સર્જરી પૂર્વે એનેસ્થેસિયા શું છે? કેવી ભૂમિકા છે એનેસ્થેટિસ્ટની??

રાજકોટ પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ખાતે 500 થી વધુ મ્યુકોર માયકોસીસની સફળ સર્જરી કરી દર્દીઓને દુરોગામી અસરથી બચાવવામાં સર્જનની સાથો-સાથ મેડિસિન અને એનેસ્થેટીસ્ટનો રોલ અતિ મહત્વનો સાબિત થયો છે.

એનેસ્થેસિયા હૃદય અને મગજ પર સીધી અસર  કરતું હોવાથી તેનું મેનેજમેન્ટ દરેક દર્દીની તાસીર  મુજબ કરવું અતિ અગત્યનું અને કાબિલેદાદ કાર્ય છે

એનેસ્થેસિયાના  મેનેજમેન્ટ વિશે રાજકોટ સિવિલના તબીબો દ્વારા મહત્વની જાણકારી અપાઈ

રાજકોટ સીવીલના એનેસ્થેસિયાના  હેડ ડો. વંદના પરમાર જણાવે છે કે,મ્યુકોર માયકોસીસના મોટા ભાગના દર્દીઓ કોમોર્બિડ અથવા પોસ્ટ કોરોનાના હોઈ તેઓના હૃદય, ફેફસા અને કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થયેલો હોઈ છે, તેમજ તેઓનો ઇમ્યુનીટી પાવર નબળો હોઈ તેવી પરિસ્થિતિમાં દર્દીની સર્જરી અતિ જોખમી સાબીત થતી હોય છે. આ દર્દીઓ એનેસ્થેસિયા રિસ્ક ગ્રેડ 3 તથા તેનાથી વધારેના હાઈ રિસ્ક ફેકટરમાં આવતા હોઈ સર્જરી દરમ્યાન તેઓનું જોખમ 10 થી 20 ગણું વધી જતું હોઈ છે. જેથી ઓપેરશન પહેલા, દરમ્યાન અને પછીનું ઓપરેશનલ દરમિયાનનું  મેનેજમેન્ટ ખુબ જ જવાદારીપૂર્વક અને સાવચેતી સાથે કરવું પડતું હોય છે.

રાજકોટ સિવિલ ખાતે અત્યાધુનિક એનેસ્થેસિયા વર્ક સ્ટેશન સાથે ઇન્ટેસિવ કેર યુનિટની સુવિધા ઉપલબ્ધ છે. જે સર્જરી દરમ્યાન દર્દીના પલ્સ, ઓક્સિજન લેવલ, હૃદયની સ્થિતિ, મગજની સ્થિતિ, બ્લડ પ્રેસર  વગેરે મોનીટરીંગ કરવામાં મદદરૂપ બને છે, એટલું જ નહી દર્દીને બેભાન કરવા માટે એનેસ્થેસીયાના  ઇન્જેક્શન તથા  ઇન્હેલેશન એજન્ટ્સ કે જેની સેફટી મારજીન ખૂબ વધુ છે તે  આપવામાં આવે છે. હાઈ સ્ટાન્ડર્ડ ડ્રગના વપરાશથી દર્દીના હૃદય અને મગજ પર કોઈ આડ અસર થતી ન હોવાનુ પણ ડો. વંદના પરમાર વધુમાં જણાવે છે.

ઇન્ટ્રા ઓપરેશન મેનેજમેન્ટ

મ્યુકોર માયકોસીસના દર્દીની સર્જરી પહેલા, દરમ્યાન અને બાદમાં એનેસ્થેસિયાના  મેનેજમેન્ટ વિષે એસોસિએટ પ્રોફેસર ડો. દીપા ગોંડલીયા જણાવે છે કે, સર્જરીના બે દિવસ પહેલાથી જ દર્દીના રિપોર્ટ કરવામાં આવે છે. તેમનું બી.પી., ઓક્સિજન લેવલ, લોહીના ટકા, પોટેશિયમ, સોડિયમ જેવા વાઈટલ ફેકટર્સનું પણ નિયમન કરવામાં આવે છે. દર્દી સર્જરી માટે ફિટ હોઈ તે સંજોગોમાં જ તેમની સર્જરી કરી હિતાવહ હોઈ છે. જો કોઈ સંજોગોમાં ઓક્સિજન લેવલ ઓછું હોય કે હાઇપર ટેન્સન હોઈ તેવા સમયે દર્દીની સર્જરી કરવી જરૂરી હોઈ ત્યારે આ સર્જરી અમારા માટે ચેલેન્જિંગ બની જાય છે.

