જાણો શું છે કુંભમેળાનો ઇતિહાસ…?!!

પૌરાણિક માન્યતા વિષ્ણુ પુરાણમાં મળે છે. દૈત્યોની શક્તિ વધતી જતી હતી એટલે દેવતાઓએ પોતાની શક્તિ ધીમે ધીમે ઘટતી જતી જોઈને બ્રહ્માજી પાસે જઈને પોતાનું સામથ્ર્ય વધારવા માટે પ્રાર્થના કરી. બ્રહ્માજીએ હિમાલય પર્વત નજીક આવેલા ક્ષીર સાગરનું મંથન કરવાનું સૂચવ્યું.


હરિદ્વારમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના પવિત્ર દિવસથી પૂર્ણ કુંભમેળાનો પ્રારંભ થઈ ગયો છે.હરિદ્વારનો કુંભમેળો સાડા ત્રણ મહિના ચાલવાનો છે અને બીજાં ૧૦ મળી કુલ ૧૧ સ્નાન થશે.
કુંભમેળાની શરૃઆત કઈ રીતે થઈ તેનો ઈતિહાસ અત્યંત રસપ્રદ છે.હિન્દુ માન્યતા પ્રમાણે દેવો-દાનવોએ અમરત્વ પામવા માટે અમૃતકુંભ મેળવવા સમુદ્રમંથન કર્યું હતું અને સમુદ્રમંથન પછી અમૃતકુંભ મળ્યો તે પછી મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુએ ચાલાકીથી દેવોને અમૃત આપી અમરત્વ આપ્યું પછી કુંભને પામવા માટે આકાશમાં બાર દિવસ અને બાર રાત્રિ સુધી યુદ્ધ થયું હતું. મોહિનીરૃપ ધારણ કરીને આવેલા વિષ્ણુ કુંભ લઈને ભાગ્યા ત્યારે તેમાંથી થોડાંક ટીપાં ચાર સ્થળે પડયાં હતાં. આ ચાર સ્થળો એટલે પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન.

આ ચાર સ્થળો પર અમૃતનાં ટીપાં પડયાં તેથી તેમને પણ અમરત્વ મળ્યું અને દાનવો સાથે બાર વર્ષ યુદ્ધ ચાલ્યું હતું તેથી દર બાર વર્ષે વારાફરતી આ સ્થળોએ કુંભમેળો યોજાય છે.


આ એક ભગીરથ કાર્ય હતું. દેવતાઓની શક્તિ ઘટી ગઈ હોવાથી તેઓ એકલા હાથે આ કાર્ય સંપન્ન કરી શકે એમ નહોતા એટલે સમુદ્રમંથન માટે દેવોએ દૈત્યોને પણ સાથે લીધા અને નક્કી કર્યું કે સમુદ્ર મંથનમાંથી મળેલું અમૃત દેવો અને દૈત્યોએ વહેંચી લેવું. મંદાર પર્વત ફરતે રસ્સી તરીકે નાગરાજ વાસુકિની મદદ લઈને સમુદ્ર મંથનનું કાર્ય આરંભાયું. સૌથી પહેલાં વિષ નીકળ્યું.

કોઈ દેવ કે દૈત્ય એ સ્વીકારવા તૈયાર નહોતો ત્યારે શિવજીએ એ વિષ કુંભ ગટગટાવી દીધો અને વિષ ગળામાં જ રોકી દીધું. જોકે એમ કરતી વખતે વિષનાં થોડાંક ટીપાં નીચે પડી ગયાં જે વીંછી અને નાગ જેવાં સરિસૃપ પ્રાણીઓ પર પડ્યાં અને ઝેરી પ્રાણીઓની ઉત્પત્તિ થઈ. એ પછી એક હજાર વર્ષ સુધી મંથન કર્યા બાદ ધન્વંતરિ હાથમાં અમૃતકુંભ લઈને પ્રગટ થયા. દૈત્યો એકલા જ આ અમૃત હડપી લેવા માગતા હતા. દેવોને ચિંતા થઈ કે જો દૈત્યો આ અમૃત પીને અમર અને શક્તિશાળી થઈ જશે તો આ બ્રહ્માંડનું શું થશે?

