Abtak Media Google News

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવી છે એટલે કે 156 સીટ સાથે તેણે પોતાના પણ બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે ત્યારે નવા મંત્રીમંડળ અને મુખ્યમંત્રીએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે બધાને પ્રશ્ન થતો હશે કે કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને સ્વતંત્ર હવાલો આ બધા વચ્ચે શું ફેર હશે ? તો આવો તમને જણાવી દઈએ કે આ બધા મંત્રીઓનો હોદ્દો અને તેઓએ શું કામ કરવાનું હોય છે ?

કેબિનેટ કક્ષાના મંત્રીઓ મુખ્ય હોય છે તેઓ મંત્રીમંડળમાં વિશેષ સ્થાન ધરાવે છે. તેમની પાસે મુખ્યત્વે એક કરતાં વધુ મંત્રાલય હોય છે. સરકારના તમામ નિર્ણયોમાં કેબિનેટના મંત્રીઓ સામેલ હોય છે. સામાન્ય રીતે દરેક સપ્તાહે કેબિનેટની બેઠક મળે છે. સરકારનો કોઈપણ નિર્ણય કે કોઈ અધ્યાદેશ, નવો કાયદો, કાયદા સંશોધન વગેરે બાબતો કેબિનેટની બેઠકમાં જ નક્કી થાય છે અને રાજ્યકક્ષા કરતા વધુ સત્તાઓ ધરાવે છે.

રાજ્યકક્ષા મંત્રી (સ્વતંત્ર હવાલો)

મંત્રી પરિષદનો જે ભાગ સ્વતંત્ર પ્રભારવાળા રાજ્યમંત્રીઓની પાસે હોય છે, તેઓ ફાળે આવેલાં મંત્રાલય અને વિભાગ માટે સંપૂર્ણપણે જવાબદાર હોય છે. જોકે દર અઠવાડિયે મળતી કેબિનેટની બેઠકમાં તેઓ સામેલ થતા નથી. કેબિનેટ તેમને તેમના મંત્રાલય કે વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણયો વખતે ખાસ પ્રસંગે બોલાવી શકે છે.

રાજ્યકક્ષાના મંત્રી

રાજ્યમંત્રીઓ કેબિનેટ મિનિસ્ટરની અંડરમાં કામ કરે છે. એક કેબિનેટ મંત્રીની અંડરમાં એકથી વધુ રાજ્યમંત્રી પણ હોય છે. આ ઉપરાંત એક મંત્રાલયની અંદર અનેક વિભાગો હોય છે, જે રાજ્ય મંત્રીઓની વચ્ચે વહેંચવામાં આવે છે, જેથી તેઓ કેબિનેટ મંત્રીને મંત્રાલય ચલાવવામાં મદદ કરી શકે.

મંત્રીમંડળની સંખ્યા અંગેના નિયમો શું છે ?

કોઈપણ રાજ્યમાં વિધાનસભા સીટની કુલ સંખ્યાનાં 15% સંખ્યા જેટલા જ મંત્રીઓનો સમાવેશ થાય છે. ગુજરાતની 182 બેઠક પ્રમાણે વધુમાં વધુ 27 મંત્રીનો સમાવેશ થઈ શકે છે. ગુજરાતનું સૌથી મોટું મંત્રીમંડળ ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાં જ હતું, જેમાં 25 મંત્રી સામેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.