સ્વપ્ન શું છે કલ્પના કે અચેતન મનની આગાહી?, વાંચો આ અહેવાલ

0
39

(અમેરિકાના પૂર્વપ્રમુખ અબ્રાહમ લિંકનએ પણ પોતાના મૃત્યુના થોડા દિવસ પહેલા પોતાની જ ઉત્તરક્રિયાનું સ્વપ્ન જોયું હતું!) 

(વર્તમાન સમય માં યુકે સ્થિત કૈંબ્રિજ યુનિવર્સિટી માં આવેલ નોકિયા બેલ લેબમાં અત્યાર સુધી ની સૌથી મોટા સ્વપ્નવિજ્ઞાન ના પ્રયોગ રૂપે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ સિસ્ટમ બનાવવા માં આવી છે જે સ્વપ્ન પાછળ ના અલગ અલગ દાખલાઓ નો અભ્યાસ કરી શકે)

આ જગત માં દરેક ને કોઈ ને કોઈ સ્વપ્ન આવ્યું જ હશે. દરેક વ્યક્તિ એ રાત ની ગાઢ નિદ્રા માં કોઈ ને કોઈ દ્રશ્ય જોયું જ હશે. કેટલાક સ્વપ્ન ખૂબ લાંબા સમય સુધી મન માં છાપ છોડી જાય છે, કેટલાક સવાર પડતાં ની સાથે જ મન માથી સરી પડે છે. પરંતુ આ સ્વપ્ન પાછળ નું કારણ શું? શા માટે આપણું મગજ આપણને રોજ સૂતા ની સાથે જ એક એવી અજાણી દુનિયા ની સફર કરાવે છે જેના પડઘા કોઈ વાર વાસ્તવિક જીવન માં પણ પડે છે?

મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિ થી જોતાં સ્વપ્ન ને નિદ્રા ની એવી અવસ્થા તરીકે વ્યાખ્યાયિત કરવા માં આવે છે જેમાં સંવેદના, લાગણીઓ, વિચારો અને ચિત્રો નો સમન્વય આપણી ઇચ્છા વગર આપણાં મન માં ઓઝલ થાય છે. મોટે ભાગે જ્યારે આપણે સ્વપ્ન જોતાં હોઈએ છીએ ત્યારે આપણું શરીર જાણે લકવો મારી ગયું હોય તેવી અવસ્થા માં હોય છે. ખરેખર એ આપણી અંદર ની જીવવૈજ્ઞાનિક વ્યવસ્થા છે જે સ્વપ્ના દરમ્યાન અનુભવાતી લાગણીઓ ના લીધે શરીર ના અનૈચ્છિક હલનચલન ને અટકાવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિ એ જોતાં સ્વપ્ન એ નિદ્રા માં થતાં રેપિડ આઇ મૂવમેન્ટ સમયે દેખાઈ છે. દિવસભર માં થયેલ ઘટનાઓ નું અવ્યવસ્થિત ચિત્રણ રાતે સ્વપ્ન માં જોવા મળે છે. જો સામાન્ય મનોવૈજ્ઞાનિક થિયરી પ્રમાણે જોઈએ તો સ્વપ્ન નો અભ્યાસ અહી જ ખતમ થઈ જાય છે. પરંતુ જો વર્ષો થી નોંધાયેલ અજબ ઘટનાઓ નો અભ્યાસ કરીએ તો આ સ્વપ્ન ની પઝલ હજુ જોડાઈ નથી. કોઈ વાર લોકો ને અચેતન મન સાથે સંકળાયેલ સ્વપ્ન જોવા મળે છે. ઉત્તેજક, ભયજનક, ખિન્નતાપૂર્ણ, જાદુઇ, કે રોમાંચક સ્વપ્ન ક્યાંક આપણાં અચેતન મન સાથે સાંકળવામાં આવે છે. સ્વપ્ન આપણાં હાથ માં નથી. કોઈ વાર સ્વપ્ન કોઈ એવો ખ્યાલ બતાવી જાય છે જે પ્રેરણાદાયક પણ હોય છે. ઘણા એવા વૈજ્ઞાનિકો એ સ્વપ્ન માં પોતાના અચેતન મન દ્વારા વિજ્ઞાન ના ખ્યાલો જોયા છે. આ યાદી માં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સટાઇન પણ સામેલ છે.