એવામાં ઇન્દ્રદેવનો પુત્ર જયંત ધન્વંતરિના હાથમાંથી અમૃત કુંભ લઈને ભાગી નીકળ્યો. દૈત્યો તેની પાછળ પડ્યા. દેવોએ તેમને રોકવા યુદ્ધ આરંભ્યું. બ્રહ્માંડનું આ યુદ્ધ બાર દિવસ ચાલ્યું, જે મનુષ્ય જન્મનાં બાર વર્ષ સમાન હતું. દૈત્યોથી આ કુંભ બચાવવા માટે દેવોએ રોજ અલગ અલગ જગ્યાએ કુંભ છુપાવ્યો હતો. બાર દિવસમાંથી આઠ દિવસ કુંભ દેવલોકમાં રાખ્યો અને ચાર દિવસ આ કુંભ પૃથ્વી પર અલાહાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાશિકમાં રાખેલો.

આ જગ્યાઓએ દેવ દૈત્યો વચ્ચે યુદ્ધ પણ થયું અને એના છાંટા આ ચારેય ધામ પર પડ્યા હતા. આખરે વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરીને દૈત્યોનું ધ્યાન વિચલિત કરી દીધું. રાક્ષસો અત્યંત સુંદર અને મોહ પમાડે એવી સ્ત્રી જોઈને અમૃતની વાત જ ભૂલી ગયા અને સુંદરીની પાછળ પડ્યા. આનો લાભ લઈને દેવો અમૃતકુંભ ગટગટાવીને ફરી શક્તિશાળી અને અમર થઈ ગયા.


દેવ દાનવોની લડાઈ દરમ્યાન પૃથ્વી પર ચાર જગ્યાએ અમૃત કુંભનાં અમી છાંટણાં થયાં હોવાથી દરેક સ્થળે બાર વર્ષે અહીં મહા કુંભમેળો યોજાય છે. એટલે કે દર ત્રણ વર્ષે આ ચારમાંથી કોઈ એક જગ્યાએ મહા કુંભમેળો થાય છે.

મહા કુંભમેળો થાય એ પછીના છઠ્ઠા વર્ષે અર્ધ કુંભમેળો પણ ચારે જગ્યાએ યોજાય છે. દેવોના બાર દિવસ પૃથ્વી પર માનવોનાં બાર વર્ષ સમાન ગણવામાં આવતા હોવાથી બાર વર્ષ દરમ્યાન અમુક ચોક્કસ ગ્રહ નક્ષત્રોની દિશાના આધારે ચાર નદીઓના કિનારે મહા કુંભમેળો યોજાય છે. આ ચાર જગ્યાઓ છે:

ઉત્તર પ્રદેશમાં જ્યાં ત્રણ નદીઓ ગંગા, જમુના અને અદૃશ્ય સરસ્વતીનો ત્રિવેણી સંગમ થાય છે એવું અલાહાબાદ, ઉત્તરાખંડમાં ગંગા કિનારે આવેલું હરિદ્વાર, મહારાષ્ટ્રમાં ગોદાવરી નદીના કિનારે નાશિક અને મધ્ય પ્રદેશમાં ક્ષિપ્રા નદીના કિનારે ઉજ્જૈન.

આ ચારે જગ્યાઓએ બાર વખત કુંભમેળો યોજાય એ પછી એટલે કે ૧૪૪ વર્ષે એક મહા-મહા કુંભમેળો થાય છે જે માત્ર ત્રિવેણી સંગમ સમા પ્રયાગ એટલે કે અલાહાબાદમાં જ ઊજવાય છે. મહાકુંભમેળાનું જેટલું મહત્વ છે એનાથી અનેકગણું મહત્વ મહામહા કુંભમેળાનું ગણાય છે. મહા કુંભમેળા દરમ્યાન ઉત્તર પ્રદેશના અખાડાઓમાંથી હજારોની સંખ્યામાં નાગા બાવાઓ ઊમટી પડે છે. કડકડતી ઠંડી હોય કે ધગધગતી ગરમી, તેઓ શરીર પર માત્ર અને માત્ર રુદ્રાક્ષની માળા જ પહેરે છે. મોટા ભાગે અખાડાઓમાં અને પબ્લિક-પ્લેસથી દૂર રહેતા નાગા સાધુબાવાઓ કુંભમેળા દરમ્યાન અચાનક જ સેંકડોંની સંખ્યામાં ઊમટી પડે છે.