ક્રુષ્ણ શું છે ? પ્રેમના દેવ ? માર્ગદર્શક ? મિત્ર ? કે ઉધ્ધારક ? વાંચો આ રસાળ લેખ

વર્ષો પહેલા સુરેશ દલાલે એક કવિતા લખેલી તેમાં એક પંક્તિ એવી હતી કે “શ્યામ તારી વાંસળી લૂલી થઈ!” ખરેખર આજે આના કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ છે.આખા ભારતીય હિન્દૂ ધર્મમાં જો સૌથી વધુ કોઈ ઈશ્વર વિશે લખાયું હોય તો તે કૃષ્ણ છે! રામ વિશે પણ લખાયું છે પણ કૃષ્ણ જેટલું નહિ,રામને સમજવા કૃષ્ણ જેટલા સરળ નથી.પણ આજે અહીં કૃષ્ણ વિશેની વ્યાખ્યાઓ બાંધવાનો કે તેને સમજાવવાનો કોઈ ઉપક્રમ નથી.આજે આ લેખમાં ભારતીયો અને ખાસ કરીને પ્રેમનો ભ્રમ ધરાવતા લોકોએ ખાસ કરીને મુગ્ધ વિદ્યાર્થીઓએ કૃષ્ણ જેવા સીધા સાદા માણસને-વિશિષ્ટ માણસને મોબાઈલમાં સ્ટેટ્સમાં રાખી રાખીને જે ચૂંથી નાખ્યો છે તેની વાત કરવી છે.

પહેલી અને કદાચ ન ગમે તેવી વાસ્તવિકતા એ છે કે કૃષ્ણ પ્રેમનો ઈશ્વર જ નથી પણ આપણે છૂટથી પ્રેમલીલા કરી શકીએ એ માટે કૃષ્ણને પ્રેમનો ઈશ્વર બનાવી દીધો છે.કૃષ્ણએ જિંદગી આખી પ્રેમ જ નહોતો કર્યો એ વાત પુરાવા સાથે સાબિત કરી શકાય એમ છે.હવે તો જો વૈકુંઠનું ખરેખર અસ્તિત્વ હશે તો કૃષ્ણ પણ ત્યાં બેઠા બેઠા વિચારતા હશે કે,”સાલું, હું આવું જીવન ક્યારે જીવેલો?!” કોઈ છોકરીએ સામું જોઈને હસ્યું ને બસ,એ મારી રાધા ને હું એનો કાનુડો!

રાધા કૃષ્ણના પ્રેમને બધા લેખકોએ,પ્રેમના ભ્રમમાં રાચતા લોકોએ નકામો ચૂંથી નાખ્યો છે.દરેક પ્રેમી પ્રેમિકા પોતાને રાધા કૃષ્ણ સમજે છે.ખરી વાત તો એ છે કે આપણે જ્યારે એ ઉંમરના હોઈશું ત્યારે અનેક છોકરીઓ (અથવા છોકરાઓ) સાથે રખડયા હોઈશું તો એનો અર્થ એવો નથી કે આપણે બધા પ્રેમમાં હતા!જોકે તમને લાગ્યું હશે કે વિષયાંતર થઈ ગયું પણ આ મુદ્દો જ એવો છે કે કૃષ્ણનું નામ આવે એટલે એની ચર્ચા કર્યા વિના ન ચાલે.કૃષ્ણ વિશે સંસ્કૃત રસકવિઓએ પણ આપણને ગૂંચવવામાં ઓછો ફાળો નથી આપ્યો.

ગુજરાતી સાહિત્યમાં પણ જુઓ તો સહેજેય મારા વજન જેટલા કૃષ્ણ પર લખેલા પુસ્તકો મળી આવશે.એ વાસ્તવિકતા જો દરેક હિન્દુ સ્વીકારી લે કે અવતારવાદ એ પુરાણીઓની કલ્પના છે તો ખરેખર બધા જ મનાતા અવતારોમાંથી આપણે સારું એવું જીવનમાં શીખી શકીશું.આપણે બધાએ ગીતાના ગુણ-ગાન ગાઈએ છીએ પણ કૃષ્ણને ગીતાનું જ્ઞાન સૂઝ્યું ક્યાંથી એ વિચાર કોઈને કેમ ન આવ્યો?કૃષ્ણ તો ભગવાન હતા,સર્વજ્ઞ હતા એવી નકામી દલીલ કરવાને કોઈ અવકાશ નથી.શ્રદ્ધાનું સ્થાન ઊંચું છે પણ તર્કથી અલગ છે.પણ વાસ્તવિકતા એ છે કે આપણને આપણા ઈશ્વરને તર્કની કસોટીએ ચડાવવામાં ડર લાગે છે.તો ફરી પાછા વાત પર આવીએ તો જ્યારે પાંડવો વનવાસ-અજ્ઞાતવાસમાં હતા ત્યારે કૃષ્ણ શું કરતા હતા એ વિચાર કોઈએ કેમ ન કર્યો?આ સમય દરમિયાન કૃષ્ણએ કઠિન અભ્યાસ કર્યો છે અને એની ફલશ્રુતિરૂપે આપણને ગીતા મળી છે.આ વાત ટીવી સિરિયલોની જેમ કલ્પના નથી પણ આપણા ભુલાઈ ગયેલા વિચારક કિશોરીલાલ મશરુવાળાના પુસ્તક ‘રામ અને કૃષ્ણ’માં આ વાત આપી છે.આજના બધા લેખકોએ પોતાના પુસ્તકોમાં જે નકામું ચિતર્યું છે(સદભાગ્યે અપવાદ છે) એ વાંચવા કરતા જો આ વિચારકને વાંચીશું તો વધારે સાચું જાણી શકીશું.

