Abtak Media Google News

તમે ક્યારેક શાળામાં, તો ક્યારેક કોઈ નેતાના ભાષણમાં કે પછી ઘરમાં આસપાસ વડીલોની વાતચીત દરમિયાન બંધારણ શબ્દ સાંભળ્યો હશે. પણ આ બંધારણ એટલે શું? એ વિશે કદી જાણવા પ્રયાસ કર્યો છે? નથી કર્યોને! તો ચાલો આજે એ વિશે જાણીએ

તમને કદાચ થશે કે આજે આમ અચાનક બંધારણની વાત કેમ? તો એનો જવાબ છે –અઝરબૈજાન નામનો એક નાનકડો દેશ બંધારણ દિવસ ઉજવી રહ્યો છે. અઝરબૈજાન ભારતથી ઉત્તરપૂર્વમાં (ઈશાન દિશામાં) રશિયા, ઈરાન અને તુર્કીની વચ્ચે આવેલો દેશ છે. તેની વસતી આશરે નવ (૯) કરોડ છે. ૧૯૯૧માં સોવિયેત સંઘથી સ્વતંત્ર થયેલા અઝરબૈજાને ૧૨ નવેમ્બર ૧૯૯૫ના દિવસે બંધારણ સ્વીકાર્યું હતું અને ત્યારથી ત્યાં પ્રતિવર્ષ ૧૨ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવાય છે. દરેક દેશે આ રીતે પોતાનું બંધારણ તૈયાર કર્યું હોય છે અને તેનો કોઈ નિશ્ચિત તારીખથી અમલ શરૃ થતો હોય છે. જેમ ભારતમાં ૨૬ જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે. આપણને ૧૯૪૭માં સ્વતંત્રતા મળી અને પછી બંધારણ તૈયાર થયું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી તેનો અમલ શરૃ થયો એટલે આપણે પ્રતિવર્ષ ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ.

પણ આ બંધારણ એટલે શું?

બંધારણ એટલે જે તે દેશ પોતાના ઈતિહાસ, પોતાની પરંપરા, પોતાની સંસ્કૃતિ તેમજ પ્રજાજીવન જેવી દરેક બાબતોને ધ્યાનમાં રાખીને નાગરિકોએ, સરકારે કેવી રીતે કામ કરવું તે માટેના કાયદા, નીતિ-નિયમોનું પુસ્તક. સરકાર, સંસદ, વિધાનસભા, સરકારી ઓફિસો, શાળા-કોલેજ, અદાલતો, પોલીસ, લશ્કર એ બધાએ કેવી રીતે કામગીરી કરવાની, કેવી રીતે નીતિ-નિયમોનું પાલન કરવાનું વગેરે તમામ સ્પષ્ટતા બંધારણમાં કરવામાં આવતી હોય છે. દેશમાં કોઈપણ મુશ્કેલી ઊભી થાય, કોઈ સમસ્યા થાય, અદાલતમાં કેસ થાય તો એ બધી બાબતો અંગે બંધારણમાં શું કહેવામાં આવ્યું છે તેના આધારે છેલ્લો નિર્ણય કરવામાં આવે અને દરેકે તેનું પાલન કરવું પડે. દુનિયાના દરેક નાના-મોટા દેશનું આ રીતે બંધારણ તૈયાર થયેલું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.