મ્યુકરના દર્દીની પ્રિ, પોસ્ટ અને સર્જરી દરમ્યાનની ઓપરેશન મેનેજમેન્ટની કામગીરી અંગે એનેસ્થેટિકની જવાદારી વિષે વધુ જણાવતા ડો. દીપા કહે છે કે, સર્જરી પહેલા, દરમ્યાન અને પછી સૌથી મહત્વનું દર્દીનું ઓક્સિજન લેવલ 95 થી વધુ રાખવુ તેમજ તેઓને જરૂરી દવા આપી બી.પી. અને ડાયાબિટીસ નોર્મલ  રાખવું તે હોય છે. ઓપરેશન પહેલા એનેસ્થેસિયા આપી   દર્દીને  બેભાન કરવામાં આવે છે, જેના માટે જરૂરી તમામ દવાઓ સતત રીતે આપવાની હોય છે. જેમાં અનેસ્થેટિક એજન્ટ, મસલ્સ રિલેકસંટ પણ હોય છે.  ઇન્ટ્રા ઓપરેટીવ વેન્ટિલેટર દ્વારા ઓક્સિજન સપ્લાય સહીત પલ્સ તથા તમામ વાયટલ પેરામીટર નોર્મલ રહે તેની ખાત્રી કરવામાં આવે છે. ઓપરેશન દરમ્યાન એનેસ્થેસીયા વર્ક સ્ટેશન દ્વારા મોનીટરીંગ પર દર્દીની પરિસ્થિતિનું સતત મોનીટરીંગ રાખવું પડે છે. સર્જરી દરમ્યાન લોહી વધુ પડતી માત્રામાં નીકળી જાય તો લોહીનું પ્રમાણ પણ જાળવવું પડે છે. જયારે સર્જરી બાદ રિવર્સેબલ ડ્રગ

એજન્ટ ચાલુ કરી દર્દીને ભાનમાં લાવવામાં આવે છે. દર્દી કુદરતી રીતે શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે,  તેમજ ઓક્સિજન લેવલ જળવાઈ રહે તેની ખાત્રી માટે 24 કલાક તેને ઓબ્જર્વેશનમાં રાખવામાં આવે છે.સિનિયર એસોસિએટ પ્રોફેસર ડો. નાસિર શેખ જણાવે છે કે, રાજકોટ ખાતે સિવિલમાં વર્ષ દરમ્યાન આશરે 10,000 થી વધુ સર્જરી કરવામાં આવે છે. જનરલ સર્જરી અને મ્યુકોર માયકોસીસના દર્દીની સર્જરીમાં એનેસ્થેટિકની કામગીરીમાં બહુ મોટો ફર્ક હોઈ છે. અહીં દર્દીની તાસીરને ધ્યાનમાં લઈ ટેબલ મેનેજમેન્ટ કરવું પડે છે. મ્યુકર માયકોસીસના દર્દીઓની સર્જરી માટે એનેસ્થેટિકની 10 લોકોની ટીમ હાલ કાર્યરત છે. સર્જન તેમજ મેડિસિન વિભાગના ડોક્ટર્સ સાથે દર્દીની કંડીશન અંગે એનેસ્થેટિકનો અભિપ્રાય મહત્વનો હોઈ છે. રાજકોટ ખાતે કરવામાં આવતી મોટાભાગની સર્જરી જોખમી હોવા છતાં ઓન ટેબલ એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, મ્યુકર માયકોસીસના દર્દીઓને સર્જરીમાં જરૂરી મેડિસિન ટેકનિકલ તેમજ મેન પાવરની ચેન યોગ્ય રીતે ચાલુ રહે તે માટે રાજકોટ સિવિલ અધિક્ષક  આર.એસ. ત્રિવેદી સતત કાર્યશીલ રહી ટીમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.  સર્જરી દરમ્યાન અન્ય હોસ્પિટલોમાં થતા એનેસ્થેટિક ડ્રગના રૂ. 10 થી 15 હજારના ખર્ચની સામે સિવિલ ખાતે સર્જીકલ અને નર્સીંગ સહિતના સ્ટાફની મદદથી કરવામાં આવતી સર્જરી નિ:શુલ્ક પુરી પાડી દર્દીઓને ફંગસથી મુક્તિ અપવવાની સાથોસાથ તેમને આર્થિક સધિયારો પણ પૂરો પાડી સીવીલ હોસ્પિટલની આરોગ્યની ટીમ દર્દી નારાયણની આરોગ્ય સેવાનું કાર્ય સુપેરે નિભાવી રહી છે.