ખરેખર તો કૃષ્ણ એ એક જમાનાથી આગળ ચાલીને વિચારનારા વ્યક્તિ હતા,તેજસ્વી હતા!એ પણ મારા ને તમારા જેવા જ માણસ હતા પણ આપણે અને જુદા જુદા સંપ્રદાયોએ નકામા અહોભાવથી એને માથે ચડાવ્યા છે!આપણને બાલકૃષ્ણ દેખાય છે પણ વિદ્યાલયમાં જઈને નિષ્ઠાથી અભ્યાસ કરતા કૃષ્ણ કેમ દેખાતા નથી?એનું કડવું કારણ એ છે કે આપણે આપણી કલ્પનાઓ મુજબ ઈશ્વર બનાવતા શીખી ગયા છીએ અને ટીવી સિરિયલો એમાં આપણને મન ભરીને સાથ આપે છે.બધા વાચકોને અનુરોધ છે કે ટીવી સિરિયલો જોઈને ઈતિહાસ આવો જ છે એવું ન માને.

કોઈની શ્રદ્ધા પર ઘાત થતો હોય તો ભલે થાય પણ હવે કૃષ્ણને કોઈ ઈશ્વર તરીકે નહીં પણ એક મહાપુરુષ તરીકે જોવાની જરૂર છે.થાય છે એવું કે કૃષ્ણને ઈશ્વર કહીએ છીએ પણ એમાંથી કંઈ શીખતાં નથી,તેના પર મોટા મોટા ગ્રંથો લખનારા પણ આપણા જેવા જ હોય છે-એ પણ કંઈ જીવનના મૂલ્યો અપનાવી લેતા નથી.એના કરતા કૃષ્ણને એક માનવ તરીકે સ્વીકારી,આપણી પોતાની કલ્પના મુજબ કૃષ્ણની કલ્પના કરવાનું બંધ કરીને એક નવી દિશા ખોલીએ ને ભાષણો બંધ કરીએ તો ખરેખર કલ્યાણ થાય!(જોકે અત્યારે હું એમાં જ વધારો કરી રહ્યો છું એનો ખેદ છે.)

કૃષ્ણએ સદૈવ પોતાના જીવનમાં સુધારાવાદી વલણ અપનાવ્યું છે અને ‘ગોવર્ધનપૂજા’માંથી એ પ્રદર્શિત થાય છે પણ આપણે એને બદલે કંઈક બીજો જ નિષ્કર્ષ કાઢી લીધો ! .આપણી સંસ્કૃતિ અને આપણો કૃષ્ણ મહાન હતો એ બાબતે જગતમાં કોઈ પ્રશ્ન ઉઠાવી શકે એમ નથી પણ આપણે એના જીવનમાંથી કંઈ સાચું શીખી શકતા નથી અને એનું કારણ એ કે આપણને કૃષ્ણનું આ પાસું કોઈએ બતાવ્યું જ નથી!યાદ રાખો કે નરસિંહ મહેતા હોય કે મીરાંબાઈ કોઈએ ભક્તિ કરવા બીજાને જાણીજોઈને દુઃખી કર્યા હોય એવો એકેય પ્રસંગ મને યાદ નથી!આજે અનેક ભક્તો કરે છે.

આ કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં ગયેલા ત્યારે લગભગ સિત્તેર વર્ષના હતા એ જીવનના અંતિમ તબક્કા સુધી જિજીવિષા ન છોડવી એ સૂચવે છે.બહુ આદર સાથે આ વાતો લખી છે પણ કૃષ્ણ પ્રત્યેનો અતિઆદર જો આપણને મૂળ મૂલ્યોથી વિમુખ કરતા હોય તો ટકોર કરવી એ મારે મન તો કૃષ્ણભક્તિ જ છે.

જેના વિશે અનેક તર્કબદ્ધ ચર્ચાઓ કરી છતાં કોઈ અનોખું આકર્ષણ રહ્યું એવા કૃષ્ણને(મહાપુરુષ કૃષ્ણને) વંદન!

– પ્રથમ પરમાર

તમે પણ કવિતા, સ્વરચિત ગીત, ગઝલ કે કથા, ટૂંકીવાર્તા લખવાના શોખીન હોવ તો તમારા દ્વારા રચિત કન્ટેન્ટ અમને અમારા ઈ-મેઈલ એડ્રેસ [email protected] પર મોકલી આપશો. જેને તમારા નામ સાથે અમે અમારા પ્લેટફોર્મ પર મૂકીશું. તમારી આવડત, કૌશલ્ય, કળા-કૃતિને અમે ઉજાગર કરીશું.