Abtak Media Google News

વિધિવત વર્ષારાણીના આગમન પહેલા સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અમીછાટણાની આગાહી કરવામાં આવી ચર ત્યારે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ તેના નિર્ધારીત સમય કરતા વહેલુ બેસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં સર્જાનાર હવાના હળવા દબાણને કારણે, અરબી સમુદ્ર પરથી દક્ષિણ પશ્ચિમ દિશામાંથી હવા વહેતી થશે જેને લઈને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ચોમાસુ તેના નિર્ઘારિત સમય કરતા વહેલુ બેસી જશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 જિલ્લામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ પોરબંદરના તળાજામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં 11થી 13 જુન વચ્ચે કેટલાક સ્થળે ભારે વરસાદ પણ પડશે. બંગાળની ખાડીમાં સર્જાનાર હવાના હળવા દબાણને પગલે, અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવન ગુજરાતમાં વહેશે. જેના કારણે ગુજરાતમાં વરસાદી વાતાવરણ સર્જાવા સાથે નૈઋત્યના ચોમાસાનો રાજ્યના કેટલાક ભાગમાં વિધિવત્ત રીતે પ્રારંભ થઈ જશે.અત્યારે હાલ ગુજરાતમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ હોવાથી ભારે ઉકળાટ અનુભવાય છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

મુંબઈમાં આગામી 48 કલાક હાઈટાઈડની આગાહી:અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

મુંબઈ શહેરના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે જેને લઈ અનેક વિસ્તારોમાં વરસેલા વરસાદથી પાણી ભરાયા છે. ખાસ કરીને બાંદ્રા, કુર્લા, ચેમ્બુર, અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, કાંદિવલી, બોરીવલી, મલાડ અને દહિસરમાં આજે સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગત રાત્રીથી જ સતત વરસાદ વરસી રહ્યો છે.

સતત વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે રસ્તા પર વિઝીબિલીટી ઓછી થઈ જવા પામી છે. તો ભરાયેલા વરસાદી પાણીને કારણે, કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે, મુંબઈમાં વરસાદનુ પ્રમાણ ચાલુ રહેવાની સાથે દરિયામાં ઉચા મોજા ઉછળશે. મુંબઈના દરિયામાં સવારે 11:43 વાગ્યે હાઈટાઇડ આવવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે, દરિયામાં 4.16 મીટર ઉંચા મોજા ઉછળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.