મિલકતો તકરારી બનાવવા પ્રયત્નશીલ બને છે.

રેવન્યુ રેકર્ડમાં બોગસ વાંધા લેનારને ખ્યાલ છે કે સિવિલ કોર્ટોમાં કામનું ભારણ વધારે છે અને કરોડો કેસ પેન્ડીંગ છે તે સંજોગોમાં તેઓ રેવન્યુ રેકર્ડમાં વાહીયાત વાંધાઓ આગળ ધરી વાસ્તવિક માલિક તથા કબજેદારને વર્ષો સુધી મામલતદારથી માંડી તમામ રેવન્યુ ઓથોરીટી સમક્ષની કાનુની કાર્યવાહીમાં ધકેલી દે છે. અને ઉતરોઉતર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની સફર કરાવી, કાંડુ મરડી પોતાનો અંતિમ હેતુ સિધ્ધ કરે છે. અને વાસ્તવિક માલિકે બ્લેકમેઈલીંગનું ભોગ બનવું પડે છે.

ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ જેમાં ખાસ કરીને ઝવેરભાઈ પટેલ વિ. કંચનબેન પટેલના કેસમાં ગુજરાત હાઈકોર્ટે ઠરાવેલ છે કે રજિસ્ટર દસ્તાવેજ રજુ થયેથી નોંધ દાખલ થઈ શકે, પરંતુ દસ્તાવેજોની કાયદેસરતા યોગ્ય હકુમત એટલે કે સિવિલ કોર્ટ દ્વારા નકકી થઈ શકે. રેવન્યુ ઓથોરીટી દસ્તાવેજની કાયદેસરતા નકકી કરવા સતા ધરાવતી નથી. આ જ પ્રકારનો ચુકાદો  ગુજરાત હાઈકોર્ટ ભાનુબેન પટેલ વિ. મણીબેન પ્રભુભાઈના કેસમાં ઠરાવેલ છે કે, રેવન્યુ ઓથોરીટીને વ્યવહારની કાયદેસરતા નકકી કરવાની કોઈ સત્તા નથી.

સુપ્રીમ કોર્ટે પટેલ રાઘવ નાથાના કેસમાં ઠરાવેલ છે કે, કોઈપણ કાનુની કાર્યવાહી કરવા માટે કાયદાએ નિશ્ચિત સમય નકકી કરેલ છે અને વર્ષો પછી રેવન્યુ રેકર્ડમાં કોઈ વાંધા લેવામાં આવે કે તે બાબતે રીવીઝન કરવામાં આવે તો તે ધ્યાને લેવાપાત્ર નથી.

ગુજરાત હાઈકોર્ટે રણછોડભાઈ ફતેસિંહ ચૌહાણના કેસમાં ઠરાવેલું  કે, રેવન્યુ રેકર્ડથી કોઈ ખાનગી હકકો, માલિકી કે કબજો નકકી થઈ શકે નહિ. અને આવા હકકો લેન્ડ રેવન્યુ કોર્ટની

કલમ-4 મુજબ રેવન્યુ ઓથોરીટીના દાયરા બહારની વિગતો છે. આ બાબતે સિવિલ કોર્ટ નિર્ણય કરવા માટેની યોગ્ય હકુમત છે. ઓરિસ્સા હાઈકોર્ટે સને 2008માં ઠરાવ્યા મુજબ જોઈન્ટ ફેમીલીનો પ્રોપર્ટી બાબતેના

રેવન્યુ રેકર્ડમાં કોઈ વાંધા તકરાર લેવાથી કોઈ ટાઈટલ ઉત્પન્ન થતું નથી કે રદ થતું નથી. આ પ્રમાણેનો ચુકાદો સને-2007 માં જસ્ટીસ જયંત પટેલે લેવાભાઈ ભવનભાઈના કેસમાં આપી ઠરાવેલ છે કે, રેવન્યુ રેકર્ડ કોઈ ન તો મિલકતમાં માલિકી હકક ઉભા કરે છે કે ન તો હકકમાં પરિવર્તન કરે છે.

વિશેષમાં રતિલાલ ચુનીલાલ સોલંકીના કેસમાં પણ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે ઠરાવેલ છે કે રેવન્યુ ઓથોરીટીને દસ્તાવેજની તકરાર કે માલિકી હકક નકકી કરવાનો અધિકાર નથી. અને તે નકકી કરવાની યોગ્ય હકુમત સિવિલ કોર્ટ છે. તેમજ રેવન્યુ ઓથોરીટી સિવિલ કોર્ટના હુકમ મુજબ હકકપત્રક રજિસ્ટરે નોંધ દાખલ કરવા જવાબદાર છે. આ જ પ્રકારનો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે કુરેશી હુસેનભાઈ મોતીભાઈના કેસમાં પણ આપેલ છે અને આ પ્રમાણેનો અભિગમ સુપ્રીમ કોર્ટે સાકળચંદ જયચંદ પટેલ વિગેરેના કેસમાં લીધેલ છે.

પરંતુ નવનિયુકત રેવન્યુ ઓફીસરો કે જે કદાચિત આ પ્રકારેના ચુકાદા અને કાયદાના પ્રબંધોથી માહિતગાર ન હોય તે જાણતા અજાણતા વાસ્તવિક મિલકતધારકોની વ્યથા અને કાનુની પરિસ્થિતિ સમજી શકતા નથી. તેને કારણે વાસ્તવિક હકક ધરાવતી વ્યક્તિઓ વર્ષો સુધી કાનુની પ્રક્રિયામાં અટવાઈ જાય છે અને ગેરકાયદેસર રીતે વાંધા લેનાર વ્યકિતઓની ગેરવ્યાજબી માંગણીઓને સરેન્ડર થવું પડે છે.

આ તબકકે સરકાર દ્વારા ગેરકાયદેસર વાંધા લેનાર વ્યકિતઓને દંડસજા કરવા અથવા બોગસ કાનુની કાર્યવાહી કરનાર સામે દંડકીય જોગવાઈ અને ફરીયાદ કરવા બાબતેના પ્રબંધો ઘડવા જોઈએ. વિશેષમાં રેવન્યુ રેકર્ડની નોંધ બાબતે સરકાર દ્વારા રેવન્યુ ઓફીસરોને ઉચ્ચ અદાલતોના ચુકાદા અને વાસ્તવિક કાનુની પરિસ્થિતિઓથી માહિતગાર કરવા સમયાંતરે ટ્રેનીંગ પ્રોગામ અને રેવન્યુ રેકર્ડની નોંધ બાબતે યોગ્ય ગાઈડલાઈન જાહેર કરવી જરૂરી છે. જેથી રેવન્યુ ઓફીસરનો કિંમતી સમયનો બચાવ થાય અને સાચા મિલકતધારકોના ટાઈટલ વિવાદાસ્પદ ન બને અને વર્ષો સુધી કાનુની કાર્યવાહીનો ભોગ ન બનવું પડે તેવું આ લખનારનું નમપણે માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.