સ્વપ્ન પાછળ નું ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય

 

અમેરિકા ના પૂર્વપ્રમુખ સ્વ. અબ્રાહમ લિંકન એ પણ પોતાના મૃત્યુ ના થોડા દિવસ પહેલા એક સ્વપ્ન જોયું હતું. તેમનો આ અનુભવ રેકોર્ડ થયેલો છે. તેમના મુજબ તેમણે વ્હાઇટ હાઉસ માં પોતાની જ ઉત્તરક્રિયા નો કૂપ્રસંગ થતો જોયો. લગભગ 7 એપ્રિલ, 1985 ના દિવસે તેઓ રાતે મોડે સુધી કામ માં વ્યસ્ત રહ્યા. ત્યાર બાદ તેમના ટૂંકા નિદ્રા સમય માં તેમણે આ સ્વપ્ન જોયું. આ ઘટના ના એક અઠવાડીયા બાદ એટલે કે 14 એપ્રિલ, 1985 ના રોજ તેમની હત્યા થઈ!

એક પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક એવા કાર્લ જંગ એ સપ્ટેમ્બર, 1913 માં ટ્રેન માં સ્વિત્ઝરલૈંડ પરત ફરતી વખતે એક સ્વપ્ન જોયું. આ સ્વપ્ના મુજબ યુરોપ માં એક વિશાળ પૂર ની ઘટના બની રહી હતી. એક અઠવાડીયા બાદ ફરી તેમણે આવું સ્વપ્ન જોયું. ત્યાર બાદ વર્ષ 1914 ના વસંત ઋતુ ના સમયગાળા માં તેમણે યુરોપ ની ધરતી ને વનસ્પતિ રહિત થતાં જોઈ. આ સાથે લોકો ને હિજરત કરતાં પણ જોયા. આ સ્વપ્ન એ તેમને ખૂબ જ વિચલિત કર્યા. આશ્ચર્યજનક રીતે આ જ વર્ષ ના ઓગસ્ટ મહિના ની આસપાસ પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું!

શું આ ઘટનાઓ પાછળ કોઈ કારણ છે? શું સ્વપ્ન માં દેખાયેલ દ્રશ્યો વાસ્તવિકતા માં પરિવર્તિત થઈ શકે? શું આપણું અચેતન મન ભવિષ્યવાણી કરી શકે? શું સ્વપ્ન પાછળ એવું કોઈ વિજ્ઞાન છે જેના થી આપણે હજુ પણ અજાણ છીએ? સ્વપ્ન પાછળ થતાં અભ્યાસ ફક્ત એક શતક જૂના નથી. આજ થી 5000 વર્ષ પહેલા પણ મેસોપોટેમિયા ક્ષેત્ર માં સ્વપ્ન નું આલેખન થયેલ હતું. તે સમયે માટી ની સ્લેટ માં આ સ્વપ્નો ને અંકિત કરવામાં આવતા. ગ્રીક અને રોમન સમયગાળા માં સ્વપ્નો ને દેવતાઓ તથા મૃત વ્યક્તિઓ દ્વારા મોકલાયેલ સંદેશ તરીકે માનવામાં આવતા. ભારત ના પણ પ્રાચીન ગ્રંથો માં સ્વપ્ન વિશે વર્ણન છે. ઉપનિષદ, પુરાણ અને વેદ માં સ્વપ્ન નું અલગ અલગ રીતે વર્ણન છે. આયુર્વેદ માં મુખ્યત્વે સ્વપ્ન ને દર્શનિકતા સાથે સાંકળ્યું છે. ઋગ્વેદ માં દુસ્વપ્ન અને જાગૃત અવસ્થા માં આવતા સ્વપ્નો વિશે વર્ણન છે. મંડૂકય ઉપનિષદ માં નિદ્રા ની ચાર અવસ્થાઓ એવી આત્મન, જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ નું વર્ણન છે. ચાંદોગ્ય ઉપનિષદ માં પણ સ્વપ્ન ના અર્થઘટન આલેખવા માં આવ્યા છે.

સ્વપ્ન નું આધુનિક વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય

શું તમે જાણો છો કે વર્તમાન સમય માં પણ સ્વપ્ન વિજ્ઞાન વિશે અભ્યાસ થઈ રહ્યા છે? અત્યાર ની આધુનિક ટેક્નોલોજી એવી બિગ ડેટા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ ની મદદ થી સ્વપ્ન ની દુનિયા માં ડોકયુ કરવામાં આવી રહ્યું છે. ઉપર જણાવેલ સ્વપ્ન ની ઘટનાઓ આજે પણ થંભી નથી. આજે પણ લોકો ને એક મોટી કુદરતી ઘટના ની આગાહી કરતાં સ્વપ્નો દેખાયા છે. આજે જે કોરોના ની મહામારી ફેલાઈ છે તેના વિશે ના પણ સ્વપ્નોની માહિતી મળી છે. કેટલાય લોકો ને એક વિશાળ કીટક પૂરી દુનિયા માં ફેલાયા ના સ્વપ્નો જોવા મળ્યા છે! જે આ મહામારી ની આગાહી ગણી શકાય.

વર્તમાન સમય માં યુકે સ્થિત કૈંબ્રિજ યુનિવર્સિટી માં આવેલ નોકિયા બેલ લેબ માં એક એવી આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્ટ સિસ્ટમ બનાવવા માં આવી છે જે સ્વપ્ન પાછળ ના અલગ અલગ દાખલાઓ નો અભ્યાસ કરી શકે. ડ્રીમબેન્ક નામથી ઓળખાતી આ પ્રણાલી લગભગ 38000 નોંધાયેલ સ્વપ્નો નો અભ્યાસ કરી રહી છે. આ પ્રણાલી પોતાની મેળે જ સ્વપ્ન માં દેખાતા પાત્રો, ક્રિયાપ્રતિક્રિયાઓ અને સંવેદનાઓ ને ઓળખી શકે છે. વૈજ્ઞાનિકો એ એક એવું ઓનલાઇન ડ્રીમકેચર બનાવ્યું છે જે સ્વપ્ન ના દરેક પાસાઓ ની ચકાસણી કરી શકે. આ પ્રણાલી દ્વારા ગતવર્ષ ના માર્ચથી એપ્રિલ માહ દરમ્યાન ના 9000 મહામારી સાથે સુસંગત સ્વપ્ન નો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસ માં કિટકો ની સેના, ભયજનક કિટકો અને બીજા એવા સ્વપ્ન બહાર આવ્યા જે મહામારી ની ગંભીરતા વિશે ની આગાહી કરતાં હતા.

આજ થી 5000 વર્ષ કે તેથી પણ વધુ સમય પહેલા પણ સ્વપ્નો એક એવી અચેતન અવસ્થા તરીકે જણાયા છે જે મનુષ્ય ની ઇચ્છાઓ, સુખ- દુ:ખ અને ભવિષ્યવાણી ને પણ દર્શાવનારી છે. મનુષ્ય નું મન એક એવો વૈજ્ઞાનિક કોયડો છે જેના ટુકડાઓ એક જટિલ પઝલ તરીકે જાણી શકાય. શું સ્વપ્ન નું સતત અવલોકન શક્ય છે? શું વિશ્વભર પર તોળાતી આપત્તિઓ વિશે આગાહી કરી શકાય? શું મનુષ્ય નું અચેતન મન વિશ્વ ને બચાવવા સમર્થ છે?

 

 વાઇરલ કરી દો ને

લગભગ બે દિવસ પહેલા મેં એવું સ્વપ્ન જોયું કે આ વખતે 10માં અને 12માં ધોરણ ની પરીક્ષા જ નહીં હોય!

 પરીક્ષા લેવી કે નહીં

તથ્ય કોર્નર

જ્યારે તમારું ડોગ કે કેટ સૂતી વખતે પોતાની પૂંછડી હલાવતું હોય ત્યારે એ પણ સ્વપ્ન જોઈ રહ્યું હોય